ICC Prosecutor Karim Khan: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તેના મુખ્ય પ્રોસીક્યુટર કરીમ ખાનને તેમના પર લાગેલા જાતીય શોષણના આરોપોની તપાસ બાદ શિસ્તભંગના પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા છે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ICC ની એક્ઝિક્યુટિવ કમિટીએ કરીમ ખાને ગંભીર ગેરવર્તણૂક કરી હોવાનું નિર્ધારિત કર્યા બાદ આ કેસને કોર્ટના ૧૨૫ સભ્ય દેશોના વિશેષ સત્રમાં મોકલવા માટે મતદાન કર્યું છે. આ નિર્ણય પ્રોસીક્યુટરને હોદ્દા પરથી હટાવવા માટે મતદાન તરફ દોરી શકે છે.
ક્વોલિફાઇડ મેજોરિટી દ્વારા મતદાન કરતા પહેલા, ૨૧ સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીએ યુએન વોચડોગ ‘ઓફિસ ઓફ ઈન્ટરનલ ઓવરસાઈટ સર્વિસીસ’ (OIOS) ના તપાસ રિપોર્ટ, ન્યાયિક નિષ્ણાતોની પેનલની સલાહ અને કરીમ ખાન તથા પીડિત મહિલા તરફથી મળેલી લેખિત રજૂઆતોને ધ્યાનમાં લીધી હતી.
તપાસના અંતિમ પરિણામનો સંકેત નથી: ICC
જોકે, ICC ની ગવર્નિંગ બોડી, જેમણે કરીમ ખાનના સસ્પેન્શનની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે આ નિર્ણય “અંતિમ પરિણામનો સંકેત નથી.”
વર્ષ ૨૦૨૪ માં, હેગમાં ICC ના મુખ્યાલયમાં તેમની સાથે કામ કરતી એક મહિલાએ ફરિયાદ કરી હતી કે કરીમ ખાને ૨૦૨૩ થી ૨૦૨૪ ની વચ્ચે બળજબરીપૂર્વકનું અને બિન-સંમતિપૂર્ણ જાતીય વર્તન કર્યું હતું. તપાસ દરમિયાન, ઓગસ્ટ ૨૦૨૫ માં બીજી એક મહિલાએ જાતીય શોષણના આરોપો સાથે આગળ આવી હતી.
બ્રિટિશ વકીલ કરીમ ખાન મે ૨૦૨૫ થી સ્વૈચ્છિક રજા પર હતા. કરીમ ખાનના વકીલે અગાઉ કહ્યું હતું કે તેઓ કોઈપણ વ્યક્તિ સાથે “દુર્વ્યવહાર” કરવાના અથવા તેમના હોદ્દાનો “દુરુપયોગ” કરવાના આરોપોને “સ્પષ્ટપણે નકારે છે.”

