વાશિંગ્ટન, તા.1 : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એવું નિવેદન આપ્યું છે, જેને જાણીને અમેરિકામાં રહેતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મસ્કે કહ્યું કે, અમેરિકા ઝડપથી નાદાર થઈ રહ્યું છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો ડોલરનું કોઈ મૂલ્ય નહીં રહે. ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં યુએસ કરન્સી ડોલરને મોટો ફટકો પડી શકે છે, કારણ કે અમેરિકા પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે. મસ્કે કહ્યું છે કે, જો અમેરિકી નાદારીનો મુદ્દો ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો ડોલર ટૂંક સમયમાં નકામું બની શકે છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મસ્કનાં નિવેદનથી આશ્ચર્ય થયું હશે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, બજારના નિષ્ણાતોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે અમેરિકા ટૂંક સમયમાં નાદાર થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક અમેરિકન નાગરિકનું સરેરાશ દેવું એક લાખ ડોલરથી થોડું વધારે છે. આ એક ચિંતાજનક આંકડો છે. જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે, તો આમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ હશે. એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા કોઈનાથી છૂપી નથી. મસ્કે ચૂંટણીમાં ટ્રમ્પને ઘણું સમર્થન આપ્યું હતું. ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે મસ્કને ઈનામ પણ આપ્યું હતું. બીજી બાજુ ટ્રમ્પે તેમના ખાસ વિવેક રામાસ્વામીને પણ ઈનામ આપ્યું હતું અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. આ વિભાગનું કામ અનિયંત્રિત સરકારી ખર્ચમાં કાપ મૂકવાનું રહેશે.

