Hotel Spy Camera Safety 2026: ચીનના શેનઝેન શહેરમાં રજાઓ ગાળવા ગયેલા એક યુગલ સાથે બનેલી સત્ય ઘટનાએ હોટલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એરિક (નામ બદલ્યું છે) જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો જોતા હતા, ત્યારે તેમને અચાનક પોતાની અને પોતાની ગર્લફ્રેન્ડની હોટલ રૂમની ખાનગી પળોનો વીડિયો જોવા મળ્યો. આ ફૂટેજ ત્રણ સપ્તાહ પહેલાં તેઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં છૂપા કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યો હતો. આ માત્ર એક કિસ્સો નથી, પરંતુ ચીનમાં ફૂલીફાલેલા એક મોટા સ્પાય-કેમ પોર્ન ઉદ્યોગનો ભાગ છે, જેમાં અજાણતા હજારો લોકોના અંગત જીવનનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે.
ટેકનોલોજીનો દુરુપયોગ: પેન્સિલ ઈરેઝર જેટલા નાના કેમેરા
આ ગુપ્ત જાસૂસી માટે અત્યંત નાના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પલંગની સામેની દીવાલો, વેન્ટિલેશન યુનિટ કે ઇલેક્ટ્રિક બોર્ડમાં છૂપાવવામાં આવે છે. આ કેમેરા સીધા હોટલની લાઈટ સપ્લાય સાથે જોડાયેલા હોવાથી ૨૪ કલાક ચાલુ રહે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ પર આવા હજારો વીડિયો અને લાઈવ ફીડ્સ વેચવામાં આવે છે. સબસ્ક્રાઇબર્સ માસિક ફી ભરીને હોટલના રૂમમાં આવતા ગ્રાહકોની ખાનગી પળોને નિહાળે છે અને તેના પર બિભત્સ કોમેન્ટ્સ પણ કરે છે. લોકોમાં એટલો ભય છે કે હવે ઘણા પ્રવાસીઓ હોટલ રૂમમાં પોતાની સુરક્ષા માટે તંબુ (ટેન્ટ) લગાવીને રહેવાનું પસંદ કરે છે.
ગેરકાયદે કમાણીનું મોટું નેટવર્ક અને ‘બ્રધર ચુન’ જેવા એજન્ટો
ચીનમાં પોર્નોગ્રાફીનું વિતરણ ગેરકાયદે હોવા છતાં, આ કાળો કારોબાર અઢળક કમાણી કરી રહ્યો છે. તપાસ મુજબ, ‘એકેએ’ અને ‘બ્રધર ચુન’ જેવા એજન્ટો આ નેટવર્ક ચલાવે છે. એક અંદાજ મુજબ, આ એજન્ટો દર વર્ષે સરેરાશ નાગરિકની વાર્ષિક આવક કરતા અનેકગણી વધુ કમાણી માત્ર સબસ્ક્રિપ્શન ફી દ્વારા કરે છે. તેઓ ચીનથી ખાસ પ્રકારના સ્પાય કેમેરા મગાવે છે અને તેનું લાઈવસ્ટ્રીમિંગ વેબસાઈટ પર પ્રસારિત કરે છે. જ્યારે કોઈ એક કેમેરા શોધી કાઢવામાં આવે કે બંધ કરવામાં આવે, ત્યારે આ એજન્ટો ગણતરીના કલાકોમાં બીજા રૂમનો રિપ્લેસમેન્ટ કેમેરા એક્ટિવેટ કરી દે છે, જે આ નેટવર્કની મજબૂતી દર્શાવે છે.
પીડિતોનો માનસિક આઘાત અને ટેક કંપનીઓની જવાબદારી
આ પ્રકારની જાસૂસીનો ભોગ બનેલા લોકો ગંભીર માનસિક આઘાતમાં સરી પડે છે. એરિક અને તેની ગર્લફ્રેન્ડ હવે જાહેરમાં ઓળખાઈ જવાની બીકે હંમેશા ટોપી પહેરીને બહાર નીકળે છે અને હોટલોમાં રોકાવાનું ટાળે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ આવા વીડિયો ઇન્ટરનેટ પરથી હટાવવા પ્રયાસ કરે છે, પરંતુ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ્સ ઘણીવાર સહકાર આપતા નથી. જોકે ચીની સરકારે હોટલ માલિકો માટે રૂમ ચેક કરવાનું ફરજિયાત બનાવ્યું છે, તેમ છતાં ટેકનોલોજીની મદદથી ચાલતો આ ગેરકાયદે વ્યવસાય હજુ પણ અટકવાનું નામ લેતો નથી. આ ઘટના એ વાતની ચેતવણી છે કે ડિજિટલ યુગમાં આપણી પ્રાઈવસી કેટલી જોખમમાં હોઈ શકે છે.

