US Green Card Rules: યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ ગ્રીન કાર્ડની અરજીઓની તપાસ અંગે કડક વલણ અપનાવ્યું છે. હવે જો કોઈ વ્યક્તિ પર ટેક્સ બાકી હોય, ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યું હોય અથવા ટેક્સની ચુકવણી કરવામાં વિલંબ કર્યો હોય, તો ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરનારાઓની મુશ્કેલી વધી શકે છે. આ આધારે તેમની ગ્રીન કાર્ડની અરજી પણ રદ થઈ શકે છે. USCISની આ નીતિ હેઠળ ઇમિગ્રેશન અધિકારીઓએ ગ્રીન કાર્ડ આપતાં પહેલાં માત્ર સામાન્ય પાત્રતાના માપદંડોની તપાસ કરવાની નથી, પરંતુ અરજદારની સંપૂર્ણ તપાસ કરવાની રહેશે.
ખરેખર, મે 2026માં USCIS તરફથી એક મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેઠળ ‘એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ’ (AOS)ને એક વિશેષ અધિકાર માનવામાં આવ્યો છે. એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા અમેરિકામાં પહેલેથી જ રહેતા વિદેશી નાગરિકો દેશ છોડ્યા વિના ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે.
ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો વેઇટિંગ ટાઇમ ઘણો લાંબો છે. AOSમાં બદલાવ કર્યા પછી તેમના માટે અમેરિકામાં કામ કરવું સરળ બની જાય છે, ભલે તેમને હજુ સુધી ગ્રીન કાર્ડ મળ્યું ન હોય.
USCISના નિયમો શું કહે છે?
અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે માત્ર તેની જરૂરી શરતો પૂરી કરવી પૂરતી રહેશે નહીં.
ઇમિગ્રેશન અધિકારીઓ નિર્ણય લેતાં પહેલાં હકારાત્મક અને નકારાત્મક પાસાંની તપાસ કરશે, ખાસ કરીને ટેક્સના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
તેની અસર રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સાથે ફેમિલી સ્પોન્સરશિપ અને અમેરિકન નાગરિકો દ્વારા સ્પોન્સર કરવામાં આવેલી અરજીઓ પર પણ પડશે.
ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિનો ફેડરલ, સ્ટેટ અથવા સ્થાનિક ટેક્સ બાકી હોય, તો તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમણે સમયમર્યાદા વધારવામાં આવી હોવાને કારણે ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી અથવા જેઓ IRS (ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ) સાથે હપ્તાની યોજના હેઠળ ચુકવણી કરી રહ્યા છે.
ન્યૂયોર્કનાં ઇમિગ્રેશન વકીલ કેરિન વોલમેને સલાહ આપી છે કે અરજી કરતાં પહેલાં પોતાના ટેક્સ રેકોર્ડ યોગ્ય કરવા અને બાકી રકમ ચૂકવી દેવી જોઈએ. તેમણે કહ્યું, ‘નવી નીતિમાં AOSને એક દુર્લભ વિશેષાધિકાર માનવામાં આવ્યો છે, તેથી અધિકારીઓ અગાઉ સ્વીકારવામાં આવેલી અરજીઓ પણ રદ કરી રહ્યા છે. જો તમે સમયમર્યાદા વધારવામાં આવી હોવાને કારણે રિટર્ન ફાઇલ કર્યું નથી અથવા તમે IRS/સ્ટેટ સાથે હપ્તાની યોજના હેઠળ આંશિક ચુકવણી કરી રહ્યા છો, તો પણ તમારી ગ્રીન કાર્ડની અરજી રદ થઈ શકે છે.’
USCISની નીતિ સામે કાનૂની પડકાર
આ કડક નીતિ સામે અમેરિકામાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. ઇમિગ્રેશનના સમર્થકો, યુનિયનો અને અરજદારોના એક જૂથે 5 ઓક્ટોબર 2026ના રોજ મેસેચ્યુસેટ્સની જિલ્લા અદાલતમાં હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS) અને USCIS વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
અરજદારોની દલીલ છે કે આ નીતિ વહીવટી પ્રક્રિયા કાયદા (APA), ઇમિગ્રેશન કાયદા અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે અદાલત પાસે આ નીતિ પર રોક લગાવવાની માંગ કરી છે. હાલમાં આ મામલો અદાલતમાં પડતર છે અને આ નીતિ પર કોઈ રોક લગાવવામાં આવી નથી.

