Gujarat GAD Circular Protocol: બાબુઓ સાવધાન! નેતાજીના સન્માનમાં ભૂલ કરી તો ખેર નથી: ગુજરાત સરકારનો અધિકારીઓ માટે કડક આદેશ

Arati Parmar
2 Min Read

Gujarat GAD Circular Protocol: ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં મંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોના માન-સન્માનને લઈને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોકપ્રતિનિધિઓ સાથેનો વ્યવહાર વિવેકપૂર્ણ હોવો જોઈએ. જો તેમના પ્રોટોકોલમાં કોઈ પણ પ્રકારની ચૂક થશે, તો તેને ગંભીર ગણીને જવાબદાર કર્મચારી સામે કડક કાયદાકીય અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

અગાઉની સૂચનાઓના ઉલ્લંઘન બાદ નવો નિર્ણય

સરકારના ધ્યાન પર આવ્યું છે કે વર્ષ 2018 અને 2021માં આ બાબતે અનેક સૂચનાઓ આપવા છતાં કેટલાક અધિકારીઓ તેનો અમલ કરતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ નોંધ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓની વારંવાર અવગણના કરવામાં આવે છે અથવા તેમને યોગ્ય ગરિમા મળતી નથી. આ ગંભીર બેદરકારીને અટકાવવા અને વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા માટે ફરી એકવાર નવેસરથી આ ચીમકી આપવામાં આવી છે.

- Advertisement -

સરકારી કાર્યક્રમોમાં પાળવાના મુખ્ય નિયમો

નવા પરિપત્ર મુજબ, જ્યારે પણ કોઈ મંત્રી જિલ્લાના પ્રવાસે હોય ત્યારે તેમને યોગ્ય આવકાર આપવો ફરજિયાત છે. કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન કરતી વખતે જિલ્લા તંત્રએ જે-તે જિલ્લાના પ્રભારી મંત્રી સાથે સંકલન સાધવું પડશે. આ ઉપરાંત, જ્યારે કોઈ જનપ્રતિનિધિ સરકારી કચેરીની મુલાકાતે આવે, ત્યારે તેમને ખોટી રીતે રાહ જોવડાવ્યા વિના તુરત જ મળીને તેમની રજૂઆતો સાંભળવી અને તેના પર યોગ્ય ચર્ચા કરવી તે અધિકારીઓની પ્રાથમિક જવાબદારી રહેશે.

બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી

સામાન્ય વહીવટ વિભાગે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં આ સૂચનાઓના ભંગ અંગેની કોઈ પણ ફરિયાદ મળશે, તો તેને સેવામાં ગંભીર બેદરકારી ગણવામાં આવશે. સરકાર હવે આ બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનાર અધિકારી સામે નિયમોનુસાર તપાસ કરીને શિસ્તભંગના પગલાં ભરવાની તૈયારી કરી લેવામાં આવી છે, જેથી વહીવટી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યો અને લોકપ્રતિનિધિઓનું ગૌરવ જળવાઈ રહે.

- Advertisement -
Share This Article