Iran Nuclear Scientists Killing: બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે ઈઝરાયેલી હુમલામાં ઈરાનના એક ટોચના પરમાણુ વૈજ્ઞાનિકને મારી નાખવામાં આવ્યા છે. ગુરુવારે એક પ્રેસ બ્રીફિંગમાં નેતન્યાહુએ આ દાવો કર્યો અને કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાના હુમલામાં ઈરાનને ભારે ફટકો પડ્યો છે. બીજી તરફ, તેમનો દેશ પહેલા કરતા વધુ મજબૂત બની રહ્યો છે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલી હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને બાસિજ ફોર્સને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિશાન?
અમેરિકા અને ઈઝરાયેલનું કહેવું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નષ્ટ કરવો એ યુદ્ધના મુખ્ય લક્ષ્યોમાંનું એક છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વારંવાર કહ્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર હાસલ કરવા દેવામાં આવશે નહીં.
28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત પ્રેસને સંબોધતા નેતન્યાહુએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની ટીકા કરી હતી. નેતન્યાહુએ મોજતબાને IRGC ની કઠપુતલી ગણાવ્યા જે લોકોની સામે આવી શકતા નથી. તેમણે ઈરાની લોકોને સંબોધતા આઝાદીના નવા રસ્તાની તક હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે આખરે આ તમારા પર નિર્ભર છે, આ તમારા હાથમાં છે.
ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો પર શું બોલ્યા નેતન્યાહુ?
નેતન્યાહુએ કહ્યું, “અમે ઈરાનમાં આતંકના શાસનને કચડી રહ્યા છીએ. અમે લેબનાનમાં તેના પ્રોક્સી હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યા છીએ અને તેને હરાવી રહ્યા છીએ.” તેમણે આગળ કહ્યું, “અમે પરમાણુ કાર્યક્રમના સંબંધમાં પણ એ જ કર્યું, જેમાં ઈરાનના વરિષ્ઠ વૈજ્ઞાનિકોને જીવલેણ ફટકો આપવાનો સમાવેશ થાય છે. આ એ જ લોકો હતા, જે આપણને તબાહ કરવાના હેતુથી બનાવવામાં આવી રહેલા પરમાણુ બોમ્બના વિકાસનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ હવે આ દુનિયામાં નથી. અમે હમણાં જ કેટલાક વધુ લોકોને પણ નિશાન બનાવ્યા છે.”
ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો પર હુમલા
આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા હોય. જૂન 2025માં 12 દિવસના યુદ્ધમાં 6 અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખવામાં આવ્યા હતા.
જેમાં મોહમ્મદ મહેદી તેહરાનચી અને ફરીદૌન અબ્બાસી જેવા મોટા પરમાણુ વૈજ્ઞાનિકો પણ હતા. તેહરાનચી એક થિયોરેટિકલ ફિઝિસિસ્ટ હતા.
અબ્બાસી ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનના પૂર્વ પ્રમુખ અને ઈરાની સંસદના પૂર્વ સભ્ય હતા. તેમની પાસે ન્યુક્લિયર ફિઝિક્સમાં પીએચડીની ડિગ્રી હતી અને તેઓ સંરક્ષણ મંત્રાલયમાં ન્યુક્લિયર રિસર્ચમાં સામેલ હતા.
વર્ષ 2010માં અબ્બાસી તેહરાનમાં એક વિસ્ફોટમાં આબાદ બચી ગયા હતા. જોકે, આ જ ધમાકામાં તેમના સાથી વૈજ્ઞાનિક માજિદ શહરિયારીનું મોત થયું હતું. ઈરાને આ ઘટના માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું અને ત્યારથી ઈરાની વૈજ્ઞાનિકોની હત્યાઓનો દોર શરૂ થયો હતો.
ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોની દેખરેખ
ફ્રેન્ચ અખબાર ‘લે મોન્ડે’ એ જુલાઈ 2025 ના તેના અહેવાલમાં તપાસને ટાંકીને જણાવ્યું હતું કે જૂન 2025 ના 12 દિવસના સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલી હુમલામાં ઈરાનના પરમાણુ બોમ્બ બનાવવામાં સામેલ 16 સંશોધકોના મોત થયા હતા. તેમાંથી ઘણા બે દાયકાથી ઈઝરાયેલી ગુપ્તચર એજન્સીઓની દેખરેખ હેઠળ હતા.

