Texas Hanuman Statue: અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણીઓ પહેલાં ટેક્સાસમાં સ્થાપિત હનુમાનજીની વિશાળ મૂર્તિ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે. એક અમેરિકન કન્ઝર્વેટિવ યુટ્યુબરે 90 ફૂટ ઊંચી આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી, જેના બાદ હિંદુ સંગઠનો તરફથી તેનો કડક વિરોધ કરવામાં આવ્યો છે. ટેક્સાસના શુગરલેન્ડમાં આવેલા અષ્ટલક્ષ્મી મંદિર ખાતે હનુમાનજીની આ મૂર્તિ વર્ષ 2024માં સ્થાપિત કરવામાં આવી હતી.
રૂઢિચુસ્તોના નિશાન પર મૂર્તિ
આ મૂર્તિ સ્થાપિત થયા બાદથી જ તે રૂઢિચુસ્ત ખ્રિસ્તી સંગઠનોના નિશાન પર રહી છે. કન્ઝર્વેટિવ લોકોનું એક જૂથ તેને ખ્રિસ્તી માન્યતાઓ વિરુદ્ધ ગણાવતું રહ્યું છે. પરંતુ યુટ્યુબર જેસી હ્યુઝે આ મૂર્તિને સીધી રીતે તોડીને પાડી દેવાની વાત કરી છે. હ્યુઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂર્તિનો ફોટો શેર કરીને કહ્યું, જ્યારે અમે જીતીશું, ત્યારે અમે તેને પાડી દઈશું.
Btw, when we win, we are tearing this down. pic.twitter.com/KnDOnuAGP5
— Jesse Hughes ✝️🇺🇸 (@JesseHughesNC) September 20, 2026
હિંદુઓએ કર્યો વિરોધ
હ્યુઝની પોસ્ટ બાદ ઑનલાઇન ચર્ચા શરૂ થઈ કારણ કે આ સ્મારક અમેરિકામાં હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે. અમેરિકન હિંદુઓએ હ્યુઝના નિવેદનોનો કડક વિરોધ કર્યો છે. અમેરિકન-હિંદુ અને US આર્મીમાં સૈનિક રૂચિર બક્ષીએ તેને દેશવિરોધી અને હિંદુ ધર્મ માટે ખતરો ગણાવ્યો.
બક્ષીએ કહ્યું, “કોઈ અન્ય અમેરિકન સમુદાયના પૂજા સ્થળમાં રહેલી આસ્થાને નફરતના કારણે નુકસાન પહોંચાડવું પોતે જ હિંદુ ધર્મ માટે ખતરો છે. તેમણે કહ્યું, “જો અમેરિકામાં જીતવાનો અર્થ હિંદુ મંદિરોને તોડવાનો છે, તો તમારે તે દેશની જરૂર નથી જેના માટે મેં લડાઈ લડી હતી. તમે માત્ર એવા લોકોને નિશાન બનાવવાની પરવાનગી ઇચ્છો છો, જે તમારા જેવા નથી.”
કોઅલિશન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકાએ પણ બક્ષીને સમર્થન આપ્યું. X પરની એક પોસ્ટમાં સંગઠને લખ્યું, આ પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી અમે પણ એટલા જ પરેશાન છીએ અને તમારી સાથે મળીને તેનો વિરોધ કરવામાં અમને ગર્વ છે.
નોર્થ અમેરિકાની સૌથી ઊંચી હનુમાનજીની મૂર્તિ
શુગરલેન્ડના અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી હનુમાનજીની પ્રતિમાને સ્ટેચ્યુ ઑફ યુનિયનના નામથી ઓળખવામાં આવે છે. મંદિરની અધિકૃત વેબસાઇટ અનુસાર, 90 ફૂટ ઊંચી આ મૂર્તિ નોર્થ અમેરિકામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઑગસ્ટ 2024માં કરવામાં આવી હતી. તેનું નામ સ્ટેચ્યુ ઑફ યુનિયન એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે હનુમાનજીએ ભગવાન રામ અને સીતાને ફરીથી મળાવવામાં મદદ કરી હતી.

