અમદાવાદ, શનિવાર
Domestic violence case : અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણના કાયદા હેઠળ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પરિણીતા દ્વારા તેની સાથે શારીરિક અને માનસિક હિંસાની ફરિયાદ કરવા બાદ, મેટ્રો કોર્ટએ તેને અને તેના બાળક માટે દર મહિને 14 હજાર રૂપિયા અને ઘરના ભાડા માટે 3 હજાર રૂપિયા, કુલ 17 હજાર રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો. જો કે, પતિએ આ રકમ ચૂકવવાનો ઈનકાર કર્યો, જેના પરિણામે મેટ્રો કોર્ટએ પતિને 870 દિવસની સજા ફટકારી હતી.
આ ચુકાદાને પડકારતા પતિએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી, જેમાં પતિના વકીલ કિશોર જામનાણી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, મેટ્રો કોર્ટને 12 માસથી વધુ સજા આપવાની સત્તા નથી. આને ધ્યાને રાખી, સેશન્સ કોર્ટએ મેટ્રો કોર્ટનો ચુકાદો રદ કરતાં પતિને વધુમાં વધુ 12 માસની સજા આપવા હુકમ કર્યો.
પતિના વકીલના જણાવ્યા અનુસાર, પતિ આ સજા ભોગવી ચૂક્યો છે, અને હવે તે જેલમુક્ત થશે.

