Railways ticket checking rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું હોય છે. આમાં સૌથી મોટો નિયમ ટિકિટને લઈને છે. ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવી એ નિયમોનું ઉલ્લંઘન છે. આવા કિસ્સામાં દંડ ભરવો પડે છે. કોઈ મુસાફર ટિકિટ લઈને મુસાફરી કરી રહ્યો છે કે નહીં તે તપાસવા માટે ટ્રેનમાં TTE હાજર હોય છે.
પરંતુ જ્યારે કોઈ રેલવે પોલીસ કર્મચારી ટિકિટ બતાવવાનું કહે, ત્યારે ઘણીવાર મૂંઝવણ થાય છે. લોકોમાં એવી સામાન્ય માન્યતા બની ગઈ છે કે વર્દીમાં દેખાતો દરેક અધિકારી ટિકિટ ચેક કરી શકે છે. શું ખરેખર એવું હોઈ શકે? જાણી લો રેલવેના નિયમો શું કહે છે.
ટિકિટ ચેક કરવાનો અધિકાર કોની પાસે હોય છે?
રેલવેના નિયમો અનુસાર ટ્રેન અને સ્ટેશનમાં ટિકિટ ચેક કરવાનો અધિકાર માત્ર ટિકિટ ચેકિંગ સ્ટાફને જ આપવામાં આવ્યો છે. આમાં ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે TTE અને ટિકિટ ચેકિંગ સ્ટાફ એટલે કે TC નો સમાવેશ થાય છે. આ અધિકારીઓ મુસાફરોની ટિકિટની તપાસ કરે છે અને ટિકિટ વગર કે ખોટી ટિકિટ પર મુસાફરી કરનારાઓ પાસેથી દંડ વસૂલી શકે છે.
દંડ લીધા પછી રસીદ આપવી પણ જરૂરી હોય છે. તેમની પાસે વેલિડ ઓળખપત્ર અને સત્તાવાર રજિસ્ટર અથવા ડિજિટલ ડિવાઇસ હોય છે, જેનાથી તેમની ઓળખ કરી શકાય છે. જો કોઈ અધિકારી પોતાને TTE અથવા TC ગણાવે છે, તો મુસાફરને અધિકાર છે કે તે તેનું ઓળખપત્ર જોવાની માંગ કરે. નિયમ મુજબ ટિકિટ સંબંધિત તમામ કાર્યવાહી આ જ અધિકારીઓના દાયરામાં આવે છે.
રેલવે પોલીસ માંગી શકે ટિકિટ?
મુસાફરોની સુરક્ષા અને ટ્રેનની સેફ્ટી માટે રેલવે પોલીસ હાજર હોય છે. રેલવે પોલીસ જેમાં RPF અને GRP સામેલ છે. તેમના જવાનો અને અધિકારીઓનું મુખ્ય કામ સુરક્ષા વ્યવસ્થા સંભાળવાનું હોય છે. સ્ટેશન અને ટ્રેનમાં ચોરી, મારામારી, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક, મહિલા સુરક્ષા અને કટોકટીની સ્થિતિમાં મદદ આપવી તેમની જવાબદારી છે. સામાન્ય સ્થિતિમાં રેલવે પોલીસને ટિકિટ ચેક કરવાનો કે દંડ વસૂલવાનો અધિકાર નથી.
જોકે, જો કોઈ મુસાફર પર ગુના સંબંધિત શંકા હોય અથવા સુરક્ષાનો મામલો હોય, તો ઓળખ માટે ટિકિટ બતાવવા માટે કહી શકાય છે. આને નિયમિત ટિકિટ ચેકિંગ માનવામાં આવતું નથી. જો કોઈ રેલવે પોલીસ કર્મચારી ખોટી રીતે દંડ માંગે છે, તો મુસાફર રેલવે હેલ્પલાઈન અથવા વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી શકે છે.

