Supreme Court: લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના નામે નોંધાતા દુષ્કર્મના કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સંબંધમાં રહેવું ગુનો બની ગયું છે.’
સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે, ‘પ્રેમ સંબંધનો અંત કે બ્રેકઅપનો અર્થ એ નથી કે કેસ દુષ્કર્મ બની જાય. સમાજમાં હવે મૂલ્યો જે રીતે બદલાઈ રહ્યા છે. આપણે સમજવું પડશે કે સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ.’ નોધનિય છે કે, દુષ્કર્મના કેસને રદ કરવા માટે અરજી કરનાર વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી.
અહેવાલો અનુસાર, મહિલાએ તે પુરુષ સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો, જેની સાથે તેની સગાઈ થઈ હતી પરંતુ તે લગ્ન કરી શકી ન હતી. મહિલાએ દાવો કર્યો હતો કે લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કેસમાં વરિષ્ઠ વકીલ ગીતા લુથરાએ યુવાનનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે માધવી દીવાને મહિલા વતી દલીલ કરી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે મહિલાને કહ્યું, ‘જો તમે આટલા નિર્દોષ હોત, તો તમે અમારી પાસે ન આવ્યા હોત. તમે પુખ્ત વયના હતા. એવું ન કહી શકાય કે કોઈએ તમને લગ્નનું વચન આપીને મૂર્ખ બનાવ્યા. સંપૂર્ણ આદર સાથે કહેવું જોઈએ કે આજે નૈતિકતા અને મૂલ્યો બદલાઈ ગયા છે. ખાસ કરીને યુવા પેઢીમાં. જો અમે તમારી સાથે સહમત હોઈએ તો કોલેજમાં છોકરા અને છોકરી વચ્ચેનો સંબંધ સજાપાત્ર બનશે.’
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, ‘ધારો કે બે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેમ છે. છોકરી પાછળ હટે છે અને યુવક કહે છે કે હું આવતા અઠવાડિયે તારી સાથે લગ્ન કરીશ. પછી તે પછીથી ફરી આવું કરતો નથી. શું આ કરવું ગુનો ગણાશે? આ પરંપરાગત દ્રષ્ટિકોણ છે. જેમાં બધી અપેક્ષાઓ ફક્ત પુરુષો પર જ મૂકવામાં આવે છે.’
એડવોકેટ માધવી દિવાને કહ્યું, ‘આ કિસ્સામાં, જાતીય સંબંધો બનાવવાની પરવાનગી એ મુક્ત સંમતિનો કેસ નથી. અહીં મુદ્દો એ છે કે છોકરીને લાગ્યું કે જો તે તેના મંગેતરને ખુશ નહીં કરે, તો તે તેની સાથે લગ્ન નહીં કરે. બંનેની સગાઈ થઈ ગઈ હતી. આ કદાચ તે યુવાન માટે સામાન્ય સંબંધ, પરંતુ યુવતી સાથે એવું નહોતું.
આ દલીલ સાથે સહમત ન થતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ‘તમે મને કહો કે શું ફક્ત લગ્ન ન કરી શકવાને દુષ્કર્મનો ગુનો ગણવો જોઈએ? આપણે આ બાબતને ફક્ત એક જ રીતે જોઈ શકીએ નહીં. આપણને કોઈ એક જેન્ડર સાથે કોઈ અટેચમેન્ટ નથી. મારે પણ એક દીકરી છે. જો તે આ પરિસ્થિતિમાં હોત, તો મેં પણ તેને વ્યાપક દ્રષ્ટિકોણથી જોયું હોત. હવે તમે જ કહો કે શું આ કેસ આવી નબળી દલીલોના આધારે બનાવવામાં આવ્યો છે? ફરિયાદીને ખબર હતી કે સંબંધનો અંત આવી શકે છે. છતાં તેમણે સંબંધ જાળવી રાખ્યો.’ કોર્ટે યુવકની અરજીની સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે.