Egypt Sarah Khalifa Death Sentence: ઇજિપ્તની ટીવી પ્રેઝેન્ટર સારા ખલીફા અને અન્ય 11 લોકોને ડ્રગ્સ સાથે જોડાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
સરકારી અખબાર અલ-અહરામ અનુસાર, આ તમામ એક ગુનાહિત ગેંગનો ભાગ હતા.
ગેંગ પર આરોપ હતો કે તે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ વિદેશથી મંગાવતી હતી અને તેનો ઉપયોગ નશીલા પદાર્થો તૈયાર કરીને વેચવા માટે કરતી હતી.
તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
39 વર્ષની સારા ખલીફા પોતાના ટીવી કાર્યક્રમ ‘મિશન ઇમ્પૉસિબલ’ માટે જાણીતી છે.
આ કાર્યક્રમમાં ગુનાથી જોડાયેલા કેસો દર્શાવવામાં આવતા હતા. ખલીફાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.
આ કેસમાં ચુકાદો પ્રથમ વખત ગયા મહિને સંભળાવવામાં આવ્યો હતો.
જોકે, એક મહિના બાદ તેને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી, કારણ કે અદાલતે ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી પાસેથી ધાર્મિક અભિપ્રાય લેવાનો હતો.
ઇજિપ્તમાં મૃત્યુદંડના કેસોમાં આ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે.
આ ચુકાદા સામે અપીલ કરી શકાય છે.
ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલો છે કેસ
મુકદ્દમા દરમિયાન અદાલતને જણાવવામાં આવ્યું હતું કે અધિકારીઓએ 750 કિલોથી વધુ નશીલા પદાર્થો અને તેમને બનાવવા માટે વિદેશથી મંગાવવામાં આવેલો કાચો માલ જપ્ત કર્યો હતો.
અલ-અહરામ અનુસાર, 20 સાક્ષીઓએ અભિયોજન પક્ષ સમક્ષ નિવેદનો આપ્યા હતા.
આ ઉપરાંત ઇલેક્ટ્રૉનિક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વાતચીત અને વીડિયો ક્લિપ્સ સામેલ હતી.
સરકારી અખબાર અલ-યૌમ અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અદાલતમાં હાજરી દરમિયાન જજે જ્યારે સારા ખલીફાને કેસમાં તેમની કથિત ભૂમિકા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમણે ડ્રગ્સ અગાઉ ક્યારેય જોયા નહોતા.
તેમનું કહેવું હતું કે તેમણે પ્રથમ વખત ડ્રગ્સ ત્યારે જોયા હતા, જ્યારે નશીલા પદાર્થ વિરોધી એજન્સીની કચેરીમાં તેમની સાથે તેમનો ફોટો લેવામાં આવ્યો હતો.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના 2025ના એક અહેવાલ અનુસાર, તે વર્ષે 492 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જેમાંથી 23 લોકોને ફાંસી આપવામાં આવી હતી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ આરોપીઓને ડ્રગ્સની તસ્કરી અને બળાત્કાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
પરંતુ આ એવા ગુનાઓ હતા, જે ‘ઇરાદાપૂર્વકની હત્યા’ની શ્રેણીમાં આવતા નથી.
આંતરરાષ્ટ્રીય કાયદા અને ધોરણો હેઠળ મૃત્યુદંડનો ઉપયોગ માત્ર ‘ઇરાદાપૂર્વકની હત્યા’ જેવા ગુનાઓના કેસો સુધી મર્યાદિત હોવો જોઈએ.
હવે દોષિતો પાસે શું વિકલ્પ છે?
મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હોવા છતાં સારા ખલીફા અને અન્ય દોષિતોના કાનૂની વિકલ્પો હજુ સમાપ્ત થયા નથી. આ ચુકાદા સામે અપીલ કરી શકાય છે.
આ કેસ ઇજિપ્તની સર્વોચ્ચ અપીલીય અદાલત, એટલે કે કોર્ટ ઑફ કેસેશન સુધી જઈ શકે છે. ત્યાં બચાવ પક્ષ નીચલી અદાલતના ચુકાદા અને તેના પાછળ આપવામાં આવેલા કાનૂની આધારને પડકારી શકે છે.
આ કેસમાં અદાલતે ચુકાદો સંભળાવતા પહેલાં ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી પાસેથી અભિપ્રાય પણ માંગ્યો હતો. મૃત્યુદંડના કેસોમાં આ એક જરૂરી પ્રક્રિયા છે. જોકે, ગ્રાન્ડ મુફ્તીનો અભિપ્રાય અદાલત માટે બંધનકર્તા હોતો નથી.
આનો અર્થ એ છે કે અદાલતનો વર્તમાન ચુકાદો મૃત્યુદંડનો છે, પરંતુ હજુ તેને અંતિમ રીતે અમલમાં મૂકવાનો બાકી છે. અપીલની પ્રક્રિયા બાદ સજા યથાવત રહી શકે છે, બદલાઈ શકે છે અથવા કેસમાં ફરી સુનાવણીનો માર્ગ ખૂલી શકે છે.

