Military plane for deportation: ડૉલરમાં કમાણી કરવાનું સપનું જોઈને અમેરિકા ગયેલા ઘણાંના સપના તૂટવાના શરુ થઈ ગયા છે. અમેરિકામાં ટ્રમ્પે સત્તામાં આવતા પહેલા જ પોતાની રણનીતિ અને અમેરિકા ફર્સ્ટની નીતિ જણાવી દીધી હતી. આવામાં અમેરિકામાં નવી સરકાર આવતા જ ટેરિફ પ્લાન, ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા લોકો સહિતની બાબતો પર કામગીરી શરુ કરી દીધી છે. 104 ભારતીયોને લઈને અમૃતસર આવેલા અમેરિકા સૈન્યના પ્લેનની કહાનીથી લોકોને ઘણાં સવાલો થઈ રહ્યા છે. અમેરિકાએ નાગરિક પ્લેનના બદલે ભારતીયોને પરત મોકલવા માટે શા માટે સૈન્યના US C17 પ્લેનો ઉપયોગ કર્યો તે અંગે પણ ખાસ્સી ચર્ચાઓ થઈ રહી છે. અમેરિકાથી ભારતીયોને લઈને ઉડ્યા પછી લગભગ 35 કલાક પછી આ પ્લેન ભારતમાં લેન્ડ થયું છે. ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રેન્ટને જે ઓળખ આપી છે તેને સાબિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે. કારણ કે આ સૈન્ય પ્લેન ફર્સ્ટ ક્લાસ કરતા પણ મોંઘું પડી શકે છે.
ટ્રમ્પ અમેરિકામાં સત્તામાં આવ્યા પછી પહેલી ડિપોર્ટેશન કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અમેરિકાના મિલિટરી એરક્રાફ્ટમાં 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. પરત મોકલાયેલા લોકોમાં ગુજરાત અને પંજાબના લોકોની સંખ્યા મોટી છે. અમેરિકાના સેનાનું C-17 પ્લેન ટેક્સાસના સેન એન્ટોનિયોથી 4 ફેબ્રુઆરીએ ઉડ્યું હતું અને બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું.
અમેરિકાએ ગેરકાયદે અમેરિકામાં રહેતા નાગરિકોને પરત મોકલવાનો તખતો ઘડી નાખ્યો છે જેમાં ઈમિગ્રન્ટ્સને પરત મોકલવા માટે કોમર્સિયલ ચાર્ટર ફ્લાઈટ કે સામાન્ય પેસેન્જર પ્લેનનો ઉપયોગ કરવાના બદલે સૈન્ય પ્લેનનો ઉપયોગ કર્યો છે. આ માટે અમેરિકાની સૈન્યના બે C-17 અને બે C-130Es તૈનાત કરવામાં આવ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિએ વારંવાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને “એલિયન” અને “ગુનેગારો” તરીકે ઓળખાવ્યા છે જેમણે યુએસ પર “આક્રમણ” કર્યું છે. લશ્કરી વિમાનમાં હાથકડી અને બેડીઓ બાંધેલા સ્થળાંતર કરનારાઓના દ્રશ્યો સાથે, ટ્રમ્પ આવા “ગુનાઓ” સામે કડક બનવાનો સંદેશ આપી રહ્યા છે.
તાજેતરમાં, એક રિપબ્લિકન કાર્યક્રમમાં બોલતા, ટ્રમ્પે કહ્યું, “ઇતિહાસમાં પહેલી વાર, અમે ગેરકાયદેસર એલિયન્સને શોધી રહ્યા છીએ અને તેમને લશ્કરી વિમાનોમાં ભરી રહ્યા છીએ અને જ્યાંથી તેઓ આવ્યા હતા ત્યાં પાછા લઈ જઈ રહ્યા છીએ… વર્ષો સુધી અમારા પર હસ્યા પછી, અમને ફરીથી મૂર્ખ લોકોની જેમ માન આપવામાં આવે છે.”
કહેવાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ખોટી રીતે અમેરિકામાં ઘૂસેલા લોકોને એલિયન, ગુનેગાર અને આક્રમણ કરનારા ગણાવ્યા છે તે જોતા હવે તેમને પરત મોકલવા માટે સૈન્ય પ્લેનોન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગેરકાયદે અમેરિકા ગયેલા 100થી વધુ ભારતીયોનું ડિપોર્ટેશન કરાયું છે એટલે કે તેમને હવે કાયમ માટે ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. આ લિસ્ટમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સિવાય હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.
