India Vietnam Security Ties: દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી વચ્ચે ભારત સાથે ગુપ્ત માહિતીની આપ-લે કરવા વિયેતનામનો પ્રસ્તાવ

Arati Parmar
6 Min Read

ચીનની વધતી આક્રમકતા વચ્ચે ભારત-વિયેતનામની સુરક્ષા ભાગીદારી મજબૂત, NSA અજિત ડોભાલે કરી મહત્ત્વની બેઠકો

India Vietnam Security Ties: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ વિયેતનામની (1-2 નવેમ્બર) મુલાકાત લઈને પરત ફર્યા છે. આ દરમિયાન તેમની વિયેતનામના મોટા નેતાઓ અને સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા કાર્યસૂચિ કેન્દ્રમાં રહી હતી. તેમાં ગુપ્ત માહિતીની આપ-લે, ગુપ્ત માહિતી સુધી પહોંચ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચાનો સમાવેશ થાય છે. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીનના વલણમાં આક્રમકતા વધી છે. ચીનના દરિયાઈ દાવાઓ અને સૈન્ય પ્રવૃત્તિઓએ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામની ચિંતા વધારી છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વિયેતનામે ભારત સાથે ગુપ્ત માહિતીની આપ-લે અને તેની સુરક્ષા માટે કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. બંને દેશો વ્યૂહાત્મક ગુપ્ત માહિતી રિયલ-ટાઈમ (તાત્કાલિક)માં વહેંચવાની વ્યવસ્થા પર સંમત થયા છે. આ પ્રસ્તાવો સોમવારે હનોઈમાં વિયેતનામના ટોચના સંરક્ષણ નેતૃત્વ સાથે ડોભાલની મુલાકાત દરમિયાન સામે આવ્યા હતા. જહાજોના પરિવહન માર્ગો પાસે ચીનના સેંકડો નૌકાદળ અને તટરક્ષક જહાજો હાજર છે. આવી સ્થિતિમાં ભારત અને વિયેતનામ વચ્ચે ગાઢ બની રહેલી સુરક્ષા ભાગીદારીનું મહત્ત્વ સામાન્ય રાજદ્વારી સંબંધો કરતાં ઘણું વધારે છે.

- Advertisement -

ભારત-વિયેતનામ સામે ચીન

દક્ષિણ ચીન સાગરમાં ચીનના વિસ્તરણવાદી દાવાઓને કારણે વિયેતનામને દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ભારત મુક્ત હિંદ-પ્રશાંત ક્ષેત્રની હિમાયત કરે છે અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાની હાજરી મજબૂત કરવા માગે છે. આવી સ્થિતિમાં ભારત અને વિયેતનામે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં પોતાના દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કર્યો છે, જેમાં સંરક્ષણ સહયોગ મુખ્ય આધારસ્તંભ રહ્યો છે.

આ વર્ષે મે મહિનામાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની દિલ્હી મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને એનહાન્સ્ડ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી)ના સ્તરે અપગ્રેડ કર્યા હતા. ભારતે વિયેતનામને પેટ્રોલ બોટ આપી છે. એક મિસાઈલથી સજ્જ યુદ્ધજહાજ ભેટમાં આપ્યું છે અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

- Advertisement -

રિયલ-ટાઈમ ગુપ્ત માહિતી

વિયેતનામના જાહેર સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે બંને પક્ષો વ્યૂહાત્મક માહિતીની આપ-લે વધુ સારી બનાવવા માટે સંમત થયા છે, જેમાં રાજકીય અને વ્યૂહાત્મક ઘટનાક્રમો અંગે રિયલ-ટાઈમ ડેટા વહેંચવાનો સમાવેશ થાય છે. આ ચર્ચામાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણનું મૂલ્યાંકન, ઊભરતા જોખમો અને રાષ્ટ્રીય હિતોને અસર કરતા બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર પણ વાતચીત થઈ હતી.

આ પરંપરાગત ગુપ્તચર સહયોગથી એક પગલું આગળ છે. તેનાથી બંને સરકારોને પ્રાદેશિક સુરક્ષા સાથે જોડાયેલા ઘટનાક્રમો અંગે માહિતીની આપ-લે વધુ ઝડપથી કરવામાં મદદ મળી શકે છે. વિયેતનામ ગુપ્ત માહિતી, આંતરરાષ્ટ્રીય અપરાધ અને માનવ તસ્કરી સાથે જોડાયેલા કરારો અંગેની વાતચીતને ઝડપી બનાવવા માગે છે. જોકે, ડોભાલની મુલાકાત દરમિયાન ગુપ્ત માહિતીની આપ-લે અંગે કોઈ નવી સંધિ પર હસ્તાક્ષર થયા નથી.

- Advertisement -

ભારત-વિયેતનામ સંબંધો અને ચીનનું પરિબળ

વિયેતનામને દક્ષિણ ચીન સાગર (SCS)માં ચીનના આક્રમક વલણનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોનું મહત્ત્વ વિયેતનામના ભૌગોલિક સ્થાન અને ચીન સાથે ચાલી રહેલા વિવાદમાં છુપાયેલું છે. બેઇજિંગ દક્ષિણ ચીન સાગર (SCS)ના મોટા ભાગ પર પોતાનો દાવો કરે છે. તેમાં એવા જળવિસ્તારો અને ટાપુઓ પણ સામેલ છે, જેના પર વિયેતનામ પોતાનો દાવો કરે છે. દક્ષિણ ચીન સાગરને અડીને આવેલા દેશો સાથે પણ લગભગ આવી જ સ્થિતિ છે.

ભારત નિયમો આધારિત વ્યવસ્થા અને મુક્ત હિંદ-પ્રશાંત ક્ષેત્રનું સમર્થન કરતાં પોતાની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ હનોઈ સાથે સંરક્ષણ અને દરિયાઈ સહયોગ વધારી રહ્યું છે. વિયેતનામ માટે ભારતીય મિસાઈલો, નૌકાદળની સહાય અને ગુપ્તચર સહયોગ તેને વધારાની ક્ષમતાઓ અને એક નવો વ્યૂહાત્મક ભાગીદાર પૂરો પાડે છે. ભારત માટે આ ભાગીદારી એવા ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરે છે, જ્યાં ચીનનો સૈન્ય અને દરિયાઈ પ્રભાવ ઘણો વધારે છે.

હનોઈમાં ડોભાલની તાજેતરની મુલાકાતો દર્શાવે છે કે સંરક્ષણ પર કેન્દ્રિત દ્વિપક્ષીય સહયોગ હવે ગુપ્ત માહિતીની આપ-લે, સાયબર સુરક્ષા અને વ્યૂહાત્મક સંચારના ક્ષેત્રમાં વિસ્તરી રહ્યો છે. જોકે, નવી દિલ્હી કે હનોઈએ જાહેરમાં એવું કહ્યું નથી કે ડોભાલની બેઠકો દરમિયાન ખાસ કરીને ચીન અંગે કોઈ ચર્ચા થઈ હતી.

Share This Article