US Iran War Update: અમેરિકા ઈરાનમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું યુદ્ધ લડી રહ્યું છે. ઈરાન સામેના આ જંગમાં અમેરિકાના બે એરક્રાફ્ટ કેરિયર USS જેરાલ્ડ ફોર્ડ અને USS અબ્રાહમ લિંકનને તૈનાત કરવામાં આવ્યા છે. વર્ષ 2026 માટે અમેરિકાનું સંરક્ષણ બજેટ 1.01 ટ્રિલિયન ડોલર છે, જે સમગ્ર વિશ્વના કુલ સૈન્ય ખર્ચના લગભગ 40% છે. તેની સરખામણીમાં ઈરાનનું સંરક્ષણ બજેટ 9 અબજ ડોલરથી થોડું વધારે છે અને તે વિશ્વમાં 36મા ક્રમે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે તેઓ આવતા વર્ષે બજેટ વધારીને 1.5 ટ્રિલિયન ડોલર કરવા માંગે છે. જોકે, અમેરિકાને હવે ચિંતા છે કે ઈરાની મિસાઈલોને રોકનારી ઈન્ટરસેપ્ટર મિસાઈલોનો તેનો સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો છે. અમેરિકા આ યુદ્ધમાં ટોમહોક મિસાઈલ, F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ અને B-2 બોમ્બરનો ઉપયોગ કરી રહ્યું છે.
ઈરાન મિશન પર દુનિયાનું સૌથી મોંઘું એરક્રાફ્ટ કેરિયર
અમેરિકન નૌકાદળ પાસે 11 પરમાણુ ઉર્જાથી ચાલતા એરક્રાફ્ટ કેરિયર છે. આટલા કેરિયર વિશ્વના અન્ય કોઈ દેશ પાસે નથી. એડમિરલ સેમ્યુઅલ જે. પાપારોએ જણાવ્યું છે કે એરક્રાફ્ટ કેરિયર એક એવું પ્લેટફોર્મ છે જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ક્યાંય પણ તૈનાત કરી શકાય છે અને તે કોઈપણ દેશના સમર્થન વગર ઝડપી ઓપરેશન કરવાની ક્ષમતા આપે છે.
રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફોર્ડના નામ પરથી આ યુદ્ધ જહાજનું નામ USS જેરાલ્ડ ફોર્ડ રાખવામાં આવ્યું છે. આ અમેરિકાનું સૌથી મોંઘું એરક્રાફ્ટ કેરિયર છે. જૂની પેઢીના કેરિયરની કિંમત આશરે 4.5 અબજ ડોલર હતી, જ્યારે આ જેરાલ્ડ આર. ફોર્ડની કિંમત લગભગ 18 અબજ ડોલર છે.
જેરાલ્ડ ફોર્ડમાં વિનાશક તબાહી મચાવવાની ક્ષમતા
સેના અને સુવિધા: આ એરક્રાફ્ટ કેરિયરમાં આશરે 4,500 ખલાસીઓ હોય છે અને તેના પર 75-90 એરક્રાફ્ટ તૈનાત કરી શકાય છે. તેમાં આખી હોસ્પિટલ, ઓપરેશન રૂમ, ICU અને લેબોરેટરી છે.
ગતિ અને ક્ષમતા: તે ઈંધણ કે સપ્લાય લીધા વિના 90 દિવસ સુધી સતત 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
પરિમાણ: આ 337 મીટર લાંબુ છે અને તેનો ફ્લાઇટ ડેક 78 મીટરનો છે.
ઇતિહાસ: વર્ષ 2017માં જ્યારે તેને કાર્યરત કરવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે આ નૌકાદળના ભવિષ્યને દર્શાવે છે. તેને પહેલીવાર 7 ઓક્ટોબર 2023ના હુમલા પછી મધ્ય પૂર્વ મોકલવામાં આવ્યું હતું.
F-18F અને F-35F ફાઈટર જેટ્સ ભરે છે ઉડાન
આ એરક્રાફ્ટ કેરિયર પરથી અમેરિકન F-18F અને F-35F ફાઈટર જેટ્સ મિશન માટે ઉડાન ભરે છે. ગયા અઠવાડિયે ઈરાને દાવો કર્યો હતો કે તેણે આ જહાજ પર ચાર બેલેસ્ટિક મિસાઈલો છોડી છે, જેને અમેરિકાએ નકારી કાઢતા કહ્યું હતું કે ઈરાની મિસાઈલો તેની નજીક પણ ફરકી શકી નથી.
તેની અદભૂત ક્ષમતાને કારણે તેને ‘તરતો એરબેઝ’ કહેવામાં આવે છે. તેમાં નવી EMALS (ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ) લાગેલી છે, જે જૂની ટેકનોલોજી કરતા ઘણી ઝડપથી ફાઈટર જેટ્સને હવામાં લોન્ચ કરી શકે છે. હોલીવુડની ફિલ્મો, જેમ કે ટોર્મ ક્રૂઝની ‘ટોપ ગન: મેવરિક’માં પણ આવા જ કેરિયર્સનો ઉપયોગ અમેરિકાની શક્તિ બતાવવા માટે કરવામાં આવ્યો છે.

