US Hindu Temple Shooting Plot: અમેરિકામાં હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબારનું કાવતરું, 19 વર્ષીય યુવકની ધરપકડ

Arati Parmar
4 Min Read

US Hindu Temple Shooting Plot: અમેરિકાના ઇલિનોયમાં શ્રી વેંકટેશ્વર મંદિરમાં સામૂહિક ગોળીબારના કાવતરાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસની ધરપકડ કરી છે. તેની પાસેથી રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યાં છે. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીયોમાં, ખાસ કરીને હિન્દુ સમુદાયમાં ચિંતા વધારી છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ મામલે ધ્યાન આપ્યું છે. બીજી તરફ, સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ સાવચેતીનાં પગલાં લીધાં છે.

શિકાગો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે ઇલિનોયના હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબારની યોજનાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસનું કહેવું છે કે તે ભારતીય સમુદાયના લોકોના સંપર્કમાં છે અને પરિસ્થિતિની માહિતી મેળવી રહ્યું છે. દૂતાવાસે પોલીસ અને સંબંધિત એજન્સીઓની ત્વરિત કાર્યવાહી બદલ આભાર માન્યો છે, જેના કારણે આ દુર્ઘટના ટળી ગઈ.

હિન્દુ સંગઠનોની ચિંતા વધી

અમેરિકાની હિન્દુ ટેમ્પલ એમ્પાવરમેન્ટ કાઉન્સિલ (HMEC) એ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તહેવારોની મોસમ દરમિયાન મંદિરોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને HMEC એ અમેરિકાનાં મંદિરો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. સંગઠને જણાવ્યું છે કે ઇલિનોયના ઓરોરામાં આવેલા મંદિર પર ગોળીબારનું કથિત કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સીબીએસ ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક વ્યક્તિ તરફથી શંકાસ્પદ સંદેશા મળ્યા બાદ સંભવિત સામૂહિક ગોળીબારની માહિતી મળી હતી. ત્યારબાદ આરોપીની તેના ઘરની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરની તપાસ દરમિયાન એક રાઇફલ, ભરેલી અનેક મેગેઝિન અને સેંકડો કારતૂસ મળી આવ્યાં હતાં.

સાંસદનું નિવેદન પણ સામે આવ્યું

ભારતીય મૂળના કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એક શ્વેત સર્વોપરિતાવાદીએ હિન્દુ મંદિરમાં ભારતીય-અમેરિકનોનો નરસંહાર કરવાનો પ્રયાસ કર્યો એ જાણીને હું સ્તબ્ધ છું. આ દર્શાવે છે કે ભારતવિરોધી નફરત અને ‘શ્વેત સર્વોપરિતાવાદ’નું ઝેર કેટલી હદ સુધી જઈ શકે છે.

તેમણે કહ્યું કે નિર્દોષ લોકોનાં મોત થાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ નહીં. તાત્કાલિક કાર્યવાહી કરનારા સાથીઓ અને પોલીસ અધિકારીઓનો હું આભારી છું. દરેક અમેરિકનને કોઈપણ ભય વિના પોતાની પૂજા કરવાનો અધિકાર છે. નફરતના દરેક સ્વરૂપ સામે આપણે એક થઈને ઊભા રહેવું પડશે.

નિશાન પર હતું મંદિર!

તપાસકર્તાઓને અત્યાર સુધી મળેલા પુરાવાઓના આધારે જાણવા મળ્યું છે કે આરોપીના નિશાન પર ઇલિનોયનું શ્રી વેંકટેશ્વર મંદિર હતું. હુમલાખોર તરીકે ઓળખાયેલા 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસને શ્વેત રાષ્ટ્રવાદી (વાઇટ નેશનાલિસ્ટ) ગણાવવામાં આવ્યો છે. મંદિરને નિશાન બનાવવાના સામૂહિક ગોળીબારના આ કાવતરાની તપાસ અમેરિકાનું ન્યાય વિભાગ કરશે.

ઇલિનોયના પેલેટાઇનમાં ટાકો બેલમાં કેશિયર તરીકે કામ કરતા એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસ સામે આતંકવાદી ધમકી આપવી અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા જેવા આરોપો મૂકવામાં આવ્યા છે. આરોપી સાથે કામ કરતા લોકોએ પોલીસને જણાવ્યું હતું કે તેમને પેપોરાકિસ તરફથી કેટલાક ચિંતાજનક સંદેશા મળ્યા હતા. તેમાં એક એવો દસ્તાવેજ પણ સામેલ હતો, જેમાં સામૂહિક ગોળીબારની યોજનાનો ઉલ્લેખ હતો.

ફરિયાદી પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે રવિવારે પેપોરાકિસે પોતાના એક સહકર્મીને ફોન કરીને કહ્યું હતું કે તેની બંદૂક જામ થઈ ગઈ છે. ત્યારબાદ તે ગોળીબાર કર્યા વિના અને કોઈની નજરે ચડ્યા વિના ઝડપથી ત્યાંથી નીકળી ગયો હતો. અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ બુધવારે ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે પેપોરાકિસે હાલ જેલમાં જ રહેવું પડશે.

Share This Article