France Student Protests: ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વધતી ભીડ સામે સતત ત્રીજા સપ્તાહે વિરોધ પ્રદર્શનો ચાલુ છે. મંગળવારે દેશનાં અલગ-અલગ શહેરોમાં 1.6 લાખથી વધુ શાળાનાં બાળકો, વિદ્યાર્થીઓ અને ટ્રેડ યુનિયનના સભ્યોએ કૂચ કાઢી હતી. પ્રદર્શનકારીઓએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગ કરી હતી. ઘણા લોકોએ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, મંગળવારે ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં થયેલા પ્રદર્શનોમાં આશરે 1,61,500 લોકો સામેલ થયા હતા. આ પહેલાં ગયા મંગળવારે 2.6 લાખથી વધુ અને ગુરુવારે આશરે 75,000 લોકોએ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન નાંતે શહેર અને પેરિસના મોન્ટપાર્નાસ વિસ્તાર નજીક પોલીસે આંસુ ગૅસના ગોળા છોડ્યા હતા. જોકે, લિયોન, લીલ અને માર્સેઈ જેવા શહેરોમાં થયેલાં મોટા ભાગનાં પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં હતાં. પ્રદર્શનકારીઓની મુખ્ય માગણીઓમાં શિક્ષકોની અછત દૂર કરવી, વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી અને જર્જરિત શાળાનાં મકાનોનું સમારકામ કરવું સામેલ છે.
ગ્રેટા થનબર્ગ પણ પ્રદર્શનમાં જોડાઈ
જળવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ પણ મંગળવારે સવારે પેરિસના સેન્ટ-ડેનિસમાં એક શાળાની બહાર થયેલા પ્રદર્શનમાં જોડાઈ હતી. 23 વર્ષીય થનબર્ગ કિશોરાવસ્થામાં જળવાયુ સંકટ સામે પગલાં લેવાની માગ સાથે શાળા છોડીને પ્રદર્શન કરવા બદલ ચર્ચામાં આવી હતી.
થનબર્ગે કહ્યું કે યુવાનોને એવા મુદ્દાઓ પર થતી ચર્ચામાં સામેલ કરવામાં આવતા નથી, જેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડશે. તેણે કહ્યું, ‘અમારું ભવિષ્ય અમારી પાસેથી છીનવાઈ રહ્યું છે અને, જેમ આપણે અહીં જોયું છે, શાળાઓને જરૂરી રોકાણ મળી રહ્યું નથી.’
પોલીસની બર્બરતાના આરોપો વચ્ચે કેટલાક વકીલો પોતાના કાળા ગાઉન પહેરીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માનવશૃંખલા બનાવીને ઊભા રહ્યા હતા. આ પહેલાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઈ હતી. એક પ્રદર્શનકારીના હાથમાં ગંભીર ઈજા થયા બાદ ફ્રાન્સની પોલીસે સ્ટન ગ્રેનેડનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
શિક્ષણમાં રોકાણની માગ, સરકાર પર આર્થિક દબાણ
આ પ્રદર્શનોને ટ્રેડ યુનિયનો, કેટલાક શિક્ષકો અને ડાબેરી વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે. આંદોલને ફ્રાન્સની સરકાર સામે મુશ્કેલી ઊભી કરી છે. એક તરફ શિક્ષણ વ્યવસ્થામાં તાત્કાલિક રોકાણની માગ થઈ રહી છે, જ્યારે બીજી તરફ સરકાર પર દેશની વધતી બજેટ ખાધ અને દેવું ઘટાડવાનું દબાણ છે.
વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે સરકાર તેમની માગણીઓ પર ધ્યાન આપી રહી નથી. યુનિવર્સિટીઓના વિદ્યાર્થી સંગઠન UEના ઘણા સભ્યો શાળાના વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે ફ્રાન્સની આશરે 90 ટકા યુનિવર્સિટીઓમાં પ્રવૃત્તિઓ પ્રભાવિત થવાનો અંદાજ છે. પેરિસ, માર્સેઈ અને અન્ય શહેરોમાં વિદ્યાર્થીઓએ શાળાઓનાં પ્રવેશદ્વારો પર અવરોધો ઊભા કરીને તેમને બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
રજાઓ દરમિયાન પણ આંદોલન ચાલુ રાખવાની તૈયારી
ફ્રાન્સની સરકારને આશા છે કે આ સપ્તાહના અંતથી શરૂ થનારી બે સપ્તાહની શિયાળાની રજાઓ દરમિયાન પ્રદર્શનો નબળાં પડી જશે. પરંતુ વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે રજાઓથી આંદોલન પર ખાસ અસર નહીં પડે.
વિદ્યાર્થી સંગઠન લે લિસેન્સના લૂઈ લેતુબ્લોંના જણાવ્યા અનુસાર, આંદોલનની શરૂઆત પેરિસની આસપાસના એવા વંચિત વિસ્તારોમાં થઈ હતી, જ્યાં ઘણા પરિવારો રજાઓ દરમિયાન ક્યાંક ફરવા જવાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. આવા સંજોગોમાં શાળાઓની રજાઓ વિદ્યાર્થીઓના ગુસ્સાને ઓછો નહીં કરે.
પશ્ચિમ ફ્રાન્સના બ્રેસ્ટ શહેરની એક વિદ્યાર્થિની નોએલે સમાચાર એજન્સી AFPને કહ્યું, ‘અમે શાળાઓની નાકાબંધી ચાલુ રાખીશું. અમે પાછળ નહીં હટીએ.’
નાંતે શહેરમાં 16 વર્ષીય મારિઓલિનોએ પણ કહ્યું કે જે લોકો એવું વિચારી રહ્યા છે કે રજાઓ શરૂ થતાં જ ગુસ્સો શમી જશે, તેઓ પરિસ્થિતિને સમજી રહ્યા નથી.
શનિવારે ફરી દેશવ્યાપી પ્રદર્શનની તૈયારી
ફ્રાન્સમાં શનિવારે ફરી એકવાર દેશવ્યાપી પ્રદર્શન થવાની શક્યતા છે. આ વખતે શિક્ષણના મુદ્દા ઉપરાંત ઇંધણ અને ઊર્જાના વધતા ભાવો તેમજ જીવનનિર્વાહના ખર્ચ (કોસ્ટ ઑફ લિવિંગ)થી પરેશાન લોકો પણ આંદોલનમાં જોડાઈ શકે છે.
મંગળવારે પેરિસમાં થયેલી કૂચમાં 2018 અને 2019ના યેલો વેસ્ટ્સ આંદોલનના જાણીતા સભ્ય જેરોમ રોડ્રિગેઝ પણ હાજર હતા. આ આંદોલન દરમિયાન ઇંધણના ભાવો અને જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા. હવે શનિવારે આ આંદોલનના સમર્થકો ફરીથી રસ્તા પર ઊતરે તેવી પણ ચર્ચા છે.

