મહિલા ટી-20 વિશ્વકપના પ્રથમ મુકાબલામાં જ ભારતને હાર

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

દુબઈ, તા. 4 : સુકાની સોફી ડેવિન (57)ની અર્ધસદી તેમજ ચાર વિકેટ ખેરવનાર રોસમેરી મેરની બળૂકી બોલિંગના બળે ન્યૂઝીલેન્ડની ટીમે 58 રને બાજી મારતાં મહિલા ટી-20 વિશ્વકપના પ્રથમ મુકાબલામાં જ ભારતને હાર ખમવી પડી હતી. કિવીના 161 રનના લક્ષ્ય સામે હરમનપ્રીત કૌરની ટીમ 102 રનમાં સમેટાઈ ગઈ હતી.

t 20 women cricket

- Advertisement -

ટીમ ઈન્ડિયા તરફથી સુકાની કૌરના સૌથી વધુ 15 રન થયા હતા. બાકી કોઈ પણ ખેલાડી ક્રીઝ પર લાંબુ ટકી શની નહોતી. આ પહેલાં ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે ભારતીય ટીમની બોલિંગનો મક્કમતાથી સામનો કરીને 20 ઓવરમાં ચાર વિકેટે 160 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કિવી કપ્તાન સોફી ડિવાઇને મીડલઓર્ડરમાં બેટિંગમાં આવીને માત્ર 36 દડામાં સાત ચોગ્ગાથી પ7 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

ઓપનર સુઝી બેટસ અને જોર્જિયા પ્લિમરે ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆત આપી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 46 દડામાં 67 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સુઝી બેટસનો અરુંધતિએ શિકાર કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. બેટસ 24 દડામાં બે ચોગ્ગાથી 27 રને આઉટ થઇ હતી, જ્યારે જોર્જિયાની વિકેટ આશા શોભનાએ લીધી હતી. તે 23 દડામાં ત્રણ ચોગ્ગા-એક છગ્ગાથી 34 રને આઉટ થઇ હતી. અમેલિયા કેરના 13 રન અને બ્રુક હેલિડેના 16 રન થયા હતા.

- Advertisement -

સોફી ડીવાઇને કેપ્ટન ઇનિંગ્સ રમી અણનમ અર્ધસદી કરી હતી. ભારત તરફથી રેણુકાસિંહને બે અને અરુંધતિ તથા શોભનાને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડનો દાવ ચાર વિકેટે 160 રને પૂરો થયો હતો. આથી ભારતને જીત માટે 161 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.

Share This Article