Turkmenistan Door to Hell: તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતથી 260 કિલોમીટર ઉત્તર તરફ કારાકુમ રણની વચ્ચે એક ખાડો ધધકી રહ્યો છે. આ મોટા ખાડામાં છેલ્લા 55 વર્ષથી આગ સળગી રહી છે. સતત સળગતી આગને કારણે તેને ડોર ટુ હેલ એટલે કે નરકનો દરવાજો નામ આપવામાં આવ્યું છે. સ્થાનિક લોકો નજીકના એક ગામના નામ પરથી તેને દરવાઝા ગેસ ક્રેટર કહે છે. જ્યારે દેશની સરકારે 2018માં તેને ‘શાઇનિંગ ઑફ કારાકુમ’ નામ આપ્યું હતું.
કારાકુમ રણમાં મિથેન અને આગથી ભરેલો 229 ફૂટ પહોળો અને આશરે 70 ફૂટ ઊંડો ખાડો છે. આ ખાડો જાણે ભઠ્ઠીની જેમ ધધકતો રહે છે. તેની શરૂઆત વર્ષ 1971માં થઈ હતી, જ્યારે સોવિયેત સંઘના વૈજ્ઞાનિકોએ અહીં ડ્રિલિંગ કર્યું હતું અને અહીંથી બહાર આવેલી ગેસમાં આગ લાગી ગઈ હતી. તે પછીથી આ ખાડામાં સતત આગ સળગી રહી છે.
આ સ્થળે કુદરતી ગેસ, મુખ્યત્વે મિથેન, બેસિનની પૃથ્વીની પોપડીમાંથી સતત લીક થતી રહે છે, અને આ જ આ ખાડામાં સતત સળગતી આગનું કારણ છે. આ ખાડો જ્વલનશીલ મિથેન ગેસના ભંડાર સાથે જોડાયેલો છે, જે આગ માટે અમર્યાદિત ઇંધણ પૂરું પાડે છે. – ઊર્જા ભૂવિજ્ઞાનના પ્રોફેસર માર્ક આયર્લેન્ડ
ખાડામાં આગ કેમ લાગી
મોટાભાગના નિષ્ણાતો આ બાબતે સહમત છે કે 1971માં ગેસ ડ્રિલિંગ રિગ ભૂલથી કુદરતી ગેસના ભંડાર સાથે અથડાયા બાદ આ ખાડો બન્યો હતો. તેના કારણે રિગની નજીકની જમીન ધસી ગઈ હતી. જમીન ખુલતાં જ મિથેન ગેસ અને હાનિકારક ધુમાડો ખાડામાંથી બહાર આવવા લાગ્યા હતા. સોવિયેત વૈજ્ઞાનિકોએ ક્રેટરમાં એ વિચારીને આગ લગાવી હતી કે ગેસ ખતમ થયા બાદ થોડા દિવસોમાં આગ બુઝાઈ જશે. તેમનો આ અંદાજ ખોટો સાબિત થયો અને આગ સતત સળગી રહી છે.
આ ક્રેટર અમુ-દરિયા બેસિનની ઉપર આવેલું છે, જે અત્યંત ઉત્પાદક તેલ અને કુદરતી ગેસ પ્રાંત છે અને તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાનમાં ફેલાયેલું છે. તુર્કમેનિસ્તાનની સરકારે આ ખાડા ‘નરકના દ્વાર’ને બંધ કરવા માટે થોડાં વર્ષ પહેલાં જાહેરાત કરી હતી. તેના માટે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી તેને બુઝાવવામાં સફળતા મળી શકી નથી.
રાત્રે દૂરથી દેખાય છે
આ ક્રેટરની રાત્રિના સમયે ચમક કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. એક અકસ્માત તરીકે શરૂ થયેલી આ ઘટના હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. લોકો રણની વચ્ચે આવેલા આ સળગતા ખાડાને જોવા માટે દૂર-દૂરથી આવે છે. આવી સ્થિતિમાં આગનો આ ખાડો આસપાસના લોકો માટે આર્થિક રીતે લાભદાયી પણ સાબિત થઈ રહ્યો છે.
કેનેડાના જ્યોર્જ કોરુનિસ ડોર ટુ હેલમાં ઉતરી ચૂક્યા છે. જ્યોર્જ સેફ્ટી સૂટ પહેરીને ધધકતી આગમાં દોરડાની મદદથી નીચે ઉતર્યા હતા. જ્યોર્જના મિશનના સમગ્ર અભિયાન પાછળનો હેતુ તેની માટીના કેટલાક નમૂના લેવાનો હતો. જેથી આ તપાસી શકાય કે નીચે કોઈ એક્સ્ટ્રોફાઇલ બેક્ટેરિયા રહે છે કે નહીં. આ રીતે આ વાતાવરણમાં જીવનના કોઈ સંકેત મળી શકે કે નહીં તે જાણી શકાય.

