Iran Uranium: અમેરિકાની સ્પેશિયલ ફોર્સેસ ઈરાનના કડક સુરક્ષા ધરાવતા પરમાણુ ઠેકાણાઓ પર સૈન્ય ઇતિહાસના સૌથી અદ્યતન ઓપરેશનમાંથી એક શરૂ કરવાની તૈયારીમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓપરેશનનો હેતુ ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને કબજે કરવાનો હોવાનું જણાવાયું છે. અમેરિકન મીડિયા આઉટલેટ ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અત્યંત જટિલ ઓપરેશન માટે હજારો સૈનિકોને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર મોકલવાની યોજના હોવાનો અહેવાલ છે.
ન્યૂયોર્ક પોસ્ટે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર જોસેફ રોજર્સના હવાલાથી જણાવ્યું છે કે ઈરાનના પરમાણુ સામગ્રીથી છુટકારો મેળવવાનો સૌથી સંભવિત માર્ગ સૈન્ય ઓપરેશન જ છે, કારણ કે વાતચીત ઝડપથી આગળ વધી રહી નથી.
હજારો સૈનિકો સામેલ થઈ શકે છે
સૈન્ય આયોજન અંગે જાણકારી ધરાવતા એક સૂત્રએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આ ઓપરેશન માટે હજારો સૈનિકોની જરૂર પડી શકે છે. તેઓ પરમાણુ ઠેકાણાઓ પર કબજો કરશે, વિસ્ફોટકોને દૂર કરશે અને પરિવહન માર્ગોને સુરક્ષિત બનાવશે. ત્યારબાદ સ્પેશિયલ ફોર્સેસની એક નાની યુનિટ સમૃદ્ધ યુરેનિયમને બહાર લાવશે. આ સમગ્ર પ્રક્રિયા અત્યંત જોખમી હોવાનું જણાવાયું છે.
જોસેફ રોજર્સે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ સૈન્ય ઇતિહાસના સૌથી અદ્યતન ઓપરેશનોમાંનું એક હશે અથવા કદાચ સૌથી અદ્યતન ઓપરેશન હશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈરાનની સૈન્ય ક્ષમતાને મોટું નુકસાન થયું છે, છતાં પણ તે વેનેઝુએલામાં નિકોલસ મદુરોની સુરક્ષા કરતી ક્યુબન ટીમ કરતાં ઘણું વધુ અદ્યતન છે.
મુખ્ય ઓપરેશનમાં આ ટીમો સામેલ થઈ શકે છે
અન્ય એક અહેવાલ અનુસાર, આ વિશેષ ઓપરેશન માટે સીલ કમાન્ડો ટીમ 6નું સિલ્વર સ્ક્વોડ્રન, સેકન્ડ રેન્જર બટાલિયન અને સેનાની 21મી ઓર્ડનન્સ કંપની સામેલ થઈ શકે છે. 21મી ઓર્ડનન્સ કંપનીનું કામ ફોર્ડો પરમાણુ સુવિધા અને ઇસ્ફહાન સાઇટ પરથી સમૃદ્ધ યુરેનિયમને સુરક્ષિત રીતે સંભાળીને અન્ય સ્થળે પહોંચાડવાનું રહેશે.
અત્યંત જોખમી રહેશે ઓપરેશન
ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, જોસેફ રોજર્સે કહ્યું હતું કે સૈનિકોએ સૌથી પહેલા પરમાણુ ઠેકાણાઓની આસપાસ સુરક્ષિત ઘેરો તૈયાર કરવો પડશે અને એરસ્ટ્રિપ સુધી પહોંચવા માટે સુરક્ષિત માર્ગ બનાવવો પડશે. તે પહેલાં ઠેકાણાની અંદર પ્રવેશ કરવા માટે અમેરિકન ટીમોએ નષ્ટ થયેલા પ્રવેશ માર્ગોને પણ સાફ કરવા પડશે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના જણાવ્યા અનુસાર, હાલમાં ઈરાન પાસે 60 ટકા સુધી સમૃદ્ધ બનાવવામાં આવેલું 450 કિલોગ્રામથી વધુ યુરેનિયમ ઉપલબ્ધ છે.

