Israel vs Hamas War Updates : આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે, અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52000ને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે.
હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, જેમાંથી હજુ પણ કેટલાકને છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા. જોકે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયેલે આ કરારોનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે. એક તરફ ગાઝા પર હવાઇ હુમલા બીજી તરફ ગાઝામાં પુરો પડાતો સપ્લાય પુરવઠો ઇઝરાયેલે છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના અનેક લોકો ભુખમરાના ભરડામાં આવી રહ્યા છે. ગાઝામાં મદદ પહોંચાડનારી સંસ્થાઓનું કહેવું છે કે હાલ ગાઝામાં અનાજ સહિતની ખાધ્ય સામગ્રી અંતિમ સ્થિતિમાં છે તેથી વધુ પુરવઠાની જરૂર પડશે.
હમાસે શરત મુકી છે કે ઇઝરાયેલના બાકીના 59 બંધકોને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે પેલેસ્ટાઇનના બાકી કેદીઓને ઇઝરાયેલ દ્વારા છોડવામાં આવે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે પહેલો હુમલો કર્યો હતો ત્યારથી ઇઝરાયેલ સાથે યુદ્ધની સ્થિતિમાં છે. ખાન યુનિસ શહેરમાં શરણાર્થીઓના કેમ્પોમાં રહેતી મરીયમ અને તેની સાસુએ શુક્રવારે એક પ્લેટ ચોખા અને થોડા ગાજર એક તપેલીમાં બોઇલ કર્યા હતા, આટલા ભોજનમાં પરિવારના ૧૧ લોકોને ખવડાવવામાં આવ્યું હતું, રાહત કેમ્પોના આવા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે હાલ ગાઝામાં રહેલા બાકી લોકોની શું સ્થિતિ છે.
ગાઝાની આ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ દ્વારા ગાઝા અને લેબેનોન પર ફરી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા હમાસ અને અન્ય આતંકી સંગઠનોના વિવિધ સ્થળોને નિશાન બનાવી કરાયા હતા. જેમાં કુલ ૫૫થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ખાસ કરીને બૈરુતમાં હાલ મોટાપાયે ઇઝરાયેલ એર સ્ટ્રાઇક કરી રહ્યું છે.
હમાસ-ઇઝરાયેલ વચ્ચે શાંતિ કરારો થયા તે બાદ ઇઝરાયેલ દ્વારા લેબેનોન પર આ ત્રીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. જેને પગલે હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિની સ્થિતિ સ્થાપિત થવાના કોઇ સંકેત નથી મળી રહ્યા.
– ગાઝામાં એક કિલો ટામેટાનો ભાવ રૂ. 1200, બજારો ખાલી
ગાઝામાં સેવા આપી રહેલા ડોક્ટર આયમાન અબુએ ચેતવણી આપી હતી કે હાલ ખાન યુનિસ હોસ્પિટલમાં કુપોષિત બાળકોના કેસો વધી રહ્યા છે, બાળકો માટે ઉપયોગમાં લેવાતા વિશેષ દૂધની હાલ ભારે અછત છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે ગાઝામાં હાલ કુપોષણનો શિકાર બનેલા 3700 બાળકોની ઓળખ કરાઇ છે. હાલમાં ગાઝામાં ઇંડા, માંસ, મચ્છી, દુધ જેવો કોઇ જ ખોરાક નથી. ખાન યુનિસ માર્કેટોમાં પણ અનેક સ્ટોલ ખાલી છે, માત્ર છોડા ટામેટા, ડુંગળી અને કાંકડી સિવાય કઇ જ નથી આવી રહ્યું. એક કિલો ટામેટાનો ભાવ ગાઝામાં હાલ 14 ડોલર એટલે કે આશરે 1200 રૂપિયા છે. જે યુદ્ધ પહેલા અડધા ડોલરથી પણ ઓછો હતો. ઇઝરાયેલી સૈનિકોએ સમગ્ર ગાઝાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. પાણીની અછતને કારણે ખેતી કરવી પણ શક્ય નથી. અહીંયા રફા ચેરિટી કિચન ચાલે છે જ્યાં ભુખ્યા બાળકો ભોજન માટે વલખા મારી રહ્યા છે કેમ કે ઇઝરાયેલે ૬૦ દિવસથી બોર્ડરો સીલ કરી દેતા અહીંયા કોઇ પણ પ્રકારનું ભોજન નથી પહોંચી રહ્યું.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું હતું કે હાલમાં કિચનમાં સ્ટોક ખાલી થઇ ગયો છે. અહીંયા કામ કરતા અબુ કાસીમે કહ્યું હતું કે હવે કેટલાક કિચન બંધ થવા જઇ રહ્યા છે. અમારા પર નિર્ભર લોકો હવે ભુખમરા તરફ જઇ રહ્યા છે.