Surat fake products: સુરતમાં નકલી પ્રોડક્ટ્સનું મોટું કૌભાંડ, જાણીતી બ્રાન્ડ્સના નામે લાખોની છેતરપિંડીનો પર્દાફાશ

Arati Parmar
2 Min Read

Surat fake products: સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલા જોળવા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતા એક મોટા નેટવર્કનો સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે જોળવા ગામના ‘શિવ પેલેસ શોપિંગ’માં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતી આ દુકાન પર કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર, રેકીટ બેન્કીસર અને ઈમામી લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ પ્રોડક્ટ્સનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કાર્યવાહીમાં સુરત ગ્રામ્ય પોલીસની સતર્કતાને કારણે લાખોની કિંમતનો નકલી માલસામાન બજારમાં જતો અટકી ગયો છે.

નકલી પ્રોડક્ટ્સનું આખું નેટવર્ક ઝડપાયું

પોલીસે સ્થળ પરથી 430 કેન નકલી લાઈઝોલ, 532 કેન ડુપ્લીકેટ હારપીક અને મોટી માત્રામાં સનસિલ્ક શેમ્પુની બોટલો જપ્ત કરી છે. આ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 13,22,436 જેટલી થવા જાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી વિવેક દીપકભાઈ ફળદુ છે, જે મૂળ જામનગરનો વતની છે અને હાલ કામરેજમાં રહે છે. આરોપી આ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટેની બોટલ, કેન અને આબેહૂબ દેખાતા કંપનીના સ્ટીકરો ઉત્તર પ્રદેશ (UP)થી મંગાવતો હતો. તે સ્થાનિક બજારમાંથી સસ્તું અને સામાન્ય ક્વોલિટીનું કેમિકલ કે મટીરીયલ લાવીને આ બોટલોમાં ભરીને તેને બ્રાન્ડેડ પેકિંગમાં તૈયાર કરતો હતો.

- Advertisement -

ઓનલાઈન વેચાણ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી

આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે આ નકલી માલને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા વેચતો હતો, જેથી સામાન્ય ગ્રાહકો સરળતાથી તેની જાળમાં ફસાઈ જતા હતા. ઓનલાઈન વસ્તુ ખરીદનાર ગ્રાહકોને અસલી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સ પધરાવીને તે મોટી કમાણી કરતો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સંબંધિત કંપનીઓના લીગલ અધિકારીઓને પણ આ અંગે જાણ કરી છે. સુરત ગ્રામ્ય LCB હવે આ આંતરરાજ્ય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં ઉત્તર પ્રદેશથી માલ સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો કોણ છે અને દક્ષિણ ગુજરાતમાં અન્ય કયા વેપારીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા છે, તે દિશામાં પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે.

- Advertisement -
Share This Article