Deborah Bergamini: ઇટાલીની ફોર્ઝા ઇટાલિયા પાર્ટીનાં નેતા ડેબોરા બર્ગમિનીએ ભારત સમિટમાં મતચોરી અંગેની ટિપ્પણી કરવા બદલ યુરોપિયન સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા જિયાકોમો ફિલિબેકની ટીકા કરી છે. તેમણે આ પ્રકારની ટિપ્પણીને વ્યૂહાત્મક ભાગીદાર દેશ માટે અયોગ્ય ગણાવી છે. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારમાં સહયોગી ડેબોરાએ કહ્યું છે કે ભારતમાં પોતાની એક સ્થાપિત વ્યવસ્થા છે, જ્યાં બીજા નેતાઓએ ટિપ્પણી કરવાની જરૂર નથી.
હૈદરાબાદમાં ઇટાલીના નેતાના ‘વોટ ચોર, ગદ્દી છોડ’ના નારા પર ડેબોરા બર્ગમિનીએ મોદી સરકારનો બચાવ કર્યો છે. તેમણે નરેન્દ્ર મોદી પર નિશાન સાધનારા જિયાકોમો ફિલિબેકને જવાબ આપતાં ભારતની લોકશાહી સંસ્થાઓ અને ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી. બર્ગમિનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે જે ભારતમાં 97 કરોડ નાગરિકો મતદાન કરે છે, તેને લોકશાહી અંગે ઉપદેશ આપવો યોગ્ય નથી. ભારત પાસે પોતાના વિવાદો ઉકેલવા માટે પોતાની ન્યાયપાલિકા છે.
મારું માનવું છે કે લોકશાહીમાં દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબના દાવા અને આરોપો લગાવવા માટે સ્વતંત્ર છે. શરત એટલી છે કે તેઓ તેને સાબિત કરી શકે. આવા કિસ્સાઓમાં મિત્ર દેશની આંતરિક રાજકીય ચર્ચામાં પડવું ખોટું છે, જેની સાથે આપણા દેશે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી છે અને તમામ ક્ષેત્રોમાં ગાઢ સહયોગ વિકસાવ્યો છે. – બર્ગમિની
શું છે વિવાદ
પાર્ટી ઑફ યુરોપિયન સોશિયાલિસ્ટ્સ (PES)ના મહાસચિવ ફિલિબેકે મતદાર યાદીમાં ગેરરીતિઓ સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અભિયાનને સમર્થન આપ્યું છે. તાજેતરમાં તેલંગાણામાં એક સભાને સંબોધિત કરતી વખતે ફિલિબેકે વિપક્ષના ‘વોટ ચોર, ગદ્દી છોડ’ના નારાનું પુનરાવર્તન કર્યું હતું. વિપક્ષ વર્તમાન સરકાર વિરુદ્ધ આ નારો લગાવી રહ્યો છે.
ભારત સમિટમાં બોલતી વખતે ફિલિબેકે ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતનો બચાવ કરવા બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને પારદર્શક મતદાર યાદીની માગણી કરી. ફિલિબેકે કહ્યું કે રાહુલ ગાંધીએ એવા મૂળભૂત સિદ્ધાંતનો બચાવ કર્યો છે, જેના પર દરેક લોકશાહી ટકેલી હોય છે. આ સિદ્ધાંત છે – ‘એક વ્યક્તિ, એક મત’.
યુરોપિયન હોવાના નાતે અમે એવા દેશને લોકશાહીનો પાઠ ભણાવવો ખોટું માનીએ છીએ, જે 970 મિલિયન નાગરિકોને મતદાન કરવાની મંજૂરી આપે છે. દરેક ઝઘડા અને વિવાદનો ઉકેલ લોકશાહીના નિયમોનું પાલન કરીને અને તેમનું સન્માન કરીને લાવવો જોઈએ. – બર્ગમિની
ફિલિબેકે નારાનો બચાવ કર્યો
ફિલિબેકે સમિટમાં પોતાની ભાગીદારીનો બચાવ કરતાં કહ્યું કે લોકશાહી સામે ઊભા થતા પડકારો તરફ ધ્યાન દોરવા માટે આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે અને આપણે તેની રક્ષા કરવી પડશે. તેની રક્ષા કરવાની સૌથી સારી રીત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની સાથે ઊભા રહેવાની છે.’

