PM Kisan 21st Installment: દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 19 નવેમ્બરે તમિલનાડુના કોયમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જારી કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી લગભગ 18000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરશે. દરેક લાભાર્થી ખેડૂતોને આ વખતે પમ 2000 રૂપિયાનો હપ્તો મળશે.
કોયમ્બતુરમાં યોજાનારો આ કાર્યક્રમ પીએમ કિસાન ઉત્સવ દિવસ (PM Kisan Utsav Diwas) તરીકે ઉજવવામાં આવશે, જ્યાં વડાપ્રધાન દેશભરના ખેડૂતોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ દેશના તમામ જિલ્લાઓમાં કલેક્ટરેટ સભાગૃહો, પંચાયતો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, મંડીઓ અને કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં કરવામાં આવશે, જેથે ખેડૂતો સીધા પ્રધાનમંત્રીનો સંદેશ સાંભળી શકે.
ક્યાં ખેડૂતોને નહીં મળે 21મો હપ્તો? – કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર, આ હપ્તો કેટલાક રાજ્યોમાં અગાઉ જ આપી દેવામાં આવ્યો હતો. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને સપ્ટેમ્બર-ઑક્ટોબર 2025માં એડવાન્સમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દેવામાં આવ્યો છે. આ 4 રાજ્યોના કુલ 35.54 લાખ ખેડૂતોને પહેલેથી જ આ રકમ મળી ગઈ છે. એટલે 19 નવેમ્બરે આ રાજ્યોના ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા નહીં આવે. બાકીના તમામ રાજ્યોના પાત્ર ખેડૂતોને આવતીકાલે આ રકમ મળી જશે.
19 નવેમ્બરે તમિલનાડુના કોયમ્બતુર પહોંચશે PM મોદી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમિલનાડુ પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું છે કે તેઓ 19 નવેમ્બરે કોયમ્બતુરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે અને દક્ષિણી રાજ્યોના પ્રાકૃતિક તથા જૈવિક કૃષિ નિષ્ણાતો તથા 50 વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે. આ સંમેલનનો હેતુ પ્રાકૃતિક અને પુનર્જનનાત્મક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ ઘડવાનો છે.
શું છે પીએમ કિસાન યોજના? – પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેના અંતર્ગત પાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાયને દર વર્ષે 3 હપ્તામાં (દર ચાર મહિને 2,000 રૂપિયા) સીધા ખેડૂતોના ખાતામાં જ મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ દેશભરના જમીન ધરાવતાં ખેડૂત પરિવારોને આવક સહાય પ્રદાન કરવાનો છે, જેથી તેમને વિવિધ કૃષિ અને ઘરગથ્થુ ખર્ચાઓ પૂરા કરવામાં મદદ મળે.

