કેજરીવાલ માટે તિહાર જેલમાં તબીબ બોલાવી મગાવ્યા
નવી દિલ્હી, તા. 21 : તિહાર જેલના ડીજી સંજય બેનીવાલે 20 એપ્રિલ શનિવારના એઈમ્સને પત્ર લખ્યો હતો, જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજિસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે. આ પત્ર પણ આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે શેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રાંચીમાં `ઈન્ડિયા’ જોડાણનાં શક્તિ પ્રદર્શનમાં આપ નેતા સુનીતા કેજરીવાલે પણ આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીના મુખ્યમંત્રીની હત્યા કરવાની કોશિશ થઇ રહી છે. રાજનીતિ ગંદી ચીજ છે. 12 વર્ષથી રોજ 50 યુનિટ ઈન્સ્યુલિન લેનારને જેલમાં ઈન્સ્યુલિન અપાતું નથી.
રવિવારે દિલ્હીના મંત્રી આતિશી ઈન્સ્યુલિન લઈને તિહાર જેલની સામે પહોંચ્યાં હતાં. તેમણે કેન્દ્ર સરકારને બ્રિટિશ રાજ કરતાં પણ વધુ ક્રૂર ગણાવી હતી. આ પહેલાં આતિશીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહી છે. અરવિંદ કેજરીવાલ 1 એપ્રિલથી તિહાર જેલમાં છે.
18 એપ્રિલના રોજ તેણે કોર્ટમાં અરજી કરી તેના ડોક્ટરની સલાહ માગી હતી અને ઇન્સ્યુલિનની માંગ કરી હતી, જેના પર 22 એપ્રિલે નિર્ણય આપવાનો છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તિહાર જેલ રિપોર્ટ જુઠ્ઠાણાનો પોટલો છે. સૌ પ્રથમ, કેજરીવાલની સુગર રેન્ડમલી માપવામાં આવી હતી, જ્યારે પણ સુગર લેવલ ઘટ્યું છે, તે રિપોર્ટમાં એક માત્ર રેકોર્ડ છે. આ અરાવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું છે.
અરાવિંદ કેજરીવાલ જેલ પ્રશાસન પાસેથી વારંવાર ઇન્સ્યુલિન માગી રહ્યા છે, પરંતુ તેઓ આપવા તૈયાર નથી. કેન્દ્ર સરકાર કહેતી રહી કે કેજરીવાલની સંભાળ રાખવા માટે જેલમાં નિષ્ણાત હાજર છે. ડાયાબિટોલોજિસ્ટને મોકલવા માટે એઈમ્સને પત્ર લખ્યા બાદ તિહાર ડીજીનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની અપીલ પર તિહાર જેલ પ્રશાસને વીડિયો કોન્ફરન્સ યોજી હતી. હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર ઉપરાંત તિહારના મેડિકલ ઓફિસર પણ તેમાં હાજર હતા.
