નવી દિલ્હી, તા. 1 : ભારત અને ચીન વચ્ચે સીમાએ ચાર વર્ષે શાંતિનો સૂર્યોદય ઉગ્યો છે અને દળો પાછા ખેંચાયા છે, પણ ખંધા ચીનનો વિશ્વાસ થાય તેમ નથી. હવે એવા અહેવાલ છે કે, પાકિસ્તાન અને ચીનની ગુપ્તચર એજન્સીઓ જમ્મુ-કાશ્મીરની અનેક મહત્ત્વની પરિયોજનાઓ અંગે માહિતીઓ એકત્ર કરી રહી છે.
મળતી વિગતો અનુસાર પાકિસ્તાનની જાસૂસી એજન્સી ચીનના ઈશારે ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના ચિનાબ પુલ અંગે માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના સંગલદાન અને જમ્મુ-કાશ્મીરના રિયાસી વચ્ચે ચિનાબ નદી પર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે.
ચીન આ પુલ અંગે વિશેષ રસ લઈ રહ્યું છે. ગુપ્તચર બાતમીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, રિયાસી અને રામબનને જોડતા ચિનાબ રેલવે પુલ અંગેની ગુપ્ત વિગતો ચીન અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓએ એકત્ર કરી છે. દુનિયાના સૌથી ઊંચા આર્ચ બ્રિજ પરથી આ વર્ષે 20 જૂનના ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી.
આ પરિયોજના આ વર્ષના અંત સુધી પૂર્ણ થવાની ધારણા છે. આ બ્રિજ સુરક્ષા અને દેશ માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે, તે દેશના લગભગ દરેક રાજ્યને જમ્મુ-કાશ્મીરથી જોડી શકાશે. ચીની જાસૂસી એજન્સીઓનું નામ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે આવતું હોવાથી આ મામલાની ગંભીરતા વધી જાય છે. ચિનાબ બ્રિજના નામથી જાણીતો આ પુલ રેલ વ્યવહાર માટે જલ્દી ચાલુ થઈ શકે છે. આ બ્રિજને સ્ટ્રક્ચરલ સ્ટીલથી બનાવવામાં આવ્યો છે અને માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને તે સહી શકે છે.