Netflix Data Lawsuit Privacy: અમેરિકાના ટેક્સાસમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ કંપની નેટફ્લિક્સ સામે એક મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે તે આ અમેરિકી રાજ્યના બાળકો અને પુખ્તો પાસેથી તેમની સહમતિ વિના ડેટા એકત્રિત કરે છે અને તેમને જોડી રાખવા માટે ‘વ્યસનકારી’ ડિઝાઇનનો ઉપયોગ કરે છે.
ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટને આ સ્ટ્રીમિંગ સર્વિસ દિગ્ગજ પર નાગરિકોની ‘જાસૂસી’ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ કંપની પ્લેટફોર્મ પર યુઝર્સના વ્યવહાર વિશે ‘અબજો’ જાણકારીઓને ‘રેકોર્ડ અને તેનાથી કમાણી કરે છે. જ્યારે તેનો દાવો આનાથી ઉલટો છે.’ એટર્ની જનરલની ઓફિસે કહ્યું, “પ્લેટફોર્મ પર દરેક ઇન્ટરેક્શન યુઝર વિશે જાણકારી આપતો એક ડેટા પોઇન્ટ બની ગયો છે.”
નેટફ્લિક્સે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે અદાલતમાં આને પડકારશે. નેટફ્લિક્સના એક પ્રવક્તાએ કહ્યું, “ટેક્સાસ રાજ્ય અને એટર્ની જનરલ પેક્સટન પ્રત્યેના સન્માન સાથે અમે એ કહેવા માંગીએ છીએ કે આ મુકદ્દમો પાયાવિહોણો છે. આ ખોટી અને વિકૃત માહિતી પર આધારિત છે.” તેમણે કહ્યું, “નેટફ્લિક્સ પોતાના સભ્યોની ગોપનીયતાને ગંભીરતાથી લે છે અને જ્યાં પણ અમે કામ કરીએ છીએ, ત્યાંના ગોપનીયતા અને ડેટા સંરક્ષણ કાયદાઓનું પાલન કરીએ છીએ.”
‘નેટફ્લિક્સ તમને જુએ છે’
ટેક્સાસના ટોચના વકીલ (અભિયોજક) તરફથી સોમવારે દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું, “જ્યારે તમે નેટફ્લિક્સ જુઓ છો, ત્યારે નેટફ્લિક્સ તમને જુએ છે.” દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ટ્રીમિંગ કંપનીએ ડેટાને પ્રોસેસ કરવા અને યુઝર્સને જાહેરાત બતાવવાની રીતોને લઈને, પોતાને અન્ય મોટી ટેક કંપનીઓથી અલગ બતાવી હતી.
આમાં કંપનીના ભૂતપૂર્વ વડા રીડ હેસ્ટિંગ્સના 2019 અને 2020 ના નિવેદનોનો હવાલો આપવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે કંપની યુઝર ડેટા એકત્રિત કે તેનાથી કમાણી કરતી નથી અને નહી કરે, જેમ કે જાહેરાત વેચવા માટે.
અરજીમાં કહેવામાં આવ્યું છે, “પરંતુ નેટફ્લિક્સે લોકોને સાઇટ પર જાળવી રાખવા માટે ‘વ્યસનકારી’ ડિઝાઇન ફીચર્સ લગાવ્યા. જેમ કે આણે ઓટો-પ્લે થનારી સામગ્રી અને યુઝર પ્રવૃત્તિના વ્યાપક ‘લોગિંગ’ નો ઉપયોગ કર્યો.” આમાં આગળ એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ અબજો તકનીકી ઘટનાઓને રેકોર્ડ કરી, જેમાં એ સામેલ હતું કે યુઝર શેના પર ક્લિક કરે છે, શેના પર રોકાય છે, અને કેટલી વાર સુધી.
આમાં કહેવામાં આવ્યું છે, 2022 માં કંપનીએ “તે બાળકો અને પરિવારો પાસેથી ચૂપચાપ કાઢવામાં આવેલા ભારે-ભરખમ ડેટાનો લાભ ઉઠાવવાનું પણ શરૂ કર્યું, જેમને તે સ્ક્રીન પર ચોંટાડી રાખતી હતી. આને કોમર્શિયલ ડેટા બ્રોકરો સાથે શેર કરવામાં આવ્યો જેથી અબજો ડોલરની કમાણી કરી શકાય.”
મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે, “સંક્ષેપમાં, નેટફ્લિક્સે પોતાની પ્રોગ્રામિંગની સદસ્યતાને બિગ ટેકની દેખરેખથી બચવાના માધ્યમ તરીકે બતાવીને વેચી. આમાં કહેવાયું હતું- માસિક ચૂકવણી કરો, ટ્રેકિંગથી બચો. ટેક્સાસના લોકોએ આ સોદા પર ભરોસો કર્યો. નેટફ્લિક્સે આને તોડી નાખ્યો. તેણે એ જ ડેટા-સંગ્રહ પ્રણાલી બનાવી જેનાથી બચવા માટે સબસ્ક્રાઇબર ચૂકવણી કરતા હતા.”
ડિઝાઇનની તપાસ
એટર્ની જનરલ પેક્સટનના કાર્યાલયે કહ્યું કે તેમનું માનવું છે કે કંપનીએ રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. ખાસ કરીને ટેક્સાસ ડિસેપ્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, જે “વ્યાપાર અને વાણિજ્ય દરમિયાન ખોટા, ભ્રામક કે ગેરમાર્ગે દોરનારા કાર્યો અને રીતો” પર રોક લગાવે છે. એટર્ની જનરલ આવા મામલાઓમાં સામેલ જોવા મળનારાઓ સામે દંડ સહિતની કાર્યવાહી કરી શકે છે.
આ મામલામાં તેઓ ઈચ્છે છે કે અદાલત નેટફ્લિક્સને કોઈ પણ એવા ડેટાને હટાવવાનો આદેશ આપે જે “ટેક્સાસના લોકો પાસેથી ભ્રામક રીતે એકત્રિત કરવામાં આવ્યો” હોય. સાથે જ ટાર્ગેટેડ જાહેરાત માટે તેમના ડેટાની પ્રોસેસિંગને બંધ કરવામાં આવે અને બાળકોની પ્રોફાઇલ માટે ડિફોલ્ટ રૂપે ઓટો-પ્લેને બંધ કરવામાં આવે.
આ બધું એવા સમયે થયું છે જ્યારે પ્લેટફોર્મ્સ પર ઓટો-પ્લે અને ઇન્ફિનિટ સ્ક્રોલ જેવી સુવિધાઓને બંધ કરવાની માંગ ઉઠી રહી છે. આની પાછળ એ ચિંતા છે કે આ યુઝર્સને સતત કન્ટેન્ટના અનંત પ્રવાહથી ખોટી રીતે જોડી રાખે છે.
નિષ્ણાતોએ કહ્યું છે કે તાજેતરમાં જ કેલિફોર્નિયામાં દાખલ કરાયેલા એક મુકદ્દમાની સફળતા આવી જ ઘણી ફરિયાદો માટે રસ્તો ખોલી શકે છે. તે મુકદ્દમામાં એવી દલીલ કરવામાં આવી હતી કે મેટા અને યૂટ્યૂબને પોતાના પ્લેટફોર્મના વ્યસનકારી ડિઝાઇન માટે જવાબદાર ઠેરવી શકાય છે.

