Khaleda Zia Funeral: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનું મંગળવારે ૮૦ વર્ષની વયે ઢાકામા લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના નિધન બાદથી દેશભરમાં શોકનો માહોલ છે. આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે જણાવ્યું કે ખાલિદા ઝિયાને અંતિમ વિદાય બુધવારે આપવામાં આવશે અને તેમને પૂરા રાજકીય સન્માન સાથે તેમના પતિ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાનની બાજુમાં દફનાવવામાં આવશે.
જણાવી દઈએ કે ખાલિદા ઝિયા બાંગ્લાદેશના ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂક્યા હતા. દેશના રાજકારણમાં તેમના અતુલ્ય યોગદાનને જોતા બાંગ્લાદેશની વચગાળાની સરકારે ત્રણ દિવસ માટે રાજકીય શોક અને એક દિવસની રજાની જાહેરાત કરી છે. આ વાતની જાહેરાત વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કરી. તેમણે મંગળવારે કહ્યું કે ખાલિદા ઝિયાનો પાર્થિવ દેહ કાલે એટલે કે બુધવારે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
અંતિમ નમાઝ અને દફનવિધિ
કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલના જણાવ્યા અનુસાર, ખાલિદા ઝિયાની નમાઝ-એ-જનાજા (અંતિમ નમાઝ) બુધવારે ઝોહરની નમાઝ બાદ સંસદ ભવનના સાઉથ પ્લાઝા અને મણિક મિયા એવન્યુમાં થશે. ત્યારબાદ તેમને ઢાકાના શેર-એ-બાંગ્લા નગર સ્થિત ઝિયા ઉદ્યાનમાં તેમના પતિની કબર પાસે દફનાવવામાં આવશે.
ધ્વજ અડધી કાઠીએ રહેશે
શોક દરમિયાન તમામ સરકારી, અર્ધ-સરકારી અને સ્વાયત્ત સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદેશોમાં બાંગ્લાદેશના મિશનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે. બુધવારે દેશભરની મસ્જિદોમાં વિશેષ દુઆઓ થશે અને અન્ય ધર્મોના પ્રાર્થના સ્થળો પર પણ પ્રાર્થના સભાઓ યોજાશે.
યુનુસે દેશવાસીઓને શાંતિ જાળવવાની અપીલ કરી
રાષ્ટ્રજોગ ટીવી સંબોધનમાં મોહમ્મદ યુનુસે અપીલ કરી છે કે અંતિમ વિદાય અને શોક દરમિયાન શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જાળવી રાખે. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર હું ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરું છું અને બુધવારે દેશભરમાં સામાન્ય રજા રહેશે.
BNP એ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
જોકે આ પહેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ મંગળવાર ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ થી સાત દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. પાર્ટી કાર્યાલયો પર કાળા ધ્વજ લહેરાવવામાં આવશે અને કાર્યકર્તાઓ કાળા બેજ પહેરશે.
ખાલિદા ઝિયા: બાંગ્લાદેશના રાજકારણના મજબૂત મહિલા
નોંધનીય છે કે બાંગ્લાદેશના રાજકારણમાં મંગળવારે એક યુગનો અંત આવ્યો. સંઘર્ષ અને સાહસના પ્રતીક એવા ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે અવસાન થયું. પાર્ટીના નિવેદન મુજબ, તેમણે સવારે ૬ વાગ્યાની આસપાસ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ૩૬ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમને હૃદય અને ફેફસામાં ચેપ તેમજ ન્યુમોનિયાની સારવાર ચાલી રહી હતી.

