Bangladesh Tank Blast: બાંગ્લાદેશમાં 9 સપ્ટેમ્બરે સૈન્ય અભ્યાસ દરમિયાન ટૅન્કમાં થયેલા વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું છે. બાંગ્લાદેશી સેનાના એક વિશ્વસનીય સૈન્ય સૂત્રે આ ટૅન્ક દુર્ઘટના પાછળ પાકિસ્તાનના હલકી ગુણવત્તાવાળા દારૂગોળાને જવાબદાર ગણાવ્યો છે. આ ટૅન્ક પણ ચીની છે. એટલે કે બાંગ્લાદેશ ચીની ટૅન્કમાં પાકિસ્તાની દારૂગોળાનો ઉપયોગ કરી રહ્યું હતું. આ વિસ્ફોટ ત્યારે થયો, જ્યારે આઠ મહિના પહેલાં 12 અને 13 જાન્યુઆરીએ ચીની ટેક્નિશિયનોની બે ટીમો બાંગ્લાદેશ સેનાના સૌથી જૂના મેકેનાઇઝ્ડ વાહનોમાંના એક T-59 ટૅન્કની મરામત અને અપગ્રેડનું કામ કરીને ગઈ હતી.
9 સપ્ટેમ્બરે ચટગાંવમાં લાઇવ-ફાયર ટ્રેનિંગ દરમિયાન બાંગ્લાદેશ સેનાના Type 59G ‘દુર્જોય’ મેઇન બેટલ ટૅન્ક (MBT)માં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે સૈનિકો અબુ બકર સિદ્દીક અને તસ્નીમ રફાયતના મોત થયા હતા. જ્યારે કેપ્ટન મિર્ઝા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બાંગ્લાદેશી અધિકારીઓએ પાકિસ્તાની દારૂગોળાને હલકી ગુણવત્તાનો ગણાવ્યો
નૉર્થ ઈસ્ટ ન્યૂઝે બાંગ્લાદેશી સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે 5 ઓગસ્ટ 2024ના રોજ થયેલા રાજકીય પરિવર્તન બાદ આર્મ્ડ ફોર્સિસ ડિવિઝનના તત્કાલીન પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ એસ. એમ. કામરુલે હસને પાકિસ્તાન પાસેથી દારૂગોળો ખરીદવાની પહેલ કરી હતી. પાકિસ્તાની સેના અને તેના સંરક્ષણ-ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો સાથે ‘નિયમિત સંબંધો’ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી યોગ્ય તપાસ અને સ્ટાન્ડર્ડનું પાલન કર્યા વિના 40,000 રાઉન્ડ દારૂગોળો, 2,000 ટૅન્ક રાઉન્ડ, 40 ટન RDX અને 2,900 હાઇ-પાવર પ્રોજેક્ટાઇલ ખરીદ્યા હતા. તેમાંથી કેટલાક દારૂગોળાનો ઉપયોગ બાદમાં બાંગ્લાદેશ સેનાની ફાયરિંગ રેન્જમાં ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન કરવામાં આવ્યો હતો. હાથાઝારી ફાયરિંગ રેન્જમાંથી મળેલી પ્રાથમિક માહિતી પરથી જાણવા મળે છે કે જે અભ્યાસ દરમિયાન જીવલેણ વિસ્ફોટ થયો હતો, તેમાં પાકિસ્તાની દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
ટૅન્કની અંદર જ પાકિસ્તાની દારૂગોળો બની ગયો આગનો ગોળો!
બાંગ્લાદેશ સેનાના એક સૂત્ર અનુસાર પ્રાથમિક ટેક્નિકલ તપાસમાં એ જોવામાં આવી રહ્યું છે કે ટૅન્કની ગન બેરલની અંદર કોઈ અવરોધ કેવી રીતે સર્જાયો અને શું આ જ કારણથી પાછળની તરફ વિસ્ફોટ થયો હતો. એક શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે બેરલની અંદર કાર્બન જમા થવાથી અથવા કોઈ બાહ્ય વસ્તુનો ટુકડો ફસાઈ જવાથી પ્રોજેક્ટાઇલ અને પ્રોપેલન્ટ ગેસો સામાન્ય રીતે બહાર નીકળવામાં અવરોધ આવ્યો હોય.
આવા અવરોધથી બેરલની અંદર અસામાન્ય રીતે દબાણ વધી શકે છે, જેના કારણે બેરલ અથવા ચેમ્બરને ગંભીર નુકસાન થવાનું અને અંદર વિસ્ફોટ થવાનું જોખમ ઊભું થઈ શકે છે. તેથી તપાસકર્તાઓ અનેક શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં દારૂગોળા સાથે જોડાયેલી ખામીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ આ દુર્ઘટનાને માત્ર ચીની બનાવટના Type 59Gની મેકેનિકલ ખામી તરીકે જોઈ રહ્યા નથી.

