Ahmedabad Child Begging Trafficking Network: ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાતના અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે. અમદાવાદને રમતોની યજમાની મળ્યા બાદ શહેરમાં અપરાધ પર અંકુશ લાવવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના મોરચે કામ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત અભિયાનમાં સામે આવ્યું છે કે શહેરના ટ્રાફિક સિગ્નલ પર ભીખ મંગાવનારાઓના તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરપંચો સાથે જોડાયેલા છે.
અત્યાર સુધી ૨૭૬ બાળકોની ઓળખ
રિપોર્ટ અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AMC સાથે મળીને શહેરના રસ્તાઓ પરથી બાળ ભિક્ષુકોને હટાવવા માટે એક અભિયાન ચલાવ્યું હતું, કારણ કે અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. આ દરમિયાન જાણવા મળ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક સરપંચ કે ગામના મુખિયા બ્રોકર તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ ગરીબ પરિવારો પાસેથી બાળકોને એકત્રિત કરતા હતા અને તેમને ભીખ માંગવા માટે ગુજરાત મોકલતા હતા. પોલીસે અત્યાર સુધી આવા ૨૭૬ બાળકોની ઓળખ કરી છે, જેમને કથિત રીતે આ રેકેટ દ્વારા શહેરમાં તસ્કરી કરીને લાવવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અમદાવાદના ટ્રાફિક સિગ્નલ, મંદિરો, મોલ અને હોસ્પિટલોમાં બાળકોના ભીખ માંગવાની જે ઘટનાઓ અલગ-થલગ લાગતી હતી, તે હકીકતમાં બાળકોની તસ્કરીના એક સંગઠિત નેટવર્કનો ભાગ નીકળી.
અમદાવાદ શહેર પોલીસની મોટી પહેલ
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાળકોનો સરકારી પ્રાઈમરી સ્કૂલોમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં તેમને ખાવા, રહેવાની જગ્યા અને પુનર્વસનની સુવિધા આપવામાં આવશે. સાથે જ, તપાસકર્તાઓ એ લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ તૈયાર કરી રહ્યા છે જેમણે પૈસા કમાવવા માટે માસૂમ બાળકોનું શોષણ કર્યું. ક્રાઈમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ કહ્યું કે બધા ભિક્ષુક સામાન્ય ભિક્ષુક હોતા નથી. તેઓ રાજ્યોની સરહદોની પાર કામ કરતા એક સંગઠિત નેટવર્કનો ભાગ હોય છે. આમાંથી મોટાભાગના બાળકો ખૂબ ગરીબ પરિવારોમાંથી આવે છે અને તેમને તેમના પોતાના માતા-પિતાએ જ મોકલ્યા હતા, જે મોટા શહેરોમાં ભીખ માંગવાને કમાણીનું સાધન માનતા હતા.
કેવી રીતે કામ કરે છે આ રેકેટ
ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે આ રેકેટ ગામડાઓથી શરૂ થાય છે, જ્યાં સિન્ડિકેટ ચલાવનારા લોકો નબળા પરિવારોની ઓળખ કરવા માટે સરપંચોનો સંપર્ક કરે છે. અધિકારીએ કહ્યું કે ગુજરાતમાં ભીખ મંગાવતા સિન્ડિકેટ બાળકોને લાવવા માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામના સરપંચોને પૈસા આપે છે. સરપંચ પૈસાનો અમુક હિસ્સો માતા-પિતાને આપે છે, બાકીની રકમ પોતાની પાસે રાખી લે છે. બાદમાં બાળકોની રોજિંદી કમાણીનો ૨૦ ટકા હિસ્સો પણ પોતાની ખિસ્સામાં નાખતા રહે છે.
ધાર્મિક જગ્યાઓ પર વધારે કમાણી
પોલીસ અનુસાર સિન્ડિકેટ કમાણીની સંભાવનાના આધારે બાળકોને તૈનાત કરે છે. તેમાં ધાર્મિક જગ્યાઓ પર સૌથી વધારે કમાણી થાય છે, ત્યારબાદ ટ્રાફિક જંકશન, હોસ્પિટલ અને શોપિંગ મોલનો નંબર આવે છે. બાળકોને એમ જ ક્યાંય મોકલવામાં આવતા નથી. દરેક જગ્યાને વધારેમાં વધારે કમાણીના હિસાબે પસંદ કરવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે તેણે એવા ગામોની ઓળખ કરી લીધી છે જ્યાંથી બાળકોને લાવવામાં આવે છે અને અમદાવાદમાં એ જગ્યાઓનો પણ પતો લગાવી લીધો છે જ્યાં તેમને તૈનાત કરવામાં આવે છે. એક અધિકારીએ કહ્યું કે અમે ઘણા એવા સરપંચો અને માતા-પિતાની ઓળખ કરી છે જેઓ આ વ્યવસ્થાનો ભાગ હતા. અમે તેમની વિરુદ્ધ બાળકોની તસ્કરી સાથે જોડાયેલા કાયદાઓ હેઠળ આરોપોની તપાસ કરી રહ્યા છીએ.

