PM મોદી અંગેની BBCની ડૉક્યૂમેન્ટ્રી પર પ્રતિબંધ મુદ્દે અમેરિકાએ કહી મહત્વની આ વાત
Thursday, 26 January 2023
બ્રિટીશ બ્રોડકાસ્ટર BBCની ડૉક્યુમેન્ટ્રી અંગે વિવાદ અટકવાનું નામ લેતો નથી. PM મોદી અંગે બનેલી BBCની ડૉક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને ભારત સરકારે દુષ્પ્રચાર તરીકે ગણાવી પ્રતિબંધિત કરી છે.
ભારતમાં પ્રતિબંધિત BBC ડોક્યુમેન્ટ્રીને અમેરિકાના વિદેશ મંત્રાલયે પ્રેસની સ્વતંત્રતાની બાબત ગણાવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા દુનિયાભરમાં પ્રેસ તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવી લોકતાંત્રિક સિદ્ધાંતોનું સમર્થન કરે છે.
બુધવારે ડેઈલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે (US State Department spokesman Ned Price) પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARYએ ભારતમાં BBC ડોક્યમેન્ટ્રી બેનને લઈ પ્રશ્ન કર્યો હતો. અમેરિકાના પ્રવક્તાએ આ પ્રેસની સ્વતંત્રતા (Freedom of press)ની બાબતમાં કહ્યું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં અભિવ્યક્તિની આઝાદી જેવા લોકશાહી સિદ્ધાંતો (Democratic principles)ના મહત્વને ઉજાગર કરવા તથા વિશ્વભરમાં તેને મુદ્દો બનાવવાનો આ યોગ્ય સમય છે.
બે દેશો વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીઃ પ્રાઈસ
આ અગાઉ સોમવારે નેડ પ્રાઈસે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે બનેલી BBCની ડોક્યુમેન્ટ્રીથી તેઓ પરિચિત નથી. પણ બન્ને દેશ વચ્ચે અનેક એવી બાબત છે કે જે ભારત સાથે અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી (Global strategic partnership)ને મજબૂત કરે છે. તેમા રાજકીય, આર્થિક અને અસાધારણ રીતે લોકો વચ્ચે સંબંધનો સમાવેશ થાય છે. અમેરિકા અને ભારત બન્ને મજબૂત અને જીવંત લોકશાહી (Strong and vibrant democracies) તરીકે સ્થાપિત છે.
બ્રિટનના વડાપ્રધાને શું કહ્યું
BBC ડૉક્યુમેન્ટ્રી બેન અંગે પાકિસ્તાની મૂળના સાંસદ ઈમરાન હુસૈને બ્રિટનની સંસદમાં પ્રશ્નાર્થ સર્જાયો હતો. તેના જવાબમાં વડાપ્રધાન ઋષિ સુનકે PM મોદીનો બચાવ કરતા કહ્યું હતું કે તેઓ પોતાના ભારતીય સમકક્ષ (વડાપ્રધાન)ના ચરિત્ર ચિત્રણને લઈ સહમત નથી.
સુનકે કહ્યું હતું કે આ મુદ્દે બ્રિટન સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. UKનું જે સ્ટેન્ડ લાંબા સમયથી ચાલ્યું આવે છે તેમા કોઈ જ ફેરફાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે ક્યારે પણ અને કોઈનું પણ ઉત્પીડનને સહન કરતા નથી. હું આ ચરિત્ર ચિત્રણથી બિલકુલ સહમત નથી કે જે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવ્યું છે.
