Belgium Gold Treasure Discovery: બેલ્જિયમમાં ઇમારત નીચે મળ્યો 10.5 મિલિયન ડૉલરનો ખજાનો, 4,000 સોનાના સિક્કા અને 40 બારથી ખળભળાટ

Arati Parmar
3 Min Read

Belgium Gold Treasure Discovery: યુરોપિયન દેશ બેલ્જિયમમાં જમીન નીચેથી મોટો ખજાનો મળ્યો છે. આ ખજાનો પુરાતત્વવિદો અથવા એક્સપર્ટની ટીમે કોઈ ખાસ સાઇટ પર શોધ્યો નથી, પરંતુ એક કન્સ્ટ્રક્શન ટીમને મળ્યો છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સથી 19 માઇલ ઉત્તર-પશ્ચિમમાં આવેલા ડેન્ડરમોન્ડે શહેરમાં એક ઇમારતની નીચે મજૂરોને મોટી સંખ્યામાં સોનાના સિક્કા અને ઈંટો મળી આવી છે. ઇમારતના કામ દરમિયાન એક દીવાલ નીચેથી સોનું મળ્યું છે.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, મંગળવારે બેલ્જિયમમાં કામ દરમિયાન કન્સ્ટ્રક્શન વર્કરોને મળેલા સોનાના સિક્કા અને બારની કિંમત 10.5 મિલિયન ડૉલર (લગભગ એક અબજ ભારતીય રૂપિયા) છે. તેમને આ સોનું ઇમારતની નીચે સમારકામનું કામ કરતી વખતે મળ્યું હતું. કોબે ફિલિપ્સ નામના વિદ્યાર્થીએ આ ખજાનો શોધ્યો, જે પાર્ટ-ટાઇમ કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યો હતો.

- Advertisement -

ખજાનો જોઈ ચોંકી ગયા વર્કર

ડેન્ડરમોન્ડે પોલીસ ડિસ્ટ્રિક્ટના ચીફ પેટ્રિક ફેયસે જણાવ્યું કે 40 સોનાના બાર અને 4,000 સોનાના સોવરેન સિક્કા એક જૂની દારૂની ભઠ્ઠી (બ્રુઅરી)ના પાયામાં છુપાયેલા મળી આવ્યા હતા. કોબે ફિલિપ્સે જણાવ્યું, ‘મને લાગ્યું કે તે એક-યુરોના સિક્કા છે, જે એક લાઇનમાં વ્યવસ્થિત રીતે રાખેલા છે. અમે તેમને બહાર કાઢ્યા ત્યારે જોયું કે સોનાનો એક બાર ત્યાં પડેલો હતો. હકીકતમાં અમે જેટલું વિચાર્યું હતું, આ તેનાથી ઘણું વધારે સોનું હતું.’

સોનું મળ્યા બાદ વર્કરોએ પ્રોપર્ટીના માલિકનો સંપર્ક કર્યો અને ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી. ઈસ્ટ ફ્લેન્ડર્સ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું કે મોટી કિંમતને કારણે પોલીસને બોલાવવામાં આવી હતી અને હવે સોનાને સુરક્ષિત તથા પહેરેદારીવાળી જગ્યાએ રાખવામાં આવ્યું છે. ડેન્ડરમોન્ડે પોલીસના ફેસબુક પેજ પર રહેલી તસવીરોમાં સોનાના સિક્કાઓથી ભરેલી એક મેટલની બાલટી અને સોનાના બારથી ઢંકાયેલું એક ટેબલ દેખાઈ રહ્યું છે.

- Advertisement -

સિક્કાઓ પર 1960ની મહોર

ફેયસે જણાવ્યું કે કેટલાક સોનાના બાર પર 1960ના દાયકાની મહોર લાગેલી છે, જ્યારે સોવરેન સિક્કાઓ પર અલગ-અલગ રાજાઓ અને તારીખોના નિશાન છે. આવી સ્થિતિમાં હાલમાં આ બાબતો સ્પષ્ટ નથી. બીજી તરફ આ શોધ બાદ ખજાનાના અનેક સંભવિત દાવેદારો સામે આવવા લાગ્યા છે.

ફેયસે કહ્યું કે કેટલાક નાગરિકો અગાઉ સામે આવ્યા છે, જેઓ અલગ-અલગ દસ્તાવેજો દ્વારા આ સાબિત કરીને સોના પર પોતાનો દાવો રજૂ કરવા માંગે છે કે તેઓ તેના અસલી વારસદાર છે. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે શું આ મામલામાં કોઈ ગુનાહિત પાસું સામેલ છે.

- Advertisement -
Share This Article