Aravalli Nutrition Food Smuggling: સરકારી અનાજની હેરાફેરીનું કૌભાંડ, મહીસાગરથી મોડાસા આવતો જથ્થો ઝડપાતા ચાર સામે ફરિયાદ

Arati Parmar
2 Min Read

Aravalli Nutrition Food Smuggling: ગુજરાતમાં કુપોષણને નાથવા માટે સરકાર દ્વારા આંગણવાડીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિનામૂલ્યે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે, પરંતુ અરવલ્લીમાં આ માનવીય મદદને જ કોઈની નજર લાગી ગઈ છે. મહીસાગર જિલ્લાના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનમાંથી આ પોષણયુક્ત ‘બાલભોગ’નો જથ્થો ગેરકાયદેસર રીતે પીકઅપ વાહનમાં ભરીને મોડાસા તરફ લાવવામાં આવી રહ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે સાકરિયા ગામ નજીકથી આ શંકાસ્પદ વાહનને ઝડપી પાડ્યું હતું, જેમાં તપાસ કરતા 3050 કિલો વજનની 305 થેલીઓ મળી આવી હતી. જેમાં બાલભોગ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ થતો હતો.

આરોપીઓ ફરાર, પોલીસની શોધખોળ તેજ

ICDS અધિકારી પારુલબેન ચૌહાણની લેખિત ફરિયાદને આધારે પોલીસે વાહન ચાલક, માલિક અને ખાનપુર ગોડાઉન સાથે સંકળાયેલા જવાબદાર વ્યક્તિઓ સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં હિંમતનગરના કેટલાક તત્વોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સરકારી જથ્થો બજારમાં ત્રણ ગણા ઊંચા ભાવે વેચવા માટેનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલમાં તમામ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને તેમની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

સમગ્ર પુરવઠા વ્યવસ્થા તપાસ હેઠળ

અરવલ્લી ડીવાયએસપી જે.ડી. વાઘેલાના જણાવ્યા અનુસાર, મોડાસા રૂરલ પોલીસ આ ગંભીર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં પોષણ આહાર ગોડાઉનમાંથી બહાર કેવી રીતે આવ્યો અને તેમાં કોની કોની મિલીભગત હતી, તે તપાસનો મુખ્ય વિષય છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડીઓએ માત્ર સરકારી સંપત્તિની ચોરી નથી કરી, પરંતુ રાજ્યના લાખો કુપોષિત બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ખિલવાડ કર્યો છે. પોલીસ તપાસમાં હવે એ વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને આના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Share This Article