નવી ઉર્જા, નવું લક્ષ્ય’ એટલે મોદી સરકાર 3.0 ની રચના

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા. 9 : લોકસભા ચૂંટણી ર0ર4ના જનાદેશ બાદ દેશમાં લોકશાહીના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે શપથ લેતા નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની સિદ્ધિની બરાબરી કરી છે. ટોચના ઉદ્યોગપતિઓ, પડોશી દેશના ટોચના નેતાઓ, બોલીવૂડ સીતારાઓ, મહાનુભાવો સહિત 8000ની ઉપસ્થિતિમાં વડાપ્રધાન સહિત ઉપરાંત 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય કક્ષાના મંત્રીએ શપથ લીધા હતા. ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળતાં સત્તાની સોદાબાજીની સ્થિતિમાં આવી ગયેલા જેડીયુ અને ટીડીપીના બબ્બે સાંસદને કેબિનેટમાં સ્થાન અપાયું છે.

pm modi oath ceremony 090

- Advertisement -

મોદી સરકાર 3.0માં ઉત્તરપ્રદેશ અને બિહારનો દબદબો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને હરિયાણાના પૂર્વ સી.એમ. મનોહરલાલ ખટ્ટરે પણ શપથ લીધા હતા. ચૂંટણી નહીં લડેલા નિર્મલા સીતારામને કેબિનેટમાં સ્થાન જાળવી રાખ્યું હતું. ગુજરાતથી સી. આર. પાટિલ, મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયાને સ્થાન મળ્યું હતું જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી થઇ હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રવિવારથી એનડીએની નવી ગઠબંધન સરકારની રચના થઈ છે. દેશ અને દુનિયાભરમાંથી 8000 આમંત્રિત મહેમાનો, મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. મંત્રીમંડળમાં આ વખતે સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર સહિત અનેક નેતાની બાદબાકી થઇ હતી. હવે ખાતાં ફાળવણી પર નજર રહેશે. રાજધાની દિલ્હીમાં સજ્જડ સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે નવી સરકારનો શાનદાર શપથગ્રહણ સમારોહ રવિવારે સાંજે 7:1પ કલાકથી શરૂ થયો હતો. જેમાં સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા, ત્યારબાદ રાજનાથ સિંહ અને અમિત શાહે શપથ લીધા હતા. પછી ભાજપ અને એનડીએના સહયોગી પક્ષોના સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેડીયુ, ટીડીપીનો નવી કેબિનેટમાં દબદબો રહ્યો છે. ભાજપને પૂર્વ બે લોકસભા ચૂંટણીની તુલનાએ સ્પષ્ટ બહુમત મળ્યો ન હોવાથી એનડીએની ટેકાવાળી સરકારમાં કેબિનેટમાં કેટલાક મોટા બદલાવ જોવા મળ્યા છે.

નીતીશ અને નાયડુ સહિત નાના સહયોગી દળોના સાંસદો કેબિનેટમાં સામેલ થયા છે. નવી સરકારમાં સહયોગી દરેકને રાજી રાખવા પ્રયાસ કરાયો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 6 વાગ્યાથી શપથવિધિ સમારોહનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને દુનિયાભરમાંથી 8000 ખાસ મહેમાનો આ અવસરના સાક્ષી બન્યા હતા, જેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનો તથા ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો, ખેલાડીઓ સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોઇજ્જુ, સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ, બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનુથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ આમંત્રણને માન આપી હાજરી આપી હતી. સફેદ કુર્તા અને પાયજામા સાથે ભૂરા રંગના જાકિટમાં સજ્જ વડાપ્રધાન પછી, તુરંત જ રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ શપથ લીધા હતા. આજે સાંજે શપથ ગ્રહણ કરનારા પ્રધાનોને નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને સવારે ચા-પાણી માટે આમંત્ર્યા હતા. આ સમતોલ પ્રધાનમંડળમાં દેશનાં બધાં રાજ્યો અને એનડીએના ઘટક પક્ષોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ભાજપ શાસિત નથી એવા કેરળ રાજ્યમાંથી પક્ષના એકમાત્ર સાંસદ સુરેશ ગોપીને તેમ જ પંજાબમાં લુધિયાણાની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણીમાં પરાભૂત થનારા રવિનિત સિંહને પણ પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભામાં ટીડીપીના 16 અને જનતા દળ (યુ)ના 12 સભ્યો ચૂંટાયા છે.

- Advertisement -

આ બંને પક્ષોના બે-બે સાંસદોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. એનડીએ આઠ ઘટક પક્ષો પ્રત્યેકને એક પ્રધાનપદ આપવામાં આવ્યું છે. શપથવિધિ સમારોહના થોડા કલાકો પહેલાં ટીડીપીના નેતા જયદેવ ગલ્લાએ ઘોષણા કરી હતી કે, અમારા પક્ષ વતી રામમોહન નાયડુ (36) અને ચન્દ્રશેખર પેમ્માસાની પ્રધાન તરીકે શપથ લેશે. ગુન્ટુરના પેમ્માસાની તબીબમાંથી રાજકારણી બન્યા છે. ત્રીજી મુદત માટે લોકસભામાં ચૂંટાયેલા રામમોહન નાયડુ ઇજનેર છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઘટકો – જનતા દળ (યુ)ના લલ્લનસિંહ અને રામનાથ ઠાકુર, શિવસેનાના પ્રતાપરાવ જાધવ, રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી, એલ.જે.પી.ના ચિરાગ પાસવાન, જનતા દળ (સેક્યુલર)ના એચ.ડી. કુમારસ્વામી, એ.જે.એસ.યુ. ચન્દ્રપ્રકાશ ચૌધરી, આરપીઆઈ (આ)ના રામદાસ આઠવલે, અપના દળ (સોનેલાલ)નાં અનુપ્રિયા પટેલ તેમ જ હિન્દુસ્તાની અવામ મોરચાના જિતનરામ માંઝીનો સમાવેશ થાય છે.

Share This Article