Natufian Snake Lizard Diet: રણમાં સર્વાઇવલ આજે પણ સરળ નથી. તમારી પાસે લેટેસ્ટ ટૂલ્સ અને મોડર્ન ગેજેટ્સ હોય તો પણ મુશ્કેલીઓ ઓછી થતી નથી. પરંતુ 15000 વર્ષ પહેલાં પરિસ્થિતિ સાવ અલગ હતી. તે સમયે રહેતા માનવોએ રણમાં જીવિત રહેવા માટે એક આશ્ચર્યજનક રીત શોધી કાઢી હતી. તેઓ પોતાની ભૂખ સંતોષવા માટે સાપ અને ગરોળીનો શિકાર કરતા હતા. દક્ષિણ લેવન્ટ વિસ્તારમાં રહેતો નટુફિયન સમુદાય ભટકતું જીવન જીવતો હતો. આ શિકારીઓએ ખેતી શરૂ થઈ તેનાથી ઘણાં પહેલાં જ ઇઝરાયલ અને જોર્ડન નજીક પોતાની કાયમી વસાહતો સ્થાપી દીધી હતી. તેમના સર્વાઇવલનું સૌથી મોટું રહસ્ય તેમની ડાયટમાં છુપાયેલું હતું. માઉન્ટ કાર્મેલ નેચર રિઝર્વમાં મળેલાં પ્રાચીન હાડકાંના સંશોધનથી મોટો ખુલાસો થયો છે. આ શિકારીઓનો મુખ્ય ખોરાક રણની ગરોળીઓ અને સાપ હતા. ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ’ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચે આ ભયાનક ડાયટનો ખુલાસો કર્યો છે.
15000 વર્ષ જૂનાં હાડકાંમાં છુપાયેલું હતું માનવ ભોજનનું સૌથી ભયાનક રહસ્ય
જર્મનીની કીલ યુનિવર્સિટીની આર્કિયોલોજિસ્ટ માયન લેવએ પોતાની ટીમ સાથે આ સ્થળનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. માયન લેવએ કહ્યું, ‘અમે તે સરિસૃપોના અવશેષોની ઓળખ કરી શક્યા જે સાઇટ પર કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા અથવા જેમને માનવોએ પોતાનું ભોજન બનાવ્યા હતા’.
અલ-વાદ ટેરેસ પર મળી 15000 વર્ષ જૂની વસાહત
લેવની ટીમે અલ-વાદ ટેરેસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ 20 લેયર ધરાવતી એક મહત્વપૂર્ણ આર્કિયોલોજિકલ સાઇટ છે. અહીં અનેક માનવ વસાહતોના પુરાવા મળ્યા છે. તેમાં સૌથી જૂની વસાહત આશરે 15000 વર્ષ પહેલાં સ્થાપવામાં આવી હતી.
રિસર્ચર્સે આ ઝૂલોજિકલ રેકોર્ડમાં હજારો સાપ અને ગરોળીની ઓળખ કરી છે. આ જીવો તે સમયના સ્થાનિક શિકારીઓનો ખોરાક બની ગયા હતા.
શું નટુફિયન સમુદાયના લોકો કોઈપણ ઝેરી સાપનો વિચાર કર્યા વિના શિકાર કરતા હતા?
હાડકાં પર મળેલા માઇક્રોસ્કોપિક નિશાનોએ આ સમગ્ર કહાની સ્પષ્ટ કરી દીધી છે.
ફ્લિન્ટ છરીથી હાડકાંના ખાસ ભાગો પર કટ અને ખંજવાળના નિશાન બનાવવામાં આવ્યા હતા. તેનાથી જાણવા મળે છે કે સ્થાનિક માનવોએ પોતાના ખોરાક માટે આ જીવોને ખૂબ જ નિર્દયતાથી કાપ્યા હતા. પરંતુ આ લોકો કોઈપણ પ્રાણીને ખાતા નહોતા. તેમની ડાયટમાં મોટા વ્હિપ સાપ અને ઈસ્ટર્ન મોન્ટપેલિયર સાપ સૌથી વધુ સામેલ હતા.
આ ઉપરાંત યુરોપિયન ગ્લાસ ગરોળી પણ તેમની ડાયટનો મહત્વપૂર્ણ ભાગ હતી. આ ગરોળીના મજબૂત સ્કેલ્સ કાપવા માટે એક અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. લેવના જણાવ્યા મુજબ આ પસંદગી સંપૂર્ણપણે વિચારીને કરવામાં આવી હતી.
ઝેર વગરના સાપ જ શિકારીઓની પહેલી પસંદ કેમ બન્યા?
શિકાર કરવાની આ રીત માનવોની સમજદારી પણ દર્શાવે છે. માયન લેવએ કહ્યું, ‘અમારી હાઇપોથિસિસ છે કે નટુફિયન લોકો એવા સરિસૃપોને પકડવાનું પસંદ કરતા હતા જે કદમાં મોટા અને ઓછા જોખમી હોય’. આ જ કારણસર ગ્લાસ ગરોળી તેમનું સૌથી મનપસંદ ટાર્ગેટ બની ગઈ. જ્યારે ઓછા જોખમી સાપ પણ તેમના કામ આવતા હતા.
લેવએ જણાવ્યું કે વાઇપર જેવા ઝેરી સાપ બહુ ઓછા પકડવામાં આવતા હતા. આ શોધથી નટુફિયન કલ્ચરની સમજ વધુ ઊંડી બની છે. આ રિસર્ચ દર્શાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ માનવો પોતાના પર્યાવરણ પ્રમાણે અનુકૂળ થવામાં નિષ્ણાત હતા. જ્યારે દુનિયામાં કાયમી વસાહતો સામાન્ય બની નહોતી ત્યારે પણ કેટલાક સમુદાયો આવા કઠિન સંજોગોમાં જીવતા શીખી રહ્યા હતા. આ માનવ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ સર્વાઇવલ સ્કિલ્સમાંથી એક છે.

