68 વર્ષના મેહરદાદ અખલાઘીની નિમણૂકને સંસદની મંજૂરી, મિસાઇલ અને સૈન્ય ટેક્નોલોજીના નિષ્ણાતને મળી મોટી જવાબદારી
Iran New Defence Minister: મેહરદાદ અખલાઘી કેતાબચીને ઈરાનના રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 68 વર્ષના અખલાઘીની નિમણૂકને રવિવારે દેશની સંસદે મંજૂરી આપી હતી. કુલ 237 સાંસદોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 15 સાંસદોએ મેહરદાદની વિરુદ્ધમાં મત આપ્યો હતો. આ નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકા દ્વારા ઈરાન પર ફરીથી હુમલા કરવાની આશંકા વધી રહી છે. અખલાઘીએ પદ સંભાળતાં જ આક્રમક વલણ અપનાવીને અમેરિકાને કોઈપણ હુમલાના જવાબમાં US આર્મીના બેઝ પર જોરદાર વળતો હુમલો કરવાની ચેતવણી આપી છે.
અમેરિકા અને ઇઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાની નેતાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ સહિત ઈરાનના અનેક વરિષ્ઠ રાજકારણીઓ અને સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. તેમાં પૂર્વ રક્ષા મંત્રી અઝીઝ નાસિરઝાદેહનો પણ સમાવેશ થાય છે. નાસિરઝાદેહના મૃત્યુ બાદ માજિદ ઇબ્ન-એ-રેઝાને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે અખલાઘીની નિમણૂક બાદ માજિદ તેમના નાયબ તરીકે કાર્ય કરશે.
“અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને કોઈપણ ચિંતા વિના અમારું કામ ચાલુ રાખી રહ્યા છીએ. જો અમેરિકાના રાષ્ટ્રપતિ એક પણ બૉમ્બ ફેંકશે, તો તેમણે એ જોવું પડશે કે તેમના કેટલા સૈનિકોને પાછા લઈ જવા માટે સ્ટ્રેચરની જરૂર પડશે.” – મેહરદાદ અખલાઘી.
અખલાઘી પર મોટી જવાબદારી
અખલાઘી પર ઈરાનના સૈન્ય-ઔદ્યોગિક માળખાનું પુનર્નિર્માણ અને વિસ્તરણ કરવાની જવાબદારી રહેશે, જેને અમેરિકા અને ઇઝરાયેલે પોતાના હુમલાઓમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. મેહરદાદની સંરક્ષણ યોજનાઓને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને સંસદના રાષ્ટ્રીય સુરક્ષા તથા વિદેશ નીતિ પંચે પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને કહ્યું છે કે મેહરદાદ અખલાઘી પાસે રક્ષા મંત્રાલય અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કામ કરવાનો 42 વર્ષથી વધુનો અનુભવ છે. ઈરાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નવા રક્ષા મંત્રીને બૅલિસ્ટિક મિસાઇલો, સોલિડ-ફ્યુઅલ પ્રોપલ્શન, એરોસ્પેસ ટેક્નોલોજી અને સૈન્ય-ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે વિશેષ નિપુણતા છે.
અમેરિકા દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે
મેહરદાદ અખલાઘી કેતાબચી શહીદ બઘેરી ઇન્ડસ્ટ્રિયલ ગ્રુપ, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ઑર્ગેનાઇઝેશન અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ ઑર્ગેનાઇઝેશનના વડા રહી ચૂક્યા છે. અખલાઘી અને આ તમામ સંગઠનો પર અમેરિકાએ પ્રતિબંધો લાદેલા છે. તેમના પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો પણ લાગુ પડે છે. આવી સ્થિતિમાં તેમની નિમણૂક અમેરિકાને નારાજ કરી શકે છે.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા સમાચારપત્ર તસ્નીમ અનુસાર, અખલાઘી અનેક દાયકાઓથી વિવિધ પ્રકારની મિસાઇલો વિકસાવવાના પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહ્યા છે. ઈરાનની સેજ્જિલ અને ઝોલફાઘર બૅલિસ્ટિક મિસાઇલો, અલ્માસ મિસાઇલ અને યાસીન ગાઇડેડ બૉમ્બ તૈયાર કરવામાં અખલાઘીની ભૂમિકા રહી છે.
“મેહરદાદ અખલાઘી અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઈરાનને પોતાના વ્યૂહાત્મક શસ્ત્રો, ખાસ કરીને મિસાઇલો અને ડ્રોનની સંખ્યા તથા ગુણવત્તા વધારવાની જરૂર છે.” – જનરલ રઝા તલાઈ-નિક.
ઈરાનને અનેક શસ્ત્રો આપ્યા છે
અખલાઘીને સ્પેસ લૉન્ચર, સંશોધન રોકેટ અને સેમનાનમાં આવેલા ‘ઇમામ ખોમેની સ્પેસ સેન્ટર’ સાથે સંકળાયેલા માળખામાં પણ નિપુણતા છે. આ તમામ ઈરાનના ઇઝરાયેલ અને અમેરિકા સામેના યુદ્ધોમાં મહત્ત્વપૂર્ણ રહ્યાં છે.
અખલાઘીએ આ મહિને સંસદના સભ્યોને જણાવ્યું હતું કે તેમણે વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે મુલાકાત કરી છે. તેમાં IRGCના કમાન્ડર-ઇન-ચીફ જનરલ અહમદ વાહિદીનો પણ સમાવેશ થાય છે. આ મુલાકાતોનો હેતુ યુદ્ધની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવાનો હતો.

