ઢાકા, તા.11 : ભારતના આશરે રહેલા બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, બાંગલાદેશમાં સરકાર ઉથલાવવા પાછળ અમેરિકાનો હાથ છે. રણનીતિક રીતે મહત્ત્વના એક ટાપુ પર અમેરિકાની નજર હતી અને તે માટે સોદાબાજી ન કરતાં તેને સત્તાથી બેદખલ કરી નાંખવામાં આવ્યા છે. પોતે મૃતદેહોના ઢગલા જોવા માંગતાં ન હોવાથી પદ છોડયાનું કહેતાં હસીનાએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ બહુ જલ્દી બાંગલાદેશ પરત આવશે. શેખ હસીનાએ કહ્યંy કે, અમેરિકાને સેંટ માર્ટિન ટાપુ જોઈતો હતો અને તે ન આપવાને કારણે તેમને સત્તાથી હટાવવા યોજના ઘડવામાં આવી હતી.

અમેરિકાના ઈશારે દેશમાં તખતો પલટી નાખવામાં આવ્યો છે. આ ટાપુ મેળવીને અમેરિકા બંગાળની ખાડી ક્ષેત્રમાં પ્રભાવ વધારવા ઈચ્છતું હતુ. તેમણે બાંગ્લાદેશની જનતાને અનુરોધ કર્યો હતો કે, તેઓ કટ્ટરપંથીઓની ઉશ્કેરણીમાં ન આવે. શેખ હસીના એ ખુદ દેશમાંથી ફરાર થવું પડયું છે અને હવે તેમણે પોતાના ખાસ સહયોગીઓ દ્વારા બાંગલાદેશમાં આવો સંદેશો મોકલાવ્યો છે. મીડિયાને શેખ હસીનાનો આવો સંદેશો મળ્યો છે. સંદેશામાં તેમણે કહ્યંy કે મેં રાજીનામું આપી દીધું કારણ કે લાશોનું જુલૂસ જોવું ન પડે. તેઓ છાત્રોની લાશો પર સત્તામાં આવવા ઈચ્છતા હતા પણ મેં તેવું થવા દીધું નથી.
જો મેં સેંટ માર્ટિન ટાપુ અમેરિકાને આપી દીધો હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું દેશમાં રહી હોત તો વધુ લોકોની હત્યા થાત, સંપત્તિને વધુ નુકસાન થાત. એટલે દેશ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમણે દેશવાસીઓને કહ્યું કે તેઓ બહુ જલ્દી સ્વદેશ પાછા આવશે. બીજીતરફ બાંગલાદેશમાં વિરોધ પ્રદર્શન, હિંસા અને ટોચના અધિકારીઓનાં રાજીનામાનો દૌર યથાવત્ છે. નવી વચગાળાની સરકારની રચના બાદ પણ દેશમાં શાંતિ સ્થપાઈ નથી.

