સિડની, તા. 10 : આજના યુગમાં બાળકો માત્ર ને માત્ર મોબાઈલ ફોનને જ પોતાની દુનિયા માનવા લાગ્યા છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિસે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા કાયદો ઘડવાની ઘોષણા કરી હતી સાથે જ તેમાં વપરાશ માટે પણ વયમર્યાદા નક્કી કરાશે તેમ જણાવ્યું હતું.

આ કાયદાને વર્ષાંત સુધી લાગુ કરવાની સરકારે તૈયારીઓ આદરી છે. એક મીડિયા હેવાલ મુજબ, વડાપ્રધાન અલ્બાનિસે કહ્યું હતું કે, બાળકોને સોશિયલ મીડિયા જેવા કે, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક સહિતનો બાળકો વધુ ઉપયોગ કરતા હોવાથી તેમના માટે ફેડરલ કાયદો લાગુ કરાશે, જે અંતર્ગત આ તમામ સોશિયલ મીડિયા સાઈટ પર લોગઈન કરવાની ન્યૂનતમ વયમર્યાદા 14થી 16 વર્ષ વચ્ચે રખાશે તેમ પણ જણાવ્યું હતું. જો કે, આ કાયદા અંગેની વિચારણા બાદ વર્ષાંતે લાગુ કરવાની સરકારની તૈયારી છે.

