Insurance Tips: ગાય, બળદ જેવા પ્રાણીઓ અચાનક ગમે ત્યાંથી વાહનની સામે આવી જાય છે અને પછી અકસ્માત થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ગાય કે બળદ સાથે ગાડી અથડાય છે તો શું વીમા કંપની ગાડીને થયેલા નુકસાનની ભરપાઈ કરે છે?
હવે આવા કિસ્સામાં, ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ આપશે કે નહીં તે તમે કઈ વીમા પોલિસી લીધી છે તેના પર આધાર રાખે છે. જો તમે તમારા વાહન માટે થર્ડ પાર્ટી વીમા પૉલિસી લીધી હોય તો વીમા કંપની તમને વીમાનો ક્લેમ નહીં આપે. બીજી બાજુ જો તમે તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ વીમા પોલિસી લીધી હોય તો એ તમારા માટે રાહતની વાત છે. કારણ કે, આ પોલિસીમાં પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને આવરી લેવામાં આવે છે.
હંમેશા એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી જ પસંદ કરો
જો તમે આવા નુકસાનથી બચવા માંગતા હોવ તો તમારે એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી ખરીદવી જોઈએ. આ પોલિસી કુદરતી આફત, ચોરી અથવા આગને કારણે કારને થયેલા નુકસાનની ભરપાઈ પણ કરે છે. ઉંદરો, બિલાડીઓ અને કૂતરા જેવા નાના પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને પણ આ પોલિસીમાં કવર કરી લેવામાં આવે છે. આ પોલિસીમાં લગભગ તમામ પ્રકારના નુકસાન કવર કરવામાં આવે છે.
પોલિસી ખરીદતી વખતે રાખો આટલું ધ્યાન
કાર વીમા પોલિસી ખરીદતી વખતે, ધ્યાન રાખો કે પોલિસીમાં કઈ બાબતો કવર થઈ રહી છે. એવામાં તમે ઘણી કંપનીઓની પોલિસી જોઈ શકો છો અને તેની તુલના કરી શકો છો. એવી જગ્યાએથી પોલિસી ખરીદો જ્યાં તમને ઓછા પ્રીમિયમે સારા કવર મળે. વાહન વીમો લેતી વખતે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો છે તેનું ખાસ ધ્યાન રાખો. જો તમને યોગ્ય લાગે તો જ તમે પોલિસી લો.