Salman Al Ansari Warn Tehran: ઈરાનને સાઉદીની છેલ્લી ચેતવણી: શું પાકિસ્તાનનું પરમાણુ કવચ બનશે સાઉદીની ઢાલ? મિડલ ઈસ્ટના યુદ્ધમાં નવો વળાંક

Arati Parmar
3 Min Read

Salman Al Ansari Warn Tehran: સાઉદી અરેબિયા જો ઈરાન સામેની લડાઈમાં ઉતરશે તો તે પાકિસ્તાનને મદદ માટે બોલાવશે. એટલું જ નહીં, સાઉદી અરેબિયા પાકિસ્તાનના ‘ન્યૂક્લિયર અમ્બ્રેલા’ (પરમાણુ સુરક્ષા કવચ)નો પણ ઉપયોગ કરશે. સાઉદી અરેબિયાના રાજકીય વિશ્લેષક સલમાન અલ અંસારીએ આ દાવો કર્યો છે. તેમણે ઈરાનને સાઉદી અરેબિયા વિરુદ્ધ હુમલા ન કરવા માટે ચેતવણી આપી છે. તેમનું આ નિવેદન ઈરાન દ્વારા સાઉદી અરેબિયામાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવા અંગેના સવાલ પર આવ્યું છે.

સલમાન અલ-અંસારીને એક ઇન્ટરવ્યુમાં ઈરાન દ્વારા સાઉદી પર થયેલા હુમલાઓ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આના પર તેમણે કહ્યું કે, “રિયાધમાં આ મુદ્દે ભારે નારાજગી છે. જો સાઉદી અરેબિયાએ ઈરાન સાથે યુદ્ધમાં ઉતરવાનો નિર્ણય લીધો, તો તે પાકિસ્તાન સાથેના તેના દ્વિપક્ષીય સંરક્ષણ કરારને સક્રિય કરી દેશે. એટલે કે તે પાકિસ્તાનને પણ પોતાની સાથે લડાઈમાં સામેલ કરશે.”

- Advertisement -

પાકિસ્તાનનું ન્યૂક્લિયર અમ્બ્રેલા

સલમાન અલ અંસારીએ કહ્યું, “સાઉદી અરેબિયાએ અત્યાર સુધી સંયમ જાળવ્યો છે. સાઉદી અરેબિયા આ લડાઈમાં સામેલ થશે તો તેનો કોઈ એક સ્પષ્ટ જવાબ નથી. જો આવું થયું તો ઈરાને ચોક્કસપણે સૌથી મોટું નુકસાન વેઠવું પડશે. સાઉદી અરેબિયા પોતાની સાથે પાકિસ્તાનને સામેલ કરશે અને તેના ન્યૂક્લિયર અમ્બ્રેલા (પરમાણુ હથિયાર સંપન્ન દેશ દ્વારા તેના બિન-પરમાણુ સહયોગીને અપાતી સુરક્ષા)નો પણ ઉપયોગ કરશે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે સાઉદી અરેબિયા પર પરમાણુ સુરક્ષા કવચ મોજૂદ છે. આને ઈરાને ચોક્કસપણે ચેતવણી તરીકે લેવું જોઈએ. ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના જવાબમાં સાઉદી અરેબિયામાં અમેરિકાના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. જોકે, અત્યાર સુધી સાઉદીએ પોતાની પ્રતિક્રિયા માત્ર નિવેદનો સુધી મર્યાદિત રાખી છે.

- Advertisement -

સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરાર

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંરક્ષણ કરાર થયો છે. આ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટમાં બંને દેશોએ એકબીજાને વચન આપ્યું છે કે કોઈપણ દેશ પરના હુમલાને બંને વિરુદ્ધનો હુમલો માનવામાં આવશે. એટલે કે જો સાઉદી પર હુમલો થાય અને તે જંગ શરૂ કરે તો પાકિસ્તાન પણ તેની તરફથી લડશે.

પાકિસ્તાને આ કરાર છતાં અત્યાર સુધી ઈરાન યુદ્ધના મુદ્દે સંતુલિત વલણ દાખવ્યું છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેને સાઉદી સાથેના આ કરારનો ખ્યાલ છે, તેથી તેણે ઈરાન સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. પાકિસ્તાને ઈરાનને સાઉદી અરેબિયા પર હુમલો ન કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

અસીમ મુનીરનો સાઉદી પ્રવાસ

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ સાઉદી અરેબિયાનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં મુનીરે સાઉદી સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. પ્રિન્સ સલમાને મુલાકાત બાદ કહ્યું હતું કે મુનીર સાથે મળવાનો તેમનો હેતુ એ હુમલાઓને રોકવાના ઉપાયો પર ચર્ચા કરવાનો હતો જે પ્રદેશમાં અસ્થિરતા ફેલાવી રહ્યા છે.

Share This Article