નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે કોલકાતાની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર તબીબનાં બળાત્કાર-હત્યાના બનાવને ભયાનક ગણાવતા એફઆઇઆર નોંધવામાં વિલંબ બદલ પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારને જોરદાર ફટકાર લગાવી છે. સર્વોચ્ચ અદાલતે તબીબો સાથે હિંસા અટકાવવા અને સલામત વાતાવરણ માટે ભલામણો કરવા માટે રાષ્ટ્રીય ટાસ્કફોર્સ (કાર્યસમૂહ)ની પણ રચના કરી હતી. આ ટાસ્કફોર્સમાં સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે. કોલકાતામાં એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર પછી તેની હત્યાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને દેશવ્યાપી પ્રદર્શનો પણ થયાં હતાં. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે આ બનાવમાં સ્વત:સંજ્ઞાન લઈને ત્રણ અઠવાડિયામાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ ટાસ્કફોર્સને આપ્યો છે.

મહિલાઓ સામેની હિંસાને રોકવા અને તાલીમાર્થીઓ, નિવાસી-બિનનિવાસી ડોક્ટરો માટે સન્માનજનક કાર્યસ્થળો સુનિશ્ચિત કરવા માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કરશે, એમ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (સીબીઆઇ) બળાત્કારના કેસમાં તપાસની સ્થિતિ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પણ 15 ઓગસ્ટે આર.જી. કર હોસ્પિટલમાં થયેલાં ટોળાના હુમલા અંગે સ્થિતિ અહેવાલ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. આ કેસનું સંજ્ઞાન લેતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ ઘટના સમગ્ર ભારતમાં ડોક્ટરોની સલામતી અંગે એક વ્યવસ્થિત મુદ્દો ઉઠાવે છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ઘટનાની નોંધ લેતા કહ્યું હતું, જો મહિલાઓ કામ પર જઈ શકતી નથી અને કામ કરવાની પરિસ્થિતિઓ સુરક્ષિત નથી, તો આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટે બળાત્કાર-હત્યા કેસમાં એફઆઇઆર નોંધવામાં વિલંબ કરવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી અને પૂછયું હતું કે, હોસ્પિટલ અધિકારીઓ શું કરી રહ્યા છે. ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે, `એવું લાગે છે કે વહેલી સવારે ગુનાની જાણ થઈ હતી પણ મેડિકલ કોલેજના આચાર્યએ તેને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બેન્ચે કોલકાતા પોલીસને ફટકાર લગાવતા પૂછયું હતું કે, હજારો લોકોનું ટોળું આર. જી. કર મેડિકલ કોલેજમાં કેવી રીતે પ્રવેશ્યું ? આગળ સવાલ કરવામાં આવ્યો કે, જ્યારે આર. જી. કર હોસ્પિટલના આચાર્યનું વર્તન તપાસ હેઠળ હતું ત્યારે તેમને તરત જ બીજી કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા ? સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારની શક્તિનો ઉપયોગ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ન થવો જોઈએ કારણ કે આ રાષ્ટ્રીય જાગૃતિનો સમય છે. મોટાભાગના યુવા ડોક્ટરો 36 કલાક કામ કરી રહ્યા છે અને કાર્યસ્થળે સલામત પરિસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસાવવાની જરૂર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળે અસ્વીકારની સ્થિતિમાં રહેવું ન જોઈએ અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે વિફળ પૂરવાર થઈ છે. તેમણે કહ્યું કે 7,000 લોકોની ભીડ કોલકાતા પોલીસની જાણ વિના હોસ્પિટલમાં પ્રવેશી શકે નહીં. જો કે, વરિષ્ઠ વકીલ કપિલ સિબલે આ વાતને નકારતા કહ્યું હતું કે, આ વાત યોગ્ય નથી અને અકુદરતી મૃત્યુનો કેસ પહેલેથી જ નોંધાઈ ગયો હતો.
જો કે તેની સામે સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે મોડી રાત સુધી એવી કોઈ એફઆઇઆર દાખલ કરવામાં આવી ન હતી કે જે સૂચવે આ હત્યાનો સ્પષ્ટ કેસ હતો. સીજેઆઇએ કહ્યું હતું કે, અમે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે તેઓ વરિષ્ઠ અને જુનિયર ડોક્ટરોની સુરક્ષા માટે દેશભરમાં અપનાવવા યોગ્ય પદ્ધતિઓ પર ભલામણો આપે. દરમિયાન, એફએઆઇએમએ ડોક્ટર્સ એસોસિયેશને રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની સુનાવણીને 22 ઓગસ્ટ માટે સૂચિબદ્ધ કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ રાજ્ય શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર અંકુશ મૂકશે નહીં. – સુપ્રીમ કોર્ટે કરેલાં સૂચનો : * હોસ્પિટલોના ઇમરજન્સી રૂમ વિસ્તારમાં સુરક્ષા વધારવી * પ્રવેશ સ્થળે સામાનની તપાસ થવી જોઈએ, જેથી હથિયારધારીઓ હોસ્પિટલમાં દાખલ ન થઈ શકે * દર્દી સિવાયના અન્ય લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ હોવો જોઈએ, જેથી બિનજરૂરી ભીડ ન થાય. * ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી * તબીબો માટે વિશ્રામ ખંડ હોવા જોઈએ અને નર્સો માટે એક કોમન એરિયા પણ હોવો જોઈએ. * આ સ્થળોએ પ્રવેશ માટે બાયોમેટ્રિક્સ અને ચહેરાની ઓળખ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. * હોસ્પિટલ પરિસરમાં પૂરતી લાઇટ હોવી જોઈએ અને તમામ સ્થાને સીસીટીવી લગાવવા જોઈએ. * તબીબી વ્યાવસાયિકો માટે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પરિવહનની સુવિધા હોવી જોઈએ. * સમસ્યાઓ અને કટોકટીનો સામનો કરવા માટે વર્કશોપનું આયોજન કરવું જોઈએ * સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થાનું ત્રિમાસિક ઓડિટ થવું જોઈએ. * ભીડ અનુસાર હોસ્પિટલોમાં પોલીસ તૈનાત થવી જોઈએ. * તબીબી સંસ્થાઓમાં પોશ કાયદાનો અમલ કરાવવો અને આઇસીસીની રચના કરવી જોઈએ. * મેડિકલ વ્યાવસાયિકો માટે હેલ્પલાઇન નંબર.

