Girnar Lion Attack: ગિરનારની ગોઝારી ઘટના, સિંહના હુમલામાં ૧૨ વર્ષના બાળકનું મોત, તંત્રની બેદરકારી સામે રોષ

Arati Parmar
2 Min Read

Girnar Lion Attack: જૂનાગઢના ગિરનાર પર્વત પર એક અત્યંત કરુણ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના મોડજ ગામથી આવેલા એક પરિવારે વહેલી સવારે ગિરનારની યાત્રા શરૂ કરી હતી. પરિવારના સભ્યો મુખ્ય દરવાજેથી માંડ ૫૦ પગથિયાં જ ચઢ્યા હતા ત્યાં જ અંધારાનો લાભ લઈને સિંહે ત્રાટક્યો હતો. સિંહ ૧૨ વર્ષના માસૂમ બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો, જ્યાં બાદમાં તેના અવશેષો મળી આવ્યા હતા.

સ્થાનિકો અને પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, છેલ્લા બે-ત્રણ દિવસથી સિંહ આ જ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો હતો અને પગથિયાં પાસે જ બેસી રહેતો હતો. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગિરનારની સીડીઓ પર લાઇટની પૂરતી સુવિધા નથી, જેના કારણે અંધારામાં સિંહનો અંદાજ ન આવ્યો અને બાળક તેનો શિકાર બની ગયું. અંધારાના કારણે પરિવાર તરત જ બાળકની શોધખોળ પણ કરી શક્યો ન હતો.

- Advertisement -

ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને આરએફઓ સમયસર ન પહોંચ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર ગિરનારની મુખ્ય સીડીઓ પર અવરજવર હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે અને યાત્રિકોને જટાશંકરવાળી જૂની સીડીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

તાજેતરના સમયમાં સિંહના માનવ પરના હુમલાઓમાં વધારો થયો છે. નિષ્ણાતોના મતે સિંહની વધતી સંખ્યા અને તેમની ટેરિટરીમાં આવેલા પરિવર્તનને કારણે તેઓ રહેણાંક વિસ્તાર કે યાત્રાધામોમાં ઘૂસી રહ્યા છે. જંગલોમાં કોન્ક્રીટના રસ્તા અને માનવીય દખલગીરીને કારણે સિંહની શિકાર કરવાની આદતો બદલાઈ છે, જે મનુષ્યો માટે જોખમી બની રહી છે.

- Advertisement -
Share This Article