USA China Trade War: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરનો ભોગ અન્ય દેશો બની રહ્યા છે. બંને દેશ અન્ય દેશો પર દબાણ સર્જી રહ્યા છે. ટ્રમ્પની ઓફર બાદ ચીને અન્ય દેશોને અમેરિકા સાથે વેપાર ન કરવાની ચીમકી આપી છે. ચીનના આ વલણથી બંને દેશો વચ્ચે ટેરિફવૉર મંત્રણા થશે કે કેમ તેની અનિશ્ચિતતાઓ વધી છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ અન્ય દેશોને ચીમકી આપી છે કે, કોઈપણ દેશ જો ચીનના હિતોની વિરોધમાં અમેરિકા સાથે વેપાર કરાર કરે છે, તો તેની વિરુદ્ધ આકરું વલણ અપનાવવામાં આવશે. બંને પક્ષ માટે આ નિર્ણય નુકસાનકારક રહેશે.
ટ્રમ્પે આપી ઓફર
એકબાજુ ટ્રમ્પ સરકાર ચીન સાથે વેપાર સંબંધો તોડી નાખવા માટે અન્ય દેશો પર પ્રેશર સર્જી રહી છે. અમેરિકાએ ઓફર મૂકી છે કે, જે દેશ ટેરિફમાં છૂટ ઇચ્છે છે, તેઓ ચીન સાથે વેપાર મર્યાદિત કરે. બીજી તરફ ચીન ડર્યા વિના અમેરિકાની વિરુદ્ધમાં વેપાર રણનીતિ બનાવી રહ્યું છે.