Bharuch Rain: રેડ એલર્ટના પગલે શાળા, કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
રેડ એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં મોડી રાતથી શરૂ થયેલો મુશળધાર વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓ સરોવર બની ગઈ હતી, જ્યારે અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી હતી. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં કસક, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ચાર રસ્તા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સેવાશ્રમ રોડ પર પાણીના જોરદાર પ્રવાહમાં કેટલાક વાહનો ખોટકાઈ ગયા હતા, જ્યારે વાહનોની નંબર પ્લેટ પણ પાણીના પ્રવાહમાં ઉખડી જવાની ઘટના સામે આવી હતી. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક વિસ્તારમાં ગટરો ઉભરાઈ જતાં સ્થિતિ વધુ વિકટ બની હતી. શહેરમાં પ્રવેશવાના ત્રણેય મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સરકારી કચેરીઓના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ફુરજા-ચાર રસ્તા વિસ્તારમાં ફ્લેશ ફ્લડ જેવા દૃશ્યો સર્જાતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદ વચ્ચે મામલતદાર, ફાયર વિભાગના અધિકારીઓ સહિત તંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
ગતરોજ બપોરે ૨ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ:
નેત્રંગ – ૯.૮૦ ઈંચ
અંકલેશ્વર – ૫.૦૦ ઈંચ
ઝઘડિયા – ૪.૫૩ ઈંચ
ભરૂચ – ૪.૨૯ ઈંચ
હાંસોટ – ૨.૯૯ ઈંચ
વાલિયા – ૨.૯૯ ઈંચ
વાગરા – ૨.૮૭ ઈંચ
જંબુસર – ૧.૮૧ ઈંચ
આમોદ – ૧.૨૬ ઈંચ

