Pulitzer Prize Winners 2026: ભારતીય પત્રકાર આનંદ આર કે અને સુપર્ણા શર્માને ડિજિટલ દેખરેખ અને સાયબર છેતરપિંડી પરના તેમના કામ માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે જાહેર કરાયેલા આ પુરસ્કારમાં આનંદ અને શર્માને ‘ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી’ શ્રેણીમાં આ સન્માન મળ્યું છે. આ પુરસ્કાર તેમણે બ્લૂમબર્ગની નતાલી ઓબિકો પિયર્સન સાથે શેર કર્યો છે.
સાયબર ક્રાઈમ પર રિપોર્ટિંગ માટે મળ્યો પુલિત્ઝર પુરસ્કાર
પુલિત્ઝર પુરસ્કારની વેબસાઇટ અનુસાર, ‘ટ્રેપ્ડ’ શીર્ષકથી બ્લૂમબર્ગ માટે તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં ભારતની એક ન્યુરોલોજીસ્ટની રૂંવાડા ઉભા કરી દે તેવી વાર્તા કહેવામાં આવી છે, જેમને ઠગ દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા હતા. તસવીરો અને શબ્દોના અનોખા સંગમથી તૈયાર કરાયેલા આ અહેવાલે ડિજિટલ દેખરેખ અને સાયબર છેતરપિંડીના વધતા વૈશ્વિક જોખમને અત્યંત પ્રભાવશાળી રીતે ઉજાગર કર્યું છે.
પુલિત્ઝર પુરસ્કાર વિશે જાણો
કોલંબિયા યુનિવર્સિટી દ્વારા સંચાલિત પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત રચનાના ક્ષેત્રમાં આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાં ગણાય છે. તેને ઘણીવાર પત્રકારત્વના “ઓસ્કાર” પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના હંગેરિયન-અમેરિકન પત્રકાર અને પ્રકાશક જોસેફ પુલિત્ઝરની વસિયત બાદ ૧૯૧૭માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત રચનામાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહિત કરવાનો છે. પુલિત્ઝર પુરસ્કાર કુલ ૨૧ શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે: પત્રકારત્વ, સાહિત્ય અને નાટક અને સંગીત.
પુલિત્ઝર પુરસ્કારના વિજેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
પુલિત્ઝર પુરસ્કારના વિજેતાની પસંદગી પુલિત્ઝર પ્રાઈઝ બોર્ડ કરે છે. આ એક સ્વતંત્ર બોર્ડ હોય છે, જે તમામ સહભાગીઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરે છે. પુરસ્કાર તરીકે વિજેતાઓને એક પ્રમાણપત્ર અને ૧૫૦૦૦ ડોલરની રોકડ રકમ આપવામાં આવે છે.
પુલિત્ઝર પુરસ્કાર જીતનાર ભારતીયો
ગોવિંદ બિહારી લાલ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા. તેમને આઝાદી પહેલા ૧૯૩૭માં પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. આ પછી ૨૦૦૦માં ઝુંપા લાહિરીને તેમના પુસ્તક ‘ઈન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’ માટે પુલિત્ઝર પુરસ્કાર મળ્યો. ૨૦૧૧માં સિદ્ધાર્થ મુખર્જીને તેમના પુસ્તક ‘ધ એમ્પરર ઓફ ઓલ મેલેડીઝ’ માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૨૦૧૮-૨૦૨૨માં દાનિશ સિદ્દીકીને ફીચર ફોટોગ્રાફી માટે મરણોત્તર પુલિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

