પેશાવરની શાળામાં મોટી દુર્ઘટના, છત પડતાં 40થી વધુ લોકો ઘાયલ, બચાવ કામગીરી શરૂ
Peshawar School Roof Collapse: પાકિસ્તાનના પેશાવરમાં એક ખાનગી શાળાની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછાં 21 બાળકોનાં કરુણ મોત થયાં છે. લેડી રીડિંગ હૉસ્પિટલ (LRH)ના વહીવટીતંત્રે શરૂઆતમાં ચાર લોકોનાં મોત થયાં હોવાની માહિતી આપી હતી, પરંતુ હવે જણાવ્યું છે કે હૉસ્પિટલમાં 17 મૃતદેહો લાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું કે 20 ઘાયલ બાળકોને પણ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. LRHના વહીવટીતંત્રે જણાવ્યું કે ઘટના બાદ એક મહિલા શિક્ષિકાનો મૃતદેહ પણ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
આ દરમિયાન કેપિટલ સિટી પોલીસ ઑફિસર (CCPO) ડૉ. મિયાં સઈદે જણાવ્યું કે પ્રાંતીય રાજધાનીમાં છત ધરાશાયી થવાની ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે શાળાની છત ધરાશાયી થયા બાદ અનેક બાળકો કાટમાળ નીચે ફસાઈ ગયાં છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે અને ટીમો કાટમાળમાં બાળકો તથા શાળાના કર્મચારીઓની શોધ કરી રહી છે.
ખૈબર પખ્તૂનખ્વાના (KP) રાજ્યપાલના માહિતી અને જનસંપર્ક સલાહકાર સમર હારૂન બિલૌરે છત ધરાશાયી થવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ બાળકોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

