PM Modi Norway Cartoon Controversy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોર્વે પ્રવાસ સતત ચર્ચામાં બનેલો છે. પહેલાં ત્યાંના પત્રકાર હેલા લેંગ દ્વારા તેમને પૂછવામાં આવેલો સવાલ (જેનો તેમણે જવાબ આપ્યો ન હતો) ચર્ચામાં રહ્યો, તો હવે નોર્વેના એક અખબારમાં પીએમ મોદી પર છપાયેલું કાર્ટૂન હેડલાઇન્સ બટોરી રહ્યું છે. આની ચર્ચા પણ થઈ રહી છે અને આલોચના (ટીકા) પણ. જે નોર્વેજીયન અખબારની વાત થઈ રહી છે, તેનું નામ ‘આફ્ટેનપોસ્ટેન’ છે, જે નોર્વેના સૌથી મોટા અને પ્રભાવશાળી અખબારોમાંથી એક માનવામાં આવે છે. પીએમ મોદીની નોર્વે યાત્રા દરમિયાન આફ્ટેનપોસ્ટેને એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું જેમાં તેમને ‘મદારી’ ના રૂપમાં બતાવવામાં આવ્યા હતા અને પેટ્રોલ પંપની પાઇપને સાપની જેમ દર્શાવવામાં આવી હતી. આ કાર્ટૂન એક ઓપિનિયન લેખની સાથે પ્રકાશિત થયું હતું, જેમાં પીએમ મોદી માટે હેડલાઇન આપવામાં આવી છે, ‘એક ચાલાક અને થોડો અકળાવનારો માણસ’.
‘નસ્લવાદી કાર્ટૂન’
આ તસવીર પર ઓનલાઇન આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી, ખાસ કરીને ભારતમાં. કેટલાય યુઝર્સે અને ટિપ્પણીકારોએ આને ‘નસ્લવાદી’ (રંગભેદી) ગણાવ્યું અને કહ્યું કે આ તે ઔપનિવેશિક (ગુલામીના) કાળની યાદ અપાવે છે જ્યાં પશ્ચિમી મીડિયા લાંબા સમયથી ભારતને પછાત બતાવવાની કોશિશ કરતું રહ્યું છે.
વરિષ્ઠ પત્રકાર આદિત્ય રાજ કૌલે એક્સ પર લખ્યું, “ચોંકાવનારું. નસ્લવાદી. અપમાનજનક. નોર્વેનું સૌથી મોટું બ્રોડશીટ અખબાર આફ્ટેનપોસ્ટેન એક ચોંકાવનારું કાર્ટૂન પ્રકાશિત કરી રહ્યું છે, જેમાં ભારતના પ્રધાનમંત્રીને એક મદારી તરીકે બતાવવામાં આવ્યા છે. આની સાથે હેડલાઇન આપવામાં આવી છે- એક ચાલાક અને થોડો અકળાવનારો માણસ. તેઓ ભારતની પ્રગતિ અને સફળતાને પચાવી શકતા નથી. અફસોસ.”
@samjawed65 નામના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું, “પૂરી રીતે નસ્લવાદી. જે વાત વધુ ધ્યાન ખેંચે છે, તે છે આમાં રહેલી વિડંબના. પ્રધાનમંત્રી મોદી પહેલાં અવારનવાર એવું કહેતા રહ્યા છે કે દુનિયા પહેલાં ભારતને સાપના ખેલ બતાવનારાઓની ધરતી તરીકે જોતી હતી. અને હવે, તેમના ઓસ્લો પ્રવાસ દરમિયાન, એક મહત્વનું યુરોપીયન અખબાર તેમને એ જ છબીમાં બતાવે છે.”
‘ધ હિન્દુ’ ગ્રુપ સાથે જોડાયેલા પત્રકાર અને ચીન મામલાના જાણકાર અનંત કૃષ્ણને લખ્યું, “આ કાર્ટૂન, જેને મેં ભૂલથી કોઈ સસ્તું ટેબ્લોઇડ સમજ્યું હતું, તે અસલમાં નોર્વેના સૌથી મોટા અખબાર આફ્ટેનપોસ્ટેનમાં પ્રકાશિત થયું છે, જેને પેપર ઓફ રેકોર્ડ પણ કહેવામાં આવે છે. આ કથિત રીતે શ્રેષ્ઠ પત્રકારત્વના માપદંડોની છબી માટે કોઈ સારું ઉદાહરણ નથી.”
પત્રકાર શશાંક મટ્ટુએ લખ્યું, “નોર્વેના સૌથી મોટા અખબારે પ્રધાનમંત્રી મોદીનું એક કાર્ટૂન પ્રકાશિત કર્યું છે, જેમાં તેમને તેમના ઓસ્લો પ્રવાસ દરમિયાન મદારી તરીકે બતાવવામાં આવ્યા છે. હેડલાઇનમાં લખ્યું છે, ‘એક ચાલાક અને થોડો અકળાવનારો માણસ'”
Carlwheless ના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું, “નોર્વેના સૌથી મોટા અખબારે હમણાં જ પ્રધાનમંત્રી મોદીનું એક કાર્ટૂન પ્રકાશિત કર્યું છે, જેમાં તેમને મદારી તરીકે બતાવવામાં આવ્યા છે. આ પત્રકારત્વ નથી-આ ઔપનિવેશિક યુગના નસ્લવાદને ટિપ્પણીના રૂપમાં રજૂ કરવા જેવું છે. તેઓ ભારતના ઉદયને બરદાસ્ત નથી કરી શકતા, એટલે જ એવા જૂના સ્ટીરિયોટાઇપ (રૂઢિચુસ્ત વિચારો) દોહરાવી રહ્યા છે જેનો ઉપયોગ તેમના દાદા-પરદાદા કરતા હતા. દરેક વખતે અસલિયત સામે આવી જ જાય છે.”
લેખમાં પીએમ મોદી વિશે શું કહેવામાં આવ્યું?
ફ્રેન્ક રોઝેવિક નામના ટિપ્પણીકારે પીએમ મોદી પર આ આર્ટિકલ (લેખ) લખ્યો હતો જેનું શીર્ષક છે, ‘એક ચાલાક અને થોડો અકળાવનારો માણસ’
આફ્ટેનપોસ્ટેન અખબારમાં છપાયેલા આ લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નોર્વે યાત્રા અને તેમની વિદેશ નીતિ પર ટિપ્પણી કરવામાં આવી છે. આમાં લેખકે કહ્યું છે કે મોદીની વિદેશ નીતિ ખૂબ જ વ્યાવહારિક (પ્રેગ્મેટિક) છે, એટલે કે તેઓ વિચારધારા કરતાં રાષ્ટ્રીય હિતોને વધુ પ્રાથમિકતા આપે છે. મોદી એવા નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે જે અલગ-અલગ દેશો સાથે એકસાથે સારા સંબંધો રાખવા માંગે છે, પછી ભલે તે દેશો એકબીજા સાથે સહમત હોય કે ન હોય.
લેખમાં મોદીની આ નીતિને ‘રિયલપોલિટિક’ કહેવામાં આવી છે- એટલે કે રાજનીતિમાં વ્યાવહારિક હિતોના આધારે નિર્ણયો લેવા. તેમણે લેખમાં ભારતને એક ઊભરતી વૈશ્વિક શક્તિ ગણાવ્યું, જે વ્યાપાર, ટેકનોલોજી, ઉર્જા અને વ્યુહાત્મક ક્ષેત્રે કેટલાય દેશો સાથે ભાગીદારી વધારી રહ્યું છે.
આમાં નોર્ડિક દેશો (ઉત્તરી યુરોપના ઠંડા તાપમાનવાળા દેશો- જેમ કે નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડ) ભારત માટે એટલા માટે મહત્વના બતાવવામાં આવ્યા છે કારણ કે ત્યાં ગ્રીન ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન અને આર્કટિક ક્ષેત્ર સાથે જોડાયેલી તકો છે.
લેખ એ પણ બતાવે છે કે પશ્ચિમી દેશોને ક્યારેક ભારતની વિદેશ નીતિ અસંગત (ઇનકન્સિસ્ટન્ટ) લાગી શકે છે, ખાસ કરીને રશિયા સાથેના સંબંધોને લઈને. સાથે જ, ભારતમાં લોકશાહી અને પ્રેસની આઝાદીને લઈને કેટલીક આલોચનાઓ પણ લેખમાં સામેલ છે, જે પશ્ચિમી ચર્ચાઓનો ભાગ છે. કુલ મળીને લેખનો ટોન પૂરી રીતે સમર્થન કે વિરોધવાળો નથી. તે મોદીની વિદેશ નીતિને એક વ્યુહાત્મક અને હિત-આધારિત વૈશ્વિક નીતિ તરીકે બતાવવાની કોશિશ કરે છે.
ચર્ચામાં રહ્યો પીએમ મોદીનો નોર્વે પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોર્વે પ્રવાસ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો. જ્યારે તેઓ નોર્વેના પ્રધાનમંત્રી યોનાસ ગાર સ્ટોરે સાથે મીટિંગ કરીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાંના પત્રકાર હેલા લેંગે તેમને સવાલ પૂછ્યો હતો પરંતુ પીએમ કોઈ જવાબ આપ્યા વિના આગળ વધી ગયા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પત્રકાર હેલા લેંગને એવું કહેતા સાંભળી શકાય છે કે, “પ્રધાનમંત્રી મોદી, તમે દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ નથી લેતા?”
બાદમાં હેલા લેંગે વીડિયો શેર કરીને લખ્યું, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારા સવાલનો જવાબ આપ્યો નહીં. મને આની આશા પણ ન હતી. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે પહેલા સ્થાને છે અને ભારત ૧૫૭મા સ્થાને છે.”
આ ઘટના પછી ભારતમાં રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા સહિત કેટલાય વિપક્ષી નેતાઓએ પીએમની આલોચના કરી અને સવાલોથી ગભરાઈ જવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના વડા અમિત માલવીયાએ હેલા લેંગના સવાલો અને નિવેદનોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા.

