Income Tax: એડવાન્સ ટેક્સ જમા કરાવવાનું ચૂકી જનારાઓએ આવકવેરા ખાતાને બાકી ટેક્સની રકમ પર 12 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. વાર્ષિક રૂપિયા 10 હજારથી વધુનો આવકવેરો ચૂકવવાની જવાબદારી આવતી હોય તેવા દરેક કરદાતાઓ એડવાન્સ ટેક્સ ચૂકવવાનો આવે છે. વર્ષમાં ચાર વાર એડવાન્સ ટેક્સ ચૂકવવાનો આવે છે. ટેક્સની વાર્ષિક અંદાજિત જવાબદારીમાંથી જૂન મહિનાની 15મી સુધીમાં 15 ટકા, સપ્ટેમ્બરની 15મી સુધીમાં 45 ટકા, ડિસેમ્બરની 15મી સુધી 75 ટકા તથા 15 માર્ચે બાકીનો ટેક્સ જમા એડવાન્સ ટેકસ ચૂકવવાનો આવે છે.
વ્યક્તિ તેની વાર્ષિક અંદાજિત આવકને આધારે તેને ભરવાના થતાં આવકવેરાની રકમ 10 હજાર રૂપિયાથી વધી જતી જણાય તો તેણે એડવાન્સ ટેક્સ ભરવાનું ચાલુ કરી દેવું જોઈએ. નહીંતર ટેક્સની રકમ પર 12 ટકાના દરે વ્યાજ ચૂકવવા તૈયાર રહેવું પડશે.
ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો વર્ષે 1 લાખ રૂપિયાનો ટેક્સ જમા કરવાનો થતો હોય અને કરદાતા એકેય ત્રિમાસિક ગાળામાં ટેક્સ ન જમા કરાવે અને તેના રિટર્ન વખતે જ તે ટેક્સ બતાવે અને 1 લાખથી વધુ ટેક્સ ભરવાની જવાબદારી આવે તો જવાબદારીની રકમ પર 12 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું આવે છે. 1 લાખ ચૂકવવાના થતાં હોય તો 12 હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવવા પડે છે.
આવકવેરાના નિષ્ણાત પ્રમોદ પોપટનું કહેવું છે કે, ‘કરદાતાના બેન્ક ખાતામાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કે યુપીએસ જેવી પેમેન્ટ એપથી કરવામાં આવતા પેમેન્ટને કારણે આવકવેરા ખાતાના અધિકારીઓને તરત જ જાણ થઈ જાય છે કે જે તે કરદાતાના એકાઉન્ટમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે. બેન્ક એકાઉન્ટમાંથી કરવામાં આવતા પેમેન્ટ પરથી પણ તેઓ સંબંધિત વ્યક્તિની આવકનો અંદાજ બાંધી લે છે. આ જ રીતે જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓના આર્થિક વહેવારોની વિગતો તરત જ આવકવેરા ખાતામાં પહોંચી જાય છે. તેને આધારે તેમને મેસેજ અને ઈમેઈલ પણ પાઠવીને જણાવી દે છે તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો થાય છે. તેમ છતાંય સંખ્યાબંધ કરદાતાઓ તેની સામે આંખ આડા કાન કરે છે. તેથી તેમની પાસેથી દરે વસૂલવામાં છે.’
વધુમાં તેમણે ઉમેર્યું કે, ‘કરદાતાની કમાણી થતી જાય તેમ તેમ તેણે ભરવાપાત્ર ટેક્સ ભરવા માંડવું જોઈએ તેવી આવકવેરા ખાતાની સ્કીમ જ છે. આ સ્કીમ મુજબ પગારદાર કરદાતાની આવકમાંથી ટીડીએસ કે ટીસીએસ થયા પછી પણ તેની વેરો ભરવાની જવાબદારી 10 હજાર રૂપિયાથી વધુ આવતી હોય તેમણે એડવાન્સ ટેક્સ જમા કરાવવાનો આવે છે. આ જ રીતે બિઝનેસમેન કે પ્રોફેશનલ તરીકે સિટીઝન્સ મોટી આવક ધરાવતા હોય તો પણ એડવાન્સ ટેક્સ ભરવા બંધાયેલા છે. આ જ રીતે આવકવેરા ધારાની કલમ 44એડી હેઠળ પ્રીઝમ્ટિવ ટેક્સ જમા કરાવનારા કરદાતાઓએ પણ એડવાન્સ ટેક્સ જમા કરાવવો ફરજિયાત છે. ભાડાંની, કેપિટલ ગેઈનની, ડિવિડંડની મોટી આવક ધરાવતા હોય અને 10 હજાર રૂપિયાથી વધુ ટેક્સ ભરવાની જવાબદારી આવતી હોય તેમણે પણ એડવાન્સ ટેક્સ જમા કરાવવો ફરજિયાત છે. મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટમેન્ટ પર પણ કેપિટલ ગેઈન થતો હોય છે. તેને ઉપાડની રકમ પર પણ એડવાન્સ ટેક્સ જમા કરાવવો જરૂરી છે.’