પોલેન્ડની બંધારણીય અદાલત પર નિયંત્રણને લઈને સરકાર અને વિપક્ષ સામસામે, તખ્તાપલટના આરોપોથી રાજકીય તણાવ વધ્યો
Poland Constitutional Crisis: પોલેન્ડમાં કોર્ટના પ્રમુખના સસ્પેન્શન બાદ રાજકીય અને બંધારણીય સંકટ ઘેરાયું છે. પોલેન્ડની સર્વોચ્ચ અદાલતના નિયંત્રણને લઈને થયેલા ગતિરોધ બાદ વિદેશ પ્રવાસે જઈ રહેલા રાષ્ટ્રપતિ અધવચ્ચેથી પરત ફરી આવ્યા છે અને કૉન્સ્ટિટ્યુશનલ ટ્રિબ્યુનલની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અદાલતના પ્રમુખ અને ઉપપ્રમુખના સસ્પેન્શન તથા તખ્તાપલટના દાવાઓએ દેશમાં અનેક પ્રકારની આશંકાઓ અને અટકળોને જન્મ આપ્યો છે. આ વિવાદના મૂળમાં ન્યાયતંત્ર અને કૉન્સ્ટિટ્યુશનલ ટ્રિબ્યુનલ એટલે કે સર્વોચ્ચ અદાલત પર નિયંત્રણનો મુદ્દો છે. આ મામલે એક તરફ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કની લિબરલ સરકાર છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ કારોલ નવરોકી અને વિપક્ષી પાર્ટી લૉ એન્ડ જસ્ટિસ (PiS) છે.
પોલેન્ડના કૉન્સ્ટિટ્યુશનલ ટ્રિબ્યુનલે શનિવારે જણાવ્યું હતું કે અદાલતના પ્રમુખ બોગદાન સ્વિએચકોવ્સ્કી અને ઉપપ્રમુખ બાર્ટલોમી સોચાન્સ્કીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શનની જાહેરાત ન્યાયાધીશ અન્ના કોર્વિન-પિયોત્રોવ્સ્કાએ કરી હતી. તેમણે કહ્યું કે કાયદાના શાસનને ફરીથી સ્થાપિત કરવા માટે આ જરૂરી પગલું છે. સૌથી લાંબા સમયથી સેવા આપતાં ન્યાયાધીશ હોવાના નાતે તેમણે કહ્યું કે હવે તેઓ ટ્રિબ્યુનલનું નેતૃત્વ કરી રહ્યાં છે.
રાષ્ટ્રપતિએ અધવચ્ચે જ પ્રવાસ છોડી દીધો
આ સસ્પેન્શનના સમાચાર સામે આવ્યા ત્યારે પોલેન્ડના રાષ્ટ્રપતિ કારોલ નવરોકી સેનેગલના પ્રવાસે જઈ રહ્યા હતા. તેમણે પોતાનું વિમાન પાછું વાળ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે રાષ્ટ્રપતિનું પોલેન્ડમાં હોવું જરૂરી છે. તેથી હું સેનેગલનો મારો પ્રવાસ અધવચ્ચે જ છોડીને પરત ફરી રહ્યો છું.
બીજી તરફ, અદાલતની નજીક હુલ્લડ વિરોધી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ વર્તમાન યુરોપ સમર્થક સરકાર દ્વારા અદાલતના પ્રમુખને ખોટી રીતે હટાવવામાં આવ્યા હોવાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. અનેક લોકોએ ‘ટસ્ક દેશદ્રોહી છે’ એવા નારા લગાવ્યા હતા. આ પ્રદર્શન અંગે અદાલતના સત્તાવાર X એકાઉન્ટ પર તેને ‘તખ્તાપલટ’ ગણાવવામાં આવ્યું હતું.
દેશમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મારું માનવું છે કે હવે મારા માટે પોલેન્ડ ગણરાજ્યના રાજદૂત તરીકે કામ કરવાનું ચાલુ રાખવું શક્ય નથી. આજે મેં મારું રાજીનામું સોંપી દીધું છે અને મને પાછો બોલાવવાની વિનંતી કરી છે. – ચીનમાં પોલેન્ડના રાજદૂત જાકુબ કુમોચ.
સમગ્ર વિવાદ શું છે
પોલેન્ડની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થાઓ, જેમાં કૉન્સ્ટિટ્યુશનલ ટ્રિબ્યુનલનો પણ સમાવેશ થાય છે, તે સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય રૂઢિચુસ્ત લૉ એન્ડ જસ્ટિસ (PiS) વચ્ચેના વિવાદનું કારણ છે. PiSએ 2015થી 2023 સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. પોલેન્ડ અને યુરોપિયન યુનિયન (EU)ના ટીકાકારોનો આરોપ છે કે PiSએ અદાલત સહિતની મુખ્ય ન્યાયિક સંસ્થાઓ પર પોતાનું રાજકીય નિયંત્રણ લાદ્યું હતું.
તે સમયે આ સુધારાઓને કારણે યુરોપિયન યુનિયને પોલેન્ડ પર દંડ પણ લગાવ્યો હતો. આ અદાલત ઘણીવાર EUના કાયદાઓને બદલે પોલેન્ડના કાયદાઓની તરફેણમાં ચુકાદા આપતી હતી. યુરોપિયન યુનિયાનું કહેવું હતું કે આ અદાલત તે સમયની રાષ્ટ્રવાદી રાજકીય સત્તાની ખૂબ નજીક હતી.
વર્તમાન સરકારનો પક્ષ
વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કની યુરોપ સમર્થક સરકાર 2023માં સત્તામાં આવી હતી. આ સરકારે ન્યાયતંત્રની સ્વતંત્રતા ફરીથી સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. ત્યારથી PiS સાથે જોડાયેલા બે સતત રાષ્ટ્રપતિઓએ, જેમાં નવરોકીનો પણ સમાવેશ થાય છે, સરકારના આ પ્રયાસો પર વીટો લગાવ્યો છે. ટસ્કની સરકાર છેલ્લા કેટલાય અઠવાડિયાથી PiSના કાર્યકાળ દરમિયાન નિયુક્ત કરવામાં આવેલા ન્યાયાધીશોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન સ્વિએચકોવ્સ્કી અદાલતના પ્રમુખ બન્યા હતા. ટસ્કનો આરોપ છે કે તેમણે સંસદીય બહુમતી દ્વારા ચૂંટાયેલા ન્યાયાધીશોને તેમનું પદ સંભાળતા અટકાવ્યા છે. આવી સ્થિતિમાં કાયદાના શાસનને ફરીથી સ્થાપિત કરવું આપણી ફરજ છે. તેમણે કહ્યું કે PiSના શાસનકાળ દરમિયાન વર્ષો સુધી કાયદો અને વ્યવસ્થા ન હોવાની સ્થિતિ બાદ આ એક મુશ્કેલ પ્રક્રિયા છે અને તેના માટે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.
વિરોધમાં ઉતર્યો વિપક્ષ
મુખ્ય વિપક્ષી પાર્ટી PiSના નેતાઓએ આ સસ્પેન્શનની ટીકા કરી હતી. પૂર્વ ન્યાય મંત્રી ઝબિગ્ન્યુ ઝીઓબ્રોએ શુક્રવારે સાંજે X પર લખ્યું હતું કે આ બંધારણીય વ્યવસ્થા પર ખુલ્લો અને ગુનાહિત હુમલો છે. તેથી હું એવા પ્રતિકારનું આહ્વાન કરું છું, જે જોરદાર, દૃઢ, એકજૂથ અને નિર્ભય હોય. આ ખેંચતાણની અસર શનિવારે રસ્તાઓ પર જોવા મળી હતી, જ્યારે તખ્તાપલટ સુધીની વાતો કરવામાં આવી હતી.

