Pahalgam Terror Attack : કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પગલે સર્જાયેલી રાજકીય સ્થિતિની અસરરૂપે ધાર્મિક યાત્રાએ ગયેલાં કચ્છના 37 લોકોને પાકિસ્તાને ભારત રવાના કર્યાં છે. કચ્છ જિલ્લાના મહેશપંથી મહેશ્વરી સમાજના 37 લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા યાત્રાધામોની દર્શનાર્થે એક મહિનાનું આયોજન કરીને ગયો હતો. દસ દિવસ પૂર્વે પાકિસ્તાન પહોંચેલા કચ્છના આ સંઘને દસ જ દિવસમાં પરત કચ્છ આવવાની ફરજ પડી રહી છે.
પાકિસ્તાનના મકલી ઠઠા, ઠરઈ, સેણી સહિત ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે. ખડિયા યાત્રા માટે તા.16ના ગાંધીધામથી વાઘા બોર્ડર થઈને કરાંચી પહોંચેલા યાત્રાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો. પરંતુ પહલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને પરત 48 કલાકમાં દેશ છોડી જવા રવાના કરતાં આ સંઘ સંભવતઃ સોમવારે ભારત પરત ફરશે.
કચ્છમાં આવેલા ચંદ્રુઆ ધામ- લાખોંદ, ત્રેઈજાર- રાયધણપર, મોટા મતિયા દેવ – ગુડથર અને લુણંગ દેવ લુણી, બગથડાધામ અંજાર યાત્રાધામનું જેટલું મહેશ્વરી સમાજમાં મહત્વ છે. એટલું જ મહત્વ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ચાર યાત્રાધામો લુણંગ દેવનું સ્વધામ- ઠરઈ, ધણી માતંગ દેવનું સ્વધામ – સેણી, માતઈદેવનું સ્વધામ ભાદ્રા હાજી સાવણ અને મામઈદેવનું સ્વધામ મકલી ઠઠાનું પણ છે. પાકિસ્તાનના કરાંચી સહિતના વિસ્તારોમાં મહેશ્વરી સમાજના લોકોની બહોળી વસ્તી હોવાથી સમયાંતરે કચ્છ- ગુજરાતથી મહેશ્વરી સંપ્રદાયના લોકો મળવા તેમજ ખાસ તો આ ચારેય યાત્રાધામોએ જતા હોય છે.
તા. 16 એપ્રિલે કચ્છથી 37 લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા આ ચારેય યાત્રાધામોના દર્શનાર્થે નીકળ્યો હતો. એક મહિનામાં આ ચારેય યાત્રાધામોના દર્શન કરવાનું સંઘનું આયોજન હતું. પરંતુ કાશ્મીરના પહલગામની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી. પાક. સરકારે પણ ભારતીય નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી જવાનો આદેશ કર્યો હતો. કચ્છના આ 37 લોકોના સંઘને પણ એક મહિનાની યાત્રા ટૂંકાવવાની ફરજ પડી છે અને ત્રણેક દિવસના ટૂંકા ગાળામાં જ યાત્રાધામોના દર્શન કરીને પરત કચ્છ રવાના કરાયાં છે અને સોમવારે ભારત પહોંચી જશે. ગણતરીના દિવસોમાં જ આ સંઘ કચ્છ પરત આવી પહોંચશે.
આ અંગે વઘુ માહિતી આપતા જગદીશભાઈ મહેશ્વરીએ જણાવેલ હતું કે, પ્રથમ વખત એક સાથે 37 લોકોના સંઘને પાકિસ્તાન સરકારે યાત્રાધામ માટેની મંજુરી આપી હતી. પાકિસ્તાનના યાત્રાધામે નીકળતા પહેલા ગાંધીધામ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખડીયા યાત્રા અખાત્રીજથી શરૂ કરવાની પાક. સરકારે મંજુરી આપી હતી. પરંતુ, કાશ્મીરના પહેલ ગામની આ ઘટનાને કારણે ફરીથી પાક. સરકારની મંજુરી પાછી ખેંચી લઈને આ ખડિયા યાત્રાને માત્ર ત્રણ જ દિવસમાં પૂર્ણ કરવાની ફરજ પડી છે.