European Gold Reserves: નેધરલેન્ડ્સની કેન્દ્રીય બેન્કે આ જ અઠવાડિયે જણાવ્યું હતું કે તેણે દેશનું અનેક ટન સોનું ઉત્તર અમેરિકાની બહાર શિફ્ટ કરી દીધું છે.
નેધરલેન્ડ્સનું કહેવું છે કે આ શિફ્ટિંગથી તે ગંભીર સંકટો માટે વધુ સારી રીતે તૈયાર રહેશે.
અમેરિકા અને કેનેડામાં રાખવામાં આવેલા કુલ આશરે 313 ટન સોનામાંથી લગભગ 86 ટનને વધતી જિયોપોલિટિકલ અશાંતિને ધ્યાનમાં રાખીને લંડન શિફ્ટ કરવામાં આવ્યું છે. બેન્કે જણાવ્યું કે આનાથી આ કિંમતી મેટલ કોઈ સંકટની સ્થિતિમાં ઉપયોગ માટે સરળતાથી ઉપલબ્ધ રહેશે.
આ પછી સવાલ ઉઠવો સ્વાભાવિક હતો. ડચ આવું શા માટે કરી રહ્યા છે? શું તેમને આવનારા સમયમાં કોઈ મોટા આર્થિક આંચકાની આશંકા છે?
આ પગલું સ્પષ્ટ રીતે દુનિયાની હાલની અસ્થિર અને અનિશ્ચિત સ્થિતિના જવાબમાં લેવામાં આવ્યું છે. વેપાર અને સૈન્ય અથડામણો વચ્ચે દેશો સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છે અને પોતાના સોનાને દેશની વધુ નજીક રાખવા માગે છે.
આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સે પણ જાહેરાત કરી હતી કે તેણે અમેરિકામાં રાખેલા પોતાના સોનાના ભંડારને પરત મંગાવી લીધા છે. બીજી તરફ, જર્મનીના બુન્ડેસબૅન્કે વિદેશોમાં રાખેલા 216 ટનથી વધુ સોનાને શિફ્ટ કર્યું હતું. તેમાં ન્યૂયોર્કથી 111 ટન અને પેરિસથી 105 ટન સોનું સામેલ હતું. આ પ્રક્રિયા 2016માં પૂર્ણ થનારા કેટલાક વર્ષો દરમિયાન પૂરી કરવામાં આવી હતી.
વૈશ્વિક અસ્થિરતાના સમયગાળામાં અગાઉ પણ આવી વ્યૂહરચના અપનાવવામાં આવી ચૂકી છે. ગોલ્ડમેન શૅક્સના સંશોધન વિશ્લેષકો લીના થોમસ અને ડેન સ્ટ્રૂવેનએ જણાવ્યું, “કોલ્ડ વૉર દરમિયાન યુરોપના કેટલાક કેન્દ્રીય બેન્કોએ પોતાના સોનાના ભંડારનો એક હિસ્સો ન્યૂયોર્ક શિફ્ટ કર્યો હતો.”
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વરિષ્ઠ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોસેફ કૅવાટોનીએ જણાવ્યું કે યુદ્ધ અને વેપારી તણાવ “આમાંથી કેટલાક નિર્ણયો પર અસર કરી રહ્યા હતા”, પરંતુ આ નિર્ણયો લેવાના કારણોની યાદીમાં તેઓ સૌથી ઉપર નહોતા.
મોંઘવારી, વ્યાજના દરો અને સોનાને એવી જગ્યાએ રાખવું જ્યાં તેનો ઝડપથી વેપાર માટે ઉપયોગ કરી શકાય, આ બધાની પણ તેમાં ભૂમિકા હતી.
ફ્રાન્સ અને જર્મનીએ પણ સોનાનું શિફ્ટિંગ કર્યું હતું
લંડન શહેરમાં સ્થિત બેન્ક ઑફ ઇંગ્લેન્ડની તિજોરીઓમાં ટન સોનાની લગડીઓ રાખવામાં આવી છે.
કૅવાટોનીએ જણાવ્યું, “મને એવું લાગતું નથી કે કોઈ મોટી આપત્તિ આવવાની છે. પરંતુ મને લાગે છે કે લોકો હવે એ વાતને વધુ સારી રીતે સમજી રહ્યા છે કે પોતાના રિઝર્વ એસેટ્સને કેવી રીતે સંભાળવા, તેમને કેવી રીતે વધારવા અને આ સંપત્તિઓનો વધુમાં વધુ લાભ મેળવવા માટે શું કરી શકાય.”
નેધરલેન્ડ્સની કેન્દ્રીય બેન્ક ડી નેધરલેન્ડ્સ બેન્કે જણાવ્યું કે આ વર્ષે માર્ચથી ઓગસ્ટ વચ્ચે અમેરિકા અને કેનેડામાંથી હટાવવામાં આવેલું સોનું હવે ‘બેન્ક ઑફ ઇંગ્લેન્ડ’ની તિજોરીઓમાં રાખવામાં આવ્યું છે.
નેધરલેન્ડ્સની કેન્દ્રીય બેન્કના ગવર્નર ઓલાફ સ્લેપેને જણાવ્યું, “અમને આશા છે કે ક્યારેય તેનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. પરંતુ સંકટનો સામનો કરવાની ક્ષમતા અને તૈયારીને મજબૂત કરવાની જરૂર છે.”
લંડનને સૌથી વધુ સારી જગ્યા એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે દુનિયાના મુખ્ય સોના વેપાર કેન્દ્રોમાંનું એક છે.
જો કોઈ સંકટના સમયે સોનું ઝડપથી ખરીદવું અથવા વેચવું હોય, તો લંડન તેના માટે સૌથી યોગ્ય જગ્યા છે. આ જ કારણ છે કે ‘બેન્ક ઑફ ઇંગ્લેન્ડ’ની તિજોરીઓ સોનું રાખવા માટે લોકપ્રિય જગ્યા બની રહી છે.
‘બેન્ક ઑફ ઇંગ્લેન્ડ’ સૌથી મોટો ગોલ્ડ કસ્ટોડિયન
‘બેન્ક ઑફ ઇંગ્લેન્ડ’ દુનિયાનો સૌથી મોટો ગોલ્ડ કસ્ટોડિયન છે.
સેન્ટ્રલ લંડનમાં આવેલી 300 વર્ષ જૂની આ સંસ્થામાં લગભગ ચાર લાખ ગોલ્ડ બાર રાખવામાં આવી છે, જેની કિંમત 200 અબજ પાઉન્ડથી વધુ છે.
‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ના ઇન્ડસ્ટ્રી સર્વે અનુસાર ‘બેન્ક ઑફ ઇંગ્લેન્ડ’ હજુ પણ સૌથી મહત્વપૂર્ણ વૉલ્ટિંગ લોકેશન બની રહી છે. પરંતુ કેન્દ્રીય બેન્કો ગોલ્ડ રાખવાની જગ્યાઓમાં ઝડપથી વૈવિધ્ય લાવી રહી છે.
ગોલ્ડમેન શૅક્સના થોમસ અને સ્ટ્રુવેનના જણાવ્યા અનુસાર, “પોતાના દેશનું સોનું ક્યાં રાખવું, તે સ્ટોર મેનેજરો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બનતું જઈ રહ્યું છે.”
આજની દુનિયામાં પોતાના ખજાનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ઘણી રીતો છે.
નેધરલેન્ડ્સે ન્યૂયોર્કમાં લગભગ 59 ટન સોનું વેચ્યું અને ત્યારબાદ લંડનમાં વધુ સ્ટોક ખરીદ્યો, એટલે કે આ જથ્થાને એટલાન્ટિક મહાસાગરની પાર લઈ જવાની જરૂર પડી નહોતી.
પરંતુ 27 ટનથી વધુ સોનું અમેરિકા અને કેનેડામાંથી નેધરલેન્ડ્સના ઝીસ્ટ શહેરમાં “ભૌતિક રીતે મોકલવામાં આવ્યું”. આટલી જ માત્રામાં ગોલ્ડ ઝીસ્ટથી લંડન પણ મોકલવામાં આવ્યું.
આ પ્રકારની સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પોતાની કામગીરીની રીતો અંગે મૌન રહે છે, પરંતુ એવું કહેવું યોગ્ય રહેશે કે વાસ્તવિક જીવનમાં કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા પગલાં અને યોજના વ્યાપક સ્તરે તૈયાર કરવામાં આવે છે.
‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ના કૅવાટોનીએ જણાવ્યું કે ગોલ્ડ સ્ટોકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની સૌથી સ્ટાન્ડર્ડ રીત એ છે કે કોઈ વસ્તુ એક જગ્યાએ વેચીને બીજી જગ્યાએ ખરીદવામાં આવે.
તેમણે જણાવ્યું, “માની લો કે મને મારું સોનું ન્યૂયોર્કમાં જોઈએ છે અને તે મારી પાસે લંડનમાં છે. હું તેને લંડનમાં વેચી શકું છું અને ન્યૂયોર્કમાં ખરીદી શકું છું, એ જ દિવસે, એ જ સમયે, અસરકારક રીતે કોઈ અન્ય લોજિસ્ટિકલ ફેરફાર વિના ટ્રાન્સફર કરી શકું છું.”
માત્ર કેટલીક પસંદગીની કંપનીઓ જ સરહદો પાર ગોલ્ડના જથ્થાના મેનેજમેન્ટનું કામ કરે છે.
તેમાંની એક બ્રિન્ક્સ ગ્લોબલ સર્વિસિસ છે. તેણે જણાવ્યું કે તેણે તાજેતરના દિવસોમાં કેન્દ્રીય બેન્કો જેવી સંસ્થાઓ તરફથી “ગોલ્ડની માંગમાં વધારો” જોયો છે.
બ્રિન્ક્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ નાદેર અંટારે જણાવ્યું, “વધતી જિયો-પોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતા, સાથે જ ‘સ્ટ્રેટેજિક રિઝર્વ્ડ વેલ્થ’ તરીકે સોનાની વધતી ભૂમિકા, આ ટ્રેન્ડને આગળ વધારે છે.”
સેન્ટ્રલ બેન્કોના ગોલ્ડ સ્ટોરેજ અંગે આટલી ચર્ચા કેમ?
એવું એટલા માટે કે તેઓ સતત સોનું ખરીદી રહી છે.
પરંતુ ગોલ્ડમેન શૅક્સના થોમસ અને સ્ટ્રુવેનના જણાવ્યા અનુસાર, તેને પોતાના દેશમાં સ્ટોર કરવા માટે ખર્ચ કરવો પડે છે.
તેમણે જણાવ્યું, “દેશમાં સ્ટોરેજ માટે સુરક્ષા, ઑડિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્શ્યોરન્સમાં પૈસા લગાવવા પડે છે. આ ખર્ચ નાના કેન્દ્રીય બેન્કો માટે વધુ હોઈ શકે છે.”
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રીય બેન્કોએ વાર્ષિક સરેરાશ 1,000 ટન સોનું જમા કર્યું છે, જે છેલ્લા દાયકાના 500 ટનના સરેરાશ કરતાં ઘણું વધારે છે.
આ ટ્રેન્ડ 2008ના વૈશ્વિક નાણાકીય સંકટના સમયથી ચાલી રહ્યો છે. અને આવનારા વર્ષમાં તેના વધુ ઝડપી થવાની આશા છે.
તાજેતરના વર્ષોમાં સોનાની કિંમતમાં ઘણો વધારો થયો છે. તેની કિંમતમાં સતત રેકોર્ડ ઊંચાઈ નોંધાઈ છે અને જાન્યુઆરીમાં તે પ્રતિ ઔંસ 5,000 ડૉલરથી પણ ઉપર પહોંચી ગઈ હતી.
સોનાની કિંમત વધવાના અનેક કારણો છે. પરંતુ લોકોના મનમાં રહેલું એક મુખ્ય કારણ એ ધારણા છે કે તે રોકાણ તરીકે સુરક્ષિત સંપત્તિ છે. તેનો ઉપયોગ વેપાર અને યુદ્ધોને કારણે થતી નાણાકીય અને જિયોપોલિટિકલ ઉથલપાથલ દરમિયાન રોકાણમાં કરવામાં આવે છે.
મોંઘવારી અને વ્યાજના દરો પણ સોનાની લોકપ્રિયતાને અસર કરે છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ચાર્લ્સ શ્વાબ અનુસાર, “છેલ્લી અડધી સદીમાં સોનાની કિંમતો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ની સરખામણીએ ઘણી ઝડપથી વધી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ- CPI) મોંઘવારીનું સૌથી ઝીણું માપદંડ છે.”
જોકે આ વર્ષની શરૂઆતમાં નોંધાયેલા રેકોર્ડ ઊંચા સ્તરથી સોનાની કિંમત ઘટી છે, તેમ છતાં તે ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે જળવાઈ રહી છે.
ગોલ્ડમેન શૅક્સના રિસર્ચરોના જણાવ્યા અનુસાર 2026ના અંત સુધીમાં પ્રતિ ઔંસ ગોલ્ડની કિંમત વધીને 4,900 ડૉલર થવાનો અંદાજ છે, જે ઓગસ્ટમાં તેની કિંમત કરતાં 300 ડૉલર વધુ છે.
થોમસ અને સ્ટ્રુવેનના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બેન્કો તરફથી સોનાની માંગ તેની કિંમતોમાં ઉછાળાનું એક મુખ્ય કારણ છે.

